Posted by: readsetu | માર્ચ 13, 2015

Kavyasetu 176 Rajendra Shah

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 10 માર્ચ 2015

કાવ્યસેતુ 176    લતા હિરાણી

તને જોઈ જોઈ તોય તું અજાણી

(જાણે) બીજાને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા,

ઝાઝેરો ઘૂમટો તાણી…

વ્યોમ ને વસુંધરાની કન્યા કોડામણી

તું તો છે સંધ્યાની શોભા સોહામણી

લોચને ભરાય તોય દૂર દૂર ધામની

વાયુની લ્હેર સમી આંગણે અડી છતાંય,

બાહુને બંધ ના સમાણી….

પોઢેલો મૃગ મારા મનને મરુવને

જલની ઝકોર તારી જગવી ગૈ એહને

સીમ સીમ રમતી તું ના’વતી જરી કને

સાબરના નીતરેલ નીર તું ભલે હો, આજ

મારે તો ઝાંઝવાના પાણી…..  રાજેન્દ્ર શાહ (શબ્દ સૃષ્ટિ ડિસેમ્બર 2004)

કવિ રાજેન્દ્ર શાહનું આ કેવું મજાનું ગીત ! વાંચતાં જ ગાવાનું, ગણગણવાનું મન થઈ જાય એવું. લયની સરિતામાં રસતારબોળ કરી દેતું આ ગીત.. શબ્દો એકદમ સરળ અને મધુર !

આ રસસભર ગીતમાં કોઈને બીજની ચંદ્રરેખાના સૌંદર્યની ઝાંખી મળે તો કોઈને કવિ જેને પામવા ઝંખે છે પણ પૂરી પામી શકતા નથી એવી સ્ત્રીના સૌંદર્યનું વર્ણન અને ઝંખના પમાય. વાત કદાચ બંને છે. એકમેકમાં વણાયેલી, એકમેકમાં છુપાયેલી અને સંકેતોથી વર્ણવાયેલી યુવા હૃદયની ઊર્મિઓ.

જેનો પાર ન પામી શકાય એવી રહસ્યસભર કુદરત અને કુદરતના કરિશ્મા જેવી સુંદર સ્ત્રી. જે દેખાય છે અને છુપાય છે. આકાશમાં વાદળોની વચ્ચે બીજાના ચંદ્રની જેમ. હાથની હથેળી એનું પ્રતિબિંબ ઝીલે છે, મનનો મોરલો એના જ સૂરે કળા કરી ઊઠે છે. આકાશ અને પૃથ્વી વચ્ચે એ જ છવાયેલી છે કેમ કે એ રોમેરોમમાં વણાયેલી છે અને તોય એ દૂર દૂર છે.. એ વાયુની લહેરખી થઈ આકાશમાં સરી જાય છે.. એને પામવી સહેલી  નથી.. એને બાહુના બંધને બાંધવી, આલિંગને સમાવવી દુષ્કર છે..

દૂર રહીને એ મનને લોભાવ્યા કરે છે, એની પાછળ ચિત્ત ચકોર બની ભમ્યા કરે છે, ને એ માત્ર રમણામાં જ રહે છે.. કોઈને માટે એ ભલે પ્રત્યક્ષ હોય, કવિને માટે તો ઝાંઝવાના નીર જેવી જ છે.. એની તરસ એટલી તીવ્ર છે કે કંઠ સુકાય છે ને મન વ્યાકુળ રહે છે, હૃદય એના વિયોગમાં ઝૂર્યા કરે છે. એ છેટે છે ને છટકવા નથી દેતી.. મનને સતત ને સદાય બાંધી રાખે છે..

એ જ યુગના કવિ વેણીભાઇ પુરોહિતના કંઈક આવા જ મધુરા ગીતનો રસ માણીએ.

ચાહનારું  થઈ ઓતપ્રોત, રસની ભોળી ભરી ઘેલછા

હૈયાના અતલાન્તિકે અડી જતું હૈયું મળ્યું, તું મળી :

ને, છેટા મિલનો ગયા, દરશની દૂરે ગઇ દીપ્તિઓ

આઘેરાં નયનો તણી ક્ષિતિજની પેલી મસે આપણે

તોયે જે ગત કાલની નિમિષમાં કલ્પો સમેટી લીધા

તેથી સાંપ્રત લ્હેરતો, લયભર્યું ભાવિ ન શું ગુંજશે ?

શું જાણું ? પણ દૂર કે નિકટના આવેશ ભૂલી જઇ

હૈયે આજ હવા નવી મરકતી – લાગે ન કૈ એકલું.

આંખો ના તુજ દર્શનો તલસતી, સાનિધ્યથી પારનું

એવું આત્મીય ગીત કો અનુભવું – વાણી અનાલાપની.

છેડી’તી સ્વરમૂર્છના પ્રથમ તેં, આજેય એ સ્પંદને

રોમરોમ રીઝે, ઝમે જીવનમાં તુષ્ટિ તદાકારની

તું હો દૂર, સુદૂર કે નિકટમાં, કે કૈક એથી વધુ –

મેં તો એક દફે તને દરશના પ્યાલા ભરી પી લીધી….   

 

Advertisements

Responses

  1. Nice!! Also suggest you to listen mari ankhe kanku na suraj athamya…by ravji patel

    • Thank you very much. I love this. Mari aankhe kankuna…

      Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: