Posted by: readsetu | ડિસેમ્બર 12, 2014

Bhikharan – Gani Dahiwala

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 2 ડિસેમ્બર 2014

કાવ્યસેતુ 163 લતા હિરાણી

ભિખારણ ગીત મઝાનું ગાય,
આંખે ઝળઝળીયાં આવે ને અમૃત કાનોમાં રેડાય,
ભિખારણ ગીત મઝાનું ગાય.
‘મારા પરભુ મને મંગાવી આપજે, સોના રૂપાનાં બેડલાં,
સાથ સૈયર હું તો પાણીએ જાઉં, ઊડે આભે સાળુના છેડલા.’
એના કરમાંહે છે માત્ર, ભાંગ્યુ તૂટ્યું ભિક્ષાપાત્ર.
એને અંતર બળતી લા’ય, ઊંડી આંખોમાં દેખાય.
એને કંઠે રમતું ગાણું, એને હૈયે દમતી હાય…ભિખારણ…… …
‘મારા પરભુ મને મંગાવી આપજે અતલસ અંબરનાં ચીર,
પે’રી ઓઢીને મારે ના’વા જવું છે ગંગા-જમનાને તીર.’
એના કમખે સો સો લીરા, માથે ઊડતા ઓઢણ-ચીરા,
એની લળતી ઢળતી કાય; કેમે ઢાંકી ના ઢંકાય.
ગાતી ઉંચે ઉંચે સાદે ત્યારે ઘાંટો બેસી જાય, ભિખારણ…….
‘શરદ પૂનમનો ચાંદો પરભુ મારે અંબોડે ગૂંથી તું આપ,
મારે કપાળે ઓલી લાલ લાલ આડશ ઉષાની થાપી તું આપ.’
એના શિર પર અવળી આડી, જાણે ઊગી જંગલ-ઝાડી
વાયુ ફાગણનો વિંઝાય; માથું ધૂળ વડે ઢંકાય.
એના વાળે વાળે જુઓ બન્ને હાથે ખણતી જાય, ભિખારણ……
‘સોળે શણગાર સજી આવું પરભુ મને જોવાને ધરતી પર આવજે,
મુજમાં સમાયેલ તારા સ્વરૂપને નવલખ તારાએ વધાવજે.’
એનો ભક્તિ-ભીનો સાદ, દેતો મીરાં કેરી યાદ,
એની શ્રદ્ધા, એનું ગીત, એનો પરભુ, એની પ્રીત.
એની અણસમજી ઈચ્છાઓ જાણે હૈયું કોરી ખાય,
આંખે ઝળઝળિયાં આવે ને અમૃત કાનોમાં રેડાય, ભિખારણ ગીત મઝાનું ગાય. – ‘ગની’ દહીંવાલા

ભિખારણને ગાતી તો આપણે બધાએ સાંભળી હશે પણ એના ગીતમાં શબ્દો તરફ કે એના ભાવ તરફ આપણું ધ્યાન ભાગ્યે જ ગયું હશે. કંઇક આપીને કે પીછો છોડાવીને ખસી ગયા હોઇશું. આ કવિએ કોઇ ભિખારણના આવા ભાવ સાંભળ્યા હોય કે પછી એની કલ્પના હોય, પણ મનને સ્પર્શી જાય એવી રચના છે જરૂર એમાં ના નહીં.. ભિખારણ નહીં તો સ્ટેશન પર કે જાહેર જગ્યાએ બે પથરાને ટકરાવી સરસ મજાનો તાલ પ્રગટાવી ગાયન ગાતા કિશોરોને તો મેં ઘણીવાર સાંભળ્યા છે. ઘડીવાર થોભીને સાંભળવાનું મન થઇ જાય એવા સૂરીલા કંઠે !!

અહીં ભિખારણ ગાય છે. કેવો એનો અવાજ હશે, ને કેવા એના સૂર-તાલ ! એ ગાય છે, લોકોનું ધ્યાન ખેંચવા, કંઇક મેળવવા પણ એમાં વાત પોતાના અરમાનોની છે. હાજી, ભિખારણનેય અરમાન હોય.. હાથમાં ભલે ને સાવ ભાંગ્યુ તૂટ્યું ભિક્ષાપાત્ર હોય, એના અંતરમાં પીડા ભડકે બળતી હોય પણ એ પ્રભુને વિનંતિ કરે છે, સોના-રૂપાનાં બેડલાંની. આ લઇ સૈયર સાથે પાણી ભરવા જાવું છે. એના અંગ પર સો સો લીરા ઉડતા ફાટેલા કપડાં છે જેમાં એની કાયા માંડ ઢંકાય પણ પ્રભુ પાસે એ માંગે છે, અતલસ અંબરના ચીર, જે પહેરીને એને ગંગા-જમનામાં ના’વું છે. અરે માથે ઝાડી જેવા ઝીંથરા છે તોય કપાળે ઉષાની લાલી અને જૂઓથી ભરેલા માથાના ઝાંખરામાં એને શરદ પૂનમનો ચાંદ ગૂંથવો છે !!

આ બધું એને કોને માટે જોઇએ છે ! પોતાના માટે નહીં, પોતાના પ્રભુ માટે ! પોતે સોળ શણગાર સજી લે ત્યારે પ્રભુને પધારવાની એ વિનંતિ કરે છે અને કહે છે, ‘પ્રભુ, મારામાં તું જ સમાયેલો છે. તારા આ એક સ્વરૂપને નવલખ તારાએ તું વધાવજે !’

કવિને એના વેશની નહીં, એની આરઝુની પડી છે. ચીંથરા જેવા દિદારમાં ભિખારણના અરમાનોની ઝાંખી અને તેય પ્રભુના દર્શન કાજ, કોઇ પણ ભાવકને ભીંજવી દે છે. હૈયું એ હૈયું છે. એ કંઇ પણ માંગી શકે, કંઇ પણ ઝંખી શકે. પોતાના ગીતમાં એક સ્ત્રીના મનોભાવોની ઝાંખી અને આખર પ્રભુના દર્શન કાજેની આરત મુસાફરને ચોક્કસ હલાવી જાય છે. ભિખારણના લંબાતા હાથમાં કંઇક મૂકવા મજબુર કરી જાય છે.

કવિને લાગે છે કે ભિખારણ કેવું કેવું ઝંખે છે ! જે એને ક્યારેય મળવાનું નથી પણ એની શ્રદ્ધા, એનો સાદ કવિની આંખોમાં ઝળઝળિયાં લાવી દે છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: