Posted by: readsetu | ડિસેમ્બર 30, 2014

Kavysetu 167 Munira Ami

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 30 ડિસેમ્બર 2014

 

કાવ્યસેતુ 167  લતા હિરાણી

 

મા, તવ વાત એક યાદ આવી,

ઘણીકવાર કહેતી જ તું મુજને લાડમાં;

કે તવ સમ  ન કરી શકે કો

વહાલ મુજને,

કે ન મુજ દેખભાળ યા ચિંતા કરી શકે –

ઇચ્છા-અનિચ્છા,

આરામ અને ઉચાટ મારા;

તવ સમ ન  કદીય કોઈ કળી શકે !

જીવનભર આ વાત કહેતીક એવી,

મુજ ચહુદિશ તું જ વર્તાઈ રહી છે, મા !

તો વળી, આ મોટપણે પણ ઘૂમી રહ્યું છે,

માત્ર મુજને  નિજની ધરી ગણી,  

તુજ એ જ વહાલનું અન્ય એક સ્ત્રીસ્વરૂપ,

નિજ ભાલ ઉપર મુજ નામનો

લાલ એક ચંદ્ર લઈ, અને

જે સજે છે શણગાર સોળ

મુજ નામ ઓચરી !

એય વળી વદે એવું જ

કે એના સમ ન કરી શકે કો

વહાલ મુજને !

કે ન મુજ દેખભાળ યા ચિંતા કરી શકે –

ઇચ્છા- અનિચ્છા,

આરામ અને ઉચાટ મારા;

એના સમ ન કદીય કોઈ કળી શકે !

મા, તારી તત્પરતા હતી કે

ઊગતા સૂર્ય સમા મુજને,

મધ્યાહ્ને ઝળહળતો ક્યમ કરીને નિરખવો !

અને એ મક્કમ એવી કે,

મધ્યાહ્નના ધોમધખતા તાપ અને

સંધ્યાની ઝાંખપે કે  અસ્તકાળના અંધકારોમાંય

મુજને કદીય એકલો ન મૂકવો !

મુજ ગૃહને સંવારવા દિનરાત મથતી,  

નિહાળી એને ત્યારે જ મને ખરું ભાન થયું, મા; 

કે હું જે આમ ટટ્ટાર ઊભો છું

અને ગ્રીવા મારી સદા ઊંચી રહે છે,

એવું કંકાલ મુજ ઘડવા કાજ,

કેટલાં હાડ તુજ  તેં  ગાળી નાખ્યાં હશે !

મા, તેં તો ક્યાંક સંતાડ્યું હતું મુજમાં સઘળું તુજ સમ;

પણ તોય કોણ જાણે એણે શીદ રીતે,

ગોતી લીધું એને વા એને જડી ગયું

અસ્સલ એ જ સઘળું !

એક, તું જે મુજ મા અને દુજી ભાર્યા એ મુજ તણી;

અહો, કેવી લીલા તમ ઉભય સ્નેહમૂરત તણી,

કે જીવી રહ્યો છું તમ બેઉને, અભિન્ને

અને શ્વાસોચ્છ્વાસ તણા અવિરત આવાગમને !- મુનિરા અમી  

શ્વાસ અને ઉચ્છવાસ સમી બે સ્ત્રીઓ, જીવનના અભિન્ન પહેલુ સમી બે સ્ત્રીઓ સાથે વણાયેલા સ્નેહ સંબંધનો અને એમાં પમાતી પરિપૂર્ણતાનો આકંઠ અનુભવ એક પુરુષ દ્વારા આ કાવ્યમાં બે કાંઠે વહે છે. એક પુરુષના જીવનમાં માનું સ્થાન જે હોય એ આ રચનામાં ખૂબ મધુર રીતે વર્ણવાયું છે. માતા પ્રત્યે પુત્ર ભારોભાર ભાવથી ભર્યો છે. માએ એની કેવી અને શી કાળજી રાખી છે, એ સમજવા વિશે એ ક્યાંય ઊણો ઊતર્યો નથી. કેટલી સરસ રીતે આ વાત પુત્રના મુખમાં મુકાઇ છે !

હું જે આમ ટટ્ટાર ઊભો છું

અને ગ્રીવા મારી સદા ઊંચી રહે છે,

એવું કંકાલ મુજ ઘડવા કાજ,

કેટલાં હાડ તુજ  તેં  ગાળી નાખ્યાં હશે !

 

માત્ર માની કાળજી જ નહીં, માતાની જે ભાવના છે કે પોતે પુત્રને જે લાડ લડાવ્યા છે, જે વ્હાલથી ભીંજવ્યો છે એવું વ્હાલ કોઇ ન કરી શકે કે પુત્રની ઇચ્છા-અનિચ્છા, આરામ-ઉચાટ પોતાના જેટલું બીજું કોઇ ન સમજી શકે એ પણ એને યાદ આવે છે. કોઇક અપવાદો બાદ કરતાં વિશ્વમાં પ્રત્યેક માતાની આવી જ લાગણી હશે ને !! હા, સંતાન મોટાં થયા પછી આ સમજી નથી શકતા કે બધું ભૂલી જાય છે એ વાત જુદી.. કોઇકને આમ, આ કવિતામાં વર્ણવ્યા મુજબ યાદ રહે છે પણ ખરું.. પરંતુ અહીંયા કવિતામાં એ સાધ્ય નથી.

 

હવે પુત્ર એક પતિ બન્યો છે અને એના સ્મરણમાં ઉપસે છે, ભાલે પોતાના નામનો લાલ ચંદ્ર લઇને, પોતાના નામના સોળ શણગાર સજીને, પોતાનું ઘર સજાવતી અને સદા પોતાના માટે તત્પર એવી નિજ ભાર્યા –પોતાની પત્ની, જેનું જીવન પોતાની આસપાસ જ ઘુમી રહ્યું છે. આ સ્ત્રીનો પણ એ જ હકદાવો છે કે પતિને મારા જેટલું વ્હાલ કોઇ ન કરી શકે, એના સુખદુખ પોતે જેટલા સમજે છે, એટલાં કોઇ ન સમજી શકે. એની જેટલી કાળજી પોતે કરે છે એટલી બીજું કોઇ ન કરી શકે !

 

પુત્ર યાદ કરે છે કે માતાએ પોતાના બાળપણમાં શિર પર શીળું છત્ર ધર્યું ને આંગળી પકડી શૈશવના એક પછી એક પગથિયાં ચડાવી યુવાનીના મુકામ સુધી પહોંચાડ્યો. પોતાના પુત્રને સૂર્યની માફક ચારેતરફ ઝગમગતો જોવાની માતાની હૃદયની અભિલાષા હતી તો એના જીવનની આ બીજી સ્ત્રી, એની પત્ની કે જે પતિના સારા-નરસા સમયે કદમથી કદમ મિલાવીને ઊભી રહી છે અને જેના રોમેરોમની ઝંખના છે કે પતિની કાળજીમાં  ક્યારેય ચૂક ન કરવી કે જીવનસંધ્યાની ઝાંખપેય એને કદી એકલો ન મૂકવો, સાત ફેરાનો સાથ છેલ્લા શ્વાસ સુધી નિભાવવો….

 

પુત્રને આશ્ચર્ય છે કે જે માતાએ ઝંખ્યું એ જ પત્નીએ પણ પ્રાર્થ્યું. જે માતાએ વહાવ્યું એ જ પત્નીએ પણ પમાડ્યું. એક બાજુ માતા ને બીજી બાજુ પત્ની, ભાવનાના દરિયાની ભરતી બેયમાં સરખી !! માતાએ હ્રદયના અતલ ઊંડાણમાં જે સંઘરી રાખ્યું   હતું એ સઘળું અસ્સલ એ જ સ્વરૂપે પત્નીને આસાનીથી જડી ગયું !! સ્નેહની આ કેવી લીલા !! પુત્ર આ બંને સ્નેહના સાગરને જીવી રહ્યો છે..એને બંને અભિન્ન લાગે છે શ્વાસ અને ઉચ્છવાસ સમ..

 

કાવ્યની ભાષા એના ભાવને એકદમ અનુરૂપ છે. ‘તણા, વા, તુજ, કાજ, તવ સમ,, દુજી, ચહુદિશ’  જેવા શબ્દો કાવ્યસાહિત્યમાં હજુ આધુનિક યુગના પગરણ થતાં હતાં ત્યારના સમયની મધ્યયુગીન યાદ અપાવી દે.

 

સ્ત્રીનો સ્નેહ જ્યારે એની બુલંદીએ પહોંચે છે ત્યારે સંબંધોના સઘળાં પડ ખરી પડે છે. સ્રી સ્નેહના સર્વોત્તમ શિખરે કે હૃદયની અતલ ઊંડાઇએ પહોંચે છે ત્યારે એના માટે પોતાની વ્યક્તિની કાળજી રાખવી, એના માટે દિવસ-રાત એક કરવા, એના સુખ દુખ માટે જાત ઓગાળી દેવી, ગમે એવા કપરા સંજોગોમાંયે એનો સાથ ન છોડવો.. માત્ર અને માત્ર એનામય બની રહેવું અને પોતાના અસ્તિત્વનું વિસર્જન કરી દેવું એ જ એનું જીવન બની રહે છે. પછી ત્યાં માતા કે પત્નીનો ભેદ નથી રહેતો.

 

જીવનના આધારસ્તંભ સંબંધની અપ્રતિમ મધુરતા લઇને આવી છે આ કવિતા. માત્ર મીઠાશ જ નહીં, એક પરિપક્વ સમજ લઇને આવી છે આ કવિતા. આપણે જાણીએ છીએ કે આ કાવ્યની રચયિતા એક સ્ત્રી છે પણ પુરુષના મુખમાં આ વાત મૂકી એ શું સુચવવા માગે છે ? આશ્ચર્ય પણ થાય કે આવી લાગણી પુરુષ સેવી શકે !! અહીં એક પુરુષના મનની ભાવનાનું જે કલકલ ઝરણું વહે છે એ આપણા સમાજે સ્થાપેલા પુરુષના વ્યક્તિત્વ, એની પ્રતિમાને ક્યાંય તોડીફોડી નાખે છે. માતા અને પત્નીના સ્નેહને ધારામાં સમાન રીત ભીંજાઇ શકતો, એમનું સમર્પણ સમજી શકતો, બંનેની ભાવનાને ન્યાયી શકતો અને વળી વ્યક્ત પણ કરી શકતો પુરુષ દીવો લઇને શોધવા જેવો પડે. અલબત્ત આ કવિતા છે, કલા છે અને કલાનો એક ઉદ્દેશ એની રમણીયતા ચૂક્યા વગર, સમાજને એક દિશા સૂચવવાનો પણ ખરો !!

 

ચારેબાજુ નજર કરીએ તો શું જોવા મળે છે ? પત્ની અને માતા વચ્ચે ભીંસાતો પુરુષ એક સામાન્ય બાબત છે. પત્નીને વધારે મહત્વ આપીને માને તરછોડતો કે માતાની સામે પત્નીને અવગણતો પુરુષ… આ બધી જીવનની સચ્ચાઇ છે. આ પરિસ્થિતિમાં માત્રાભેદને લક્ષ્યમાં લઇએ તો કેટકેટલાં રૂપો ખુલતાં જાય !! કલા જ એક આદર્શ પરિસ્થિતિ ચીંધી શકે.  

 

સંબંધોની દુનિયા અત્યંત આંટીઘૂંટીથી ભરેલી છે. એનાં નરવા ને વરવાં રૂપોથી જીવન ભરેલું છે. જીવનના પહેલાથી છેલ્લા શ્વાસ સુધી સંબંધોના સીધા ને આડકતરા રૂપો અને અસરોમાંથી સૌને પસાર થવું પડે છે, જેનો કોઇ વિકલ્પ નથી. આપણા સમાજની જ વાત લઇએ તો કુટુંબોમાં એક પુત્ર કે પુત્રીના જન્મના કેટલા જુદા જુદા પ્રત્યાઘાતો મળે છે ! જ્યાં બાળક હજી સંબંધોની દુનિયાથી જ અજાણ છે !! ત્યારે આવી ઉદ્દાત ભાવના ભરેલા શબ્દો હૈયાને રાહત આપી જાય ને લોહીના લાલ રંગને ચમકાવી જાય.. થોડીક પળોય હૃદયને મળતી રાહત, એક ખુશીની લહેર… એ જ આ કાવ્યની સાર્થકતા છે. આ શબ્દો ચોક્કસ  મનને ભીંજવી જાય છે. નમણા શબ્દો મનમાં એક નમણું ચિત્ર ખડું કરે છે જેને વારંવાર વાંચવાનું મન થાય. આવી ભાવના લઇને કાવ્ય ભાગ્યે જ રચાયું હશે. કોઇની જાણમાં હોય તો નીચે જરૂર જાણ કરજો.. એ મને આ કાવ્યની આ સૌથી મોટી ઉપલબ્ધી જણાઇ છે.

 

Advertisements

Responses

  1. કાવ્ય વાંચતાં જાણે એમજ લાગ્યું કે મારા મનની જ આ વાત કાવ્યમાં વણીલેવામાં આવી છે.માં તે માં બાકી વગડાના વા જેવી કહેવત કહેનારે અનુભવેજ કહયું હશેને. બાર બાર વર્ષના વહાંણા વહી ગયાં છતાં જેની યાદ આવતાં આંખો ભીંજાઇ જાય છે.
    બહુ સરસ કાવ્ય છે.આભાર.

    • Thank u.

      Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: