Posted by: readsetu | ડિસેમ્બર 12, 2014

Navi Cycle

નવી સાયકલ > આદિત્ય કિરણ > ઓક્ટોબર 2014

‘ચાલ જમવા બેસી જા. હમણાં સવિતાબાઇ વાસણ ઉટકવા આવી જશે.’
‘મારે રમવું છે, નથી જમવું…. ‘ કેલિ મુઠ્ઠી વાળી દોડતી દોડતી બહાર ભાગી.
’ઉભી રહે, હજી તારા વાળ ઓળવાના છે. કેટલું રમવાનું !! ધરાતી જ નથી’ શાક સમારતાં મમ્મી ચિડાઇ.
’તારા પપ્પા આવે એટલી વાર છે. ભણવાની ખબર જ નથી પડતી..’.
’પણ મમા, એટલી વાર તો…… ‘કેલિનો અવાજ કમ્પાઉન્ડની બહાર અને પગ સાયકલ પર પૂરજોશમાં…

સોસાયટીમાં એક જગ્યાએ બાંધકામ ચાલતું હતું. જૂનો બંગલો તોડીને નવો બનતો હતો એટલે કપચી અને રેતીના ઢગલા… કેલિ રેતીના એક નાનકડા ઢગલા પર પલાંઠી વાળીને બેસી ગઇ. પોતાના બંને નાનકડા હાથ રેતીમાં ખોસી દીધા અને
‘હાથ ક્યાં ગયા ? બિલ્લી લઇ ગઇ’ ગીત ગાવા માંડી. એને સ્કૂલ અને ટીચર યાદ આવ્યા અને સાથે યાદ આવ્યું હોમવર્ક ! એણે આંખ મીંચી દીધી. આ રેતી કેવી સુંવાળી હતી !! એણે એના હાથ વધુ ઊંડે સુધી ખોસી દીધા.

કપચીના ઢગલામાંથી મજુરો તગારા ભરી ભરીને કપચી બીજે ઠલવતા હતા. કેલિને આમાં બહુ કૌતુક લાગ્યું. એણે રેતી મૂકી પડતી ને ગઇ કપચીના ઢગલા પાસે. વાંકા વળી બે ચાર કટકીઓ લીધી. પથ્થરની કાળી કાળી નાની નાની ટુકડીઓ.. અરે, આનાથી તો રમવાની મજા આવે !!

એ મમ્મીની સ્ટાઇલથી એક હાથ કમર પર ને બીજો હડપચીની નીચે ટેકવી વિચારમાં ડૂબી ગઇ. મારી ઢીંગલી આનાથી રમશે ? એણે એક ટુકડો હાથમાં લઇ ફ્રોક સાથે ઘસી જોયો. ‘ના, આમાં ડાઘા તો નથી પડતા. તો તો મમ્મી વઢે નહીં !’ એ ગેલમાં આવી ગઇ.
પપ્પા પુછશે કે આ શું ઉપાડી આવી તો ? કહી દઇશ કે સાવ મફતમાં લાવી છું પપ્પા !! થોડીક ટીનાને ય રમવા માટે આપીશ અને કેનાને ય..

એ ધીમા દબાતા પગલે પોતાના ઘરના કમ્પાઉન્ડમાં ગઇ અને ત્યાંથી પોતાની નાની ટ્રાઇસિકલ લઇ આવી. કપચીના ઢગલા પાસે ઉભી રાખી. નાનકડા હાથોથી ધીમે ધીમે એણે પાછળની સીટ પર પહેલાં રેતી ભરવાની કોશિશ કરી પણ એ તો સરી જતી હતી. હાથમાં ખાસ આવતીયે નહોતી. પછી એને થયું, આ કપચી સરસ ભરાશે. એણે કપચી ભરવાની શરુ કરી. ક્યારેક એને કપચી વાગતી હતી પણ એ એને બહુ ગમતી હતી. ખૂણા હતા ખરા પણ બાકી લીસ્સી હતી અને ખૂણાથી સરસ ચિત્રો દોરાશે એવું એને લાગતું હતું. ઘરની દિવાલ તો બગાડાય નહીં પણ પપ્પાએ રસોડાની બહારની દિવાલ પર ચિત્ર દોરવાની હા પાડી હતી. કપચીથી રમવાનીયે કેવી મજા પડશે એના વિચારથી એ ખુશ થઇ ગઇ.

લગભગ અડધી કલાક સુધી એણે કપચી સાયકલ પર ભર્યા રાખી. એને આખી સીટ ભરીને લઇ જવી હતી પણ જેમ જેમ એ ભરતી જાય, કેટલીય લસરીને નીચે પડી જાય. એ પરસેવે રેબઝેબ થઇ ગઇ. અંતે સાયકલની સીટ પર થોડીક ભરાઇ ખરી. હરખાતી કેલિ સાયકલ પાછી વાળી ઘર તરફ આવતી હતી. એક તો ખાસ ભરાઇ નહોતી વળી સાયકલ કમ્પાઉંડ સુધી લાવતાં લાવતાં કેટલીયે નીચે પડી ગઇ હતી. કેલિ વળી વળીને જોતી હતી. બધી તો નથી પડી ગઇ ને !

દરવાજા પાસે પહોંચતાં જ એને સામે મમ્મી દેખાઇ. કેલિએ ખુશ થઇ મમ્મીને બુમ મારી, ‘જો મમા, આખી સીટ ભરીને….’
મમ્મી પાસે આવી. એનો અવાજ ગુસ્સાથી ભરાઇ ગયો, ‘અરે, આ શું કર્યું ?
કેલિ ડઘાઇને જોઇ રહી. એણે શું ભુલ કરી નાખી હતી ? એને કંઇ સમજ પડે એ પહેલાં તડાક કરતો તમાચો એના ગાલ પર પડ્યો. મમ્મીએ બે હાથે સાયકલ આડી કરીને બધી કપચી નીચે પાડી નાખી અને રૂમાલથી સીટ લુછવા માંડી.
’નવે નવી સાયકલની આ શું હાલત કરી નાખી ? કેટલી મોઘી આવે છે, ભાન પડે છે કંઇ !! ખબરદાર હવે આ સાયકલ લઇને ઘરની બહાર ક્યાંય નીકળી છો તો !!’

કેલિને સમજાતું જ નહોતું કે એનાથી શું ભૂલ થઇ ગઇ !! એણે કાંઇ તોડ્યું નહોતું, કાંઇ ફોડ્યું નહોતું. સાંજે પોતે પોતાનું હોમવર્ક પણ કરી લેવાની હતી અને તોય મમા કેમ આટલું બધું ગુસ્સે થઇ !! હા, સાયકલની સીટ પર થોડાક ઉઝરડા પડ્યા હતા એ ખરું પણ એમાં શું ? એ તો ભીના કપડાંથી લૂછીશ તો કદાચ નીકળી જશે. પણ મમા ક્યાં કંઇ સાંભળતી હતી ? એ તો બસ નવી સાયકલની સીટ જોઇ ઘાંટા પાડતી હતી અને કેલિ રડ્યે જતી હતી.

મમાનો ગુસ્સા ભરેલો અવાજ જ એને સંભળાતો હતો. કંઇક એને એ વાતનીય બીક લાગતી હતી કે હવે મમા પપ્પાને કહેશે અને એને પપ્પાનીયે વઢ ખાવી પડશે.
સાયકલ તો ટીના ને કેના પાસે ય છે. પૂર્વાના પપ્પાયે એને નવી સાયકલ અપાવવાના હતા પણ કોઇને ક્યાં કપચીથી રમતાં આવડે છે ? મેં કપચીની નવી રમત બનાવી છે અને એ હું એને શીખવવાની હતી !! એને એય યાદ આવ્યું કે ટીનાથી કંઇપણ નુકસાન થાય, ટીનાની મમ્મી એને કેટલી શાંતિથી સમજાવે અને કદી ઘાંટા ન પાડે !!

એકબાજુ સાયકલની સીટ પર ઉઝરડા પડ્યા હતા અને બીજી બાજુ કેલિનું નાનકડું હૈયું નંદવાયે જતું હતું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: