Posted by: readsetu | ડિસેમ્બર 12, 2014

Malala – Tabassum Fatima

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 9 ડિસેમ્બર 2014
કાવ્યસેતુ 164 લતા હિરાણી

મલાલા,
મારી પ્રિય મલાલા
વિચારતા નવાઇ લાગે છે
જંપર અને સલવારમાં
સ્કૂલનું દફતર ખભે લટકાવીને
એક સરસ ઓઢણીથી મોં ઢાંકીને
જ્યારે છેલ્લીવાર
પાછું વાળીને જોયું હશે તેં
તારી સ્કૂલને જોઇ હશે
લાંબી દાઢીવાળા હાથોને
આર.ડી.એક્સ અને ખતરનાક હથિયારોથી ખેલતા,
સાંભળ્યા હશે
કાનના પડદા ફાડી નાખતા ભયાનક વિસ્ફોટ
અને કેવી રીતે ગભરુ એવી તું
ઘેર આવીને થઇ હશે,
મલાલાથી મકાઇનું ફૂલ.
પેલા એક પંખીની ઘટનામાં
જે આગમાં બળીને
એક નવું શરીર પામતું હતું
બંદૂકમાંથી વછૂટેલી
નિર્દય ગોળીની અગન લઇને મલાલા,
પ્યારી મલાલા
તું પણ
એક નવા દેહમાં પ્રવેશી ગઇ છો.
સૂર્યોદયવેળાએ
અસભ્ય અને આતંકથી થરથરતી દુનિયામાં
તારી નાનેરી અને નિર્દોષ ઉંમરની કસમ
મલાલા, મારી પ્યારી મલાલા
તારી ભીતર
આપણી નિષ્ઠુર દુનિયાનું
એક બદલાતું ભાવિ મેં જોયું છે. …. તબસ્સુમ ફાતિમા અનુ. ડો. રજનીકાંત એસ. શાહ

હિમ્મત અને તેય વિશ્વમાં મિસાલ બની જાય એવી હિમ્મત કોઈ સુવાક્યો, પ્રેરણાત્મક વાંચન કે હકારાત્મક અભિગમ – ધ્યેયપ્રાપ્તિના માર્ગો શીખવતા વર્ગોની મોહતાજ નથી હોતી. હિમ્મત રગોમાં દોડતી હોય છે, લોહીની સાથે વહેતી હોય છે. એનું મૂળ આત્મવિશ્વાસમાં છે. જે બાળપણમાં માતા-પિતા, શિક્ષક અને કુટુંબ રોપાય છે. ક્યાંક ગયા જન્મના પલોટાયેલા મૂળ પણ કેરી ફોરવર્ડ થઈને મળ્યા હોય !! ઈશ્વરે કોઈના હૈયામાં આત્મવિશ્વાસનો પર્વત રચ્યો હોય છે અને એ નામ ગાંધીજી, કૈલાસ, મંડેલા કે મલાલામાં પલટાય છે.

હિંસા અને આતંક એની સીમા વટાવે ત્યારે ક્યાંક મલાલા નામનો સૂર્ય ઊગે છે. મિત્રો, મલાલા નામ એક પાક મહોબ્બતનો પર્યાય બની ચૂક્યું છે. જેની આંખમાંથી સ્નેહનું અજવાળું વરસે છે, જેના હાથમાં વિશ્વ શાંતિ, બંધુતા અને સદભાવની મશાલ ઝગે છે, જેની પાસે નોબલ પુરસ્કાર કોઈ વિસાતમાં નથી એવી મલાલા આટલી નાની ઉમરે શાંતિદૂત બની સૌના હ્રદયમાં વસી ગઇ છે.

કવયિત્રીને જ નહી આપણને સૌને નવાઈ લાગે કે સ્કૂલબેગ લઈને જતી એક નાનકડી કન્યા, જેણે રસમોરિવાજ મુજબ ઓઢણીથી ચહેરો પણ ઢાંકી દીધો છે, એ આતંકવાદીઓ સામે કેવી રીતે જંગ છેડી શકે ! આસપાસનું વાતાવરણ, જેને આપણે પીયર પ્રેશર કહીએ એનાથી કેમ દબાઈ નહી હોય ! મલાલા સાથે થયેલા વ્યવહારની વાત સાંભળી સેંકડો લોકો ધ્રુજી ઊઠ્યા હશે. એને જબાન બંધ રાખી ચૂપચાપ ઘરમાં બેસી જવાની સલાહ આપનારાઓનો તોટો નહી હોય ! ભણવાનું છોડી, જાતને હંમેશ માટે બુરખામાં કેદ રાખવાની અને માફી માગવાની સલાહ આપનારા પણ અસંખ્ય હશે અને ચોક્કસ એ મલાલાના પોતાના લોકો હશે જે માત્ર એની સલામતી ઇચ્છતા હશે છતાયે એણે સચ્ચાઈની દિશા ન છોડી, શાંતિનો રાહ પકડી રાખ્યો એ મલાલાને આપણાં શત શત નમસ્કાર ઓછા પડે.

કવયિત્રી સરસ અસરકારક પ્રતીક વાર્તા મલાલા સાથે જોડી છે. એક પંખી જે રાખમાંથી બેઠું થાય છે, આગમાં બળીને નવું શરીર પામે છે એમ જ મલાલાના આત્માએ ખતરનાક હથિયારોના વિસ્ફોટોમાં અગનપછેડી ઓઢી છે. ક્રોધ, નફરત, વેર અને હિંસાની આગમાં બળીને એણે નવું શરીર, નવું જીવન એ પામી છે. હવે એ નાની, નમણી કુમળી બાળા નથી. ઉમર ભલે એની નાની રહી, એનું મક્કમ અડીખમ મન શાંતિનો સથવારો કડી નહી છોડે. અસભ્ય અને આતંકથી થરથરાતી દુનિયાને એ એક નવો રાહ ચીંધશે. ઈશ્વરે મલાલાને મા દુર્ગા, મહિષાસુર મર્દિની સ્વરૂપે આ પૃથ્વી પર મોકલી છે. મલાલાની અંદરથી નીકળીને શાંતિનું ઝરણું આપણને સૌને ભીંજવે એનાથી વિશેષ બીજી કઇ પ્રાર્થના હોય ? પૃથ્વી પર ફેલાયેલા અસૂરોના સામ્રાજયને નાથવા ઈશ્વર આવી અનેક મલાલાને જન્મ આપે..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: