Posted by: readsetu | માર્ચ 13, 2015

Kavyasetu 175 Jashavanti Dave

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 4 માર્ચ 2015

કાવ્યસેતુ  175    લતા હિરાણી

ઘરની ચાર દિવાલો છોડી

મન ચલો પ્રવાસે આજે….

હોય ભલે નહિ કોઇ છતાંય

પર્વત ઝરણાં નદી નાળાંઓ

કોયલ બુલબુલના માળાઓ

હર્યાંભર્યાં મેદાન

એનું કૂણું કૂણું ઘાસ

શિશુના સ્મિતસમું લહેરે છે સહવાસે

મન ચલો પ્રવાસે આજે

પંખી સાથે લાડ કરીશું

ફૂલો સાથે વ્હાલ કરીશું

એક એક આ વિચારની તો

કલ્પદ્રુમની ડાળ કરીશું

અલકમલકના લોકો સાથે

મબલક મબલક વાત કરીશું

એક સ્થળથી બીજા સ્થળમાં સહજ સરીશું

નાના નાના પ્રશ્નોની કોઇ ગલીગુંચીમાં

જીવ નહીં અટવાશે

મન ચલો પ્રવાસે આજે …………. જશવંતી દવે    

સવારે આંખ ખૂલે ત્યારથી માંડીને રાત્રે ઊંઘમાં સરી પડે ત્યાં સુધીનું  માનવીનું રૂટિન એકધારું હોય અને એનો થાક ઉતારવા, તન-મનમાં નવી તાજગી ભરવા કંઈક જુદું, કંઈક નવીન જોઈએ અને એ પ્રવાસમાંથી મળે. બીજું પણ હોય શકે પરંતુ પ્રવાસની મોજ સર્વમાન્ય કહી શકાય.

પર્વત ઝરણાં નદી નાળાં કે  કોયલ બુલબુલના માળાઓ માનવીને સદા આકર્ષતા રહયાં છે. એ જ શિલાઓ, એ જ ગુફાઓ, એ જ ખળખળ વહેતું પાણી કે ઉછળતા મોજાં માનવીને માટે રહસ્યનો ભંડાર લઈને આવે છે. એનું સૌંદર્ય, એના રૂપથી મન ક્યારેય ધરાતું નથી. લીલાછમ મેદાનોમાં લહેરાતા ઘાસના ડોલનથી આંખ ક્યારેય તૃપ્ત થતી નથી. માણસ એને પામવા કેવા કેવા સાહસો કર્યે જાય છે.. અને છતાંયે એ સચ્ચાઈ છે કે એનો પૂરો પાર ક્યારેય પામી શકાવાનો નથી. કુદરત અકળ જ રહેવાની છે. એ જ એનો મહિમા છે..  

પંખી એની પાંખમાં આકાશની ભવ્યતા ભરે છે, ચાંચમાં વિશ્વની એકરૂપતા ચણે છે ને આંખમાં સૃષ્ટિનું વિસ્મય આંજીને ઊડે છે. એને માટે બધું સહજસાધ્ય છે, જે માનવીએ પહેલાં આરાધવું પડે છે, પ્રયાસ કરીને પામવું પડે છે. આ સઘળું કુદરતના ખોળા વગર શક્ય નથી. ફૂલો તો ટગર ટગર નીરખ્યા જ કરે છે, માનવીએ એની પાસે જવાનું છે, એને વ્હાલ કરવા.. વૃક્ષ એનો છાંયો લઈને ઊભા જ છે, માણસે એની પાસે પહોંચવાનું છે, પોતાના યાંત્રિક જીવનનો થાક ઉતારવા. ગુફાઓ, ગિરીકંદરાઓ સદીઓથી કેટલાય રહસ્યો પોતાના હૃદયમાં ભરીને બેઠી છે, કોઈ આવે ને એનો પાર પામે…       

કવયિત્રી તો સરસ મજાની હળવી વાતો કરી છે. પ્રવાસનો રોમાંચ આલેખ્યો છે. ઘરની ચાર દીવાલો હૂંફ આપે છે પણ બાંધેય છે. એને ક્યારેક છોડવી છે. મોકળાશ અને હળવાશ.  એક એક વિચારની ડાળ પર પંખીની જેમ એને ટહૂકવું છે. મન ભરીને વાતો કરવી છે.. વર્ષાના બુંદની જેમ સરવું છે. પ્રશ્નો અપાર છે, અટવાવે છે, એ બધુ છોડીને જવાનું છે….. પ્રવાસે…

ભાવકનું મન પણ ફરવા નીકળી પડે એવી સરસ મજાની રીતે કવયિત્રીએ પ્રવાસમાં જવાની વાત વહેતી મૂકી છે. મનને ચોખ્ખું આમંત્રણ છે, ‘મન ચાલો પ્રવાસે આજે…’ મન બંધાયેલું છે એની અનુભૂતિ પ્રગટાવવા ‘ઘરની ચાર દિવાલ’ શબ્દસમૂહ પૂરતો અને સચોટ છે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: