Posted by: readsetu | ફેબ્રુવારી 16, 2015

Kavyasetu 170Narendra Modi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 20 જાન્યુઆરી 2015

કાવ્યસેતુ  170   લતા હિરાણી

પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે.  – નરેન્દ્ર મોદી

આશ્ચર્ય થાય છે ને ? ક્યાં નઠોર, જડ રાજકારણ અને ક્યાં ભાવસમૃદ્ધિથી છલકાતું હ્રદય ! રાજકારણ શબ્દ એટલો પ્રદૂષિત થયેલો છે કે એની સાથે પ્રાસ મેળવવા યે શબ્દકારણ જેવો શબ્દ પ્રયોજવો ગમતો નથી. ભલે બહુ રૂઢ થઈ ગયેલી પણ કાદવમાં કમળની ઉપમા મને અહી સંપૂર્ણ બંધ બેસતી લાગે છે.

કોઈપણ વ્યક્તિ કે વિભૂતિ માટે એ આ કરી શકે કે આ ન કરી શકે એ વિચાર ચોક્કસ આવે. ન.મો. માટે એટલું જ કહી શકાય, વિચારી શકાય કે એ શું ન કરી શકે !હા, આટલા સુંદર કાવ્યો પણ ! કાવ્યત્વથી ભરી ભરી આ રચનામાં ઉઘડે છે, કઠોર સંકલ્પના આ માનવીનું ઋજુ હ્રદય ! કવિની આંખમાં છવાય છે લીલાછમ ઘાસમાં ઢોળાયેલો તડકો, આભમાં મહોરતું મેઘધનુષ, વહેતી હવાના રંગો કે વાદળોના ગાભમાં છલકાતો સમુદ્ર…. કવિનું હ્રદય પૃથ્વીની રમ્યતાને અનુભવે છે, એના સૌદર્યને ઝીલે છે ને રોમેરોમ ધન્યતા અનુભવે છે.

આંખથી થતું દર્શન કવિતા રચી શકે.. અહી એ બન્યું જ છે….તડકાને ઝાલવાની વાત કે હવામાં રંગના વર્તુળો રચવાની વાત ભાવકના હૃદય સુધી પહોંચે છે પરંતુ પૃથ્વીના સૌંદર્યને નિરખવામાં, એની રમ્યતામાં ધન્યતા અનુભવવાની વાત વિચારની એક આકાશી ઊંચાઈને આંબે છે, અનુભૂતિના અતલ ઊંડાણને સ્પર્શે છે. આ ધરા પર જીવવાનું સદભાગ્ય સાંપડવું એ કોઈ આગલા ભવનું પૂણ્ય છે… કવિની ઉદ્દાત લાગણી અહીં ગીતાના કર્મયોગ સુધી પહોંચે છે.

વાદળોના ગાભમાં આભ સુધી પહોંચતા કદમ વાસ્તવિકતાને ઉવેખતા નથી. અલખ જગાવીને ક્યાંક પર્વતના ખોળે બેસી જતા નથી. માનવીના મેળામાં એ મ્હાલી શકે છે પણ અંદરનો સંવાદ ત્યાં અટકતો નથી. માનવીનો મેળો કવિ માટે આયનો છે જેમાં ખુદની ઓળખ થાય, જાતને પામી શકાય. એ જગતના વાતાવરણને ઝીલવા માટે છે, જીવવા માટે નહીં. જીવવા માટે તો અંદરનું એકાંત જ ભર્યું ભર્યું છે જે સભર શૂન્ય સાથે જોડાયેલું છે. અન્યના સંગાથમાં જાતને ખોળતા રહેવાની આવડત વિરલ છે. એ જ પડછાયાને ક્ષિતિજ સુધી વિસ્તારે છે.

સમસ્તના કલ્યાણની, પરાર્થે સમર્પણની ગૂંજ જ્યાં વ્યાપી હોય ત્યાં જ આવું ઉદભવે. સ્વને અને સ્વાર્થને શૂન્ય કરી સમષ્ટિના શુભ સુધી પહોંચવાનું જેનું સ્વપ્ન હોય એનામાં જ આવી સંકલ્પના જન્મે. કલાકોના કોલાહલમાં સભરતાથી ભરેલી ક્ષણો સાંપડવી એ પાત્રતા વગર ન સંભવે..

આ કાવ્ય સૃષ્ટિના અદભૂત સૌંદર્ય અને એમાં વ્યાપેલા ચૈતન્ય, અધ્યાત્મનો સુમેળ સાધે છે, સમરસતાથી છલકાવે છે. બંને પાસા અહી બારીકાઈથી આલેખાયા છે. આ કાવ્ય અછાંદસ છે પણ પ્રાસની રચના એટલી રમ્ય છે કે ગીતનો આભાસ થાય. પ્રકૃતિના પળે પળે થતા સાક્ષાત્કારની વાત અહી આત્મસાક્ષાત્કાર સુધી દોરી જાય છે અને એ આ કાવ્યની ખૂબી છે. અગમ્ય અને અનન્યનો અહેસાસ આપણી સંવેદનાનેય ઉલેચે છે, અંદરથી બહાર સુધી, આંખથી અક્ષરો સુધી અને આખરે ચેતનાની ચિનગારી સુધી…  

 

Advertisements

Responses

  1. wwah waah.. sundar rachna..

    આંખથી અક્ષરો સુધી અને આખરે ચેતનાની ચિનગારી સુધી… massst…

    • Thank u Rajul… 

      Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: