Posted by: readsetu | એપ્રિલ 2, 2015

Kavyasetu 178 Ayana Trivedi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 24 માર્ચ 2015

 

કાવ્ય સેતુ 178   લતા હિરાણી

 

મેં એને પૂછ્યું કે મારું સ્થાન કયું ?
ને એણે હૃદય ખોલીને મારી છબી બતાવી દીધી.

મેં એને પૂછ્યું કે આપણાં સંબંધોનું નામ શું ?
ને એણે મારા સેંથામાં ચૂમીઓ ભરી દીધી.

મેં એને  પૂછ્યું કે આપણું  ભવિષ્ય શું ?
ને એણે મારી આસપાસ  ફૂલોની રંગોળી કરી દીધી.

પણ એણે જ્યારે મને પૂછ્યું કે આપણું ઘર કેવું?
ને મેં એના ખભા પર માથું ઢાળી દીધું.………….ડો. અયના  ત્રિવેદી

 

 

સંબંધો પ્રવાહી છે. ક્યારેક દિલમાં-હૃદયમાં રહે ને ક્યારેક દિમાગમાં સવાર થઈ તોફાન પણ મચાવી દે. એ દિલમાં હોય કે દિમાગમાં, પૂરું વર્તન એની ચાડી ખાય. આંખ, કાન, વાણી, સ્પર્શ બધેથી એ ડોકિયા કરે. ભાષા એની એ જ રહે પણ શબ્દો બદલાઈ જાય. આંખ એની એ જ રહે પણ નજર બદલાઈ જાય. મૌન પણ એવું બોલકું બની જાય કે શબ્દો એની પાસે ઝાંખા પડે. અહીં તો પ્રેમની વાત છે, હૃદયની વાત છે, સ્ત્રી પુરુષના સંબંધનું આલેખન છે પણ આ વાત કોઈપણ સંબંધને લાગુ પડે છે.

 

કવયિત્રીને એક એવા મીઠા ને તરોતાજા સંબંધની વાત કરવી છે કે એ વાંચતાં ભાવક પણ રસતરબોળ થઈ જાય.  આ સંબંધ એવા સમયને પરોવીને બેઠો છે જેને આ પૃથ્વી પર વસતી, શ્વસતી  દરેક વ્યક્તિ ઝંખે. જેને આ ઘડીઓ  નથી મળી એનું જીવન નકામું છે અને એક વાત એ પણ છે કે એ ટુકડો જ હોય છે, જે કેટલોક સમય હાથમાં રહે છે ને પછી સરકી જાય છે. આ ભાવ હંમેશા નથી રહેતો. એક સ્થિર શાંત જ્યોત અંદર અજવાળતી રહે એ વાત જુદી છે અને એ ય સૌના નસીબમાં નથી હોતી, બાકી આ ભરતી અમુક સમય જ રહે છે. એ ગાળો કોઈને થોડો લાંબો મળે ને કોઈને ટૂંકો. એ સમય સોનેરી હોય છે. પાંખોવાળી પરી જેવો. એટલે જ એ પછી ઊડી જાય છે.

 

વાત દિલની છે. દિલમાં હોય ત્યારે એવુંય બને કે રોમેરોમને ઝણઝણાવી દે. એ શબ્દોમાં અવતરે તો શિશુની કોમળતા ને સ્નિગ્ધતાને સાથે લઈને જન્મે. સ્પર્શમાં વણાય તો સમગ્ર સૃષ્ટિને વહાલથી વીંટી દેવા તત્પર થઈ જાય. કેવી કુમાશથી કવિતા ઉઘડતી જાય છે ! સવાલો છે ને જવાબોમા પ્રેમનું છલકાતું સરોવર છે. કોઈ શબ્દ ન પહોંચી શકે એવા મુકામે આ મૌન ઉત્તરો પહોંચી જાય છે. આમ તો કોઈ પ્રેમિકાએ પોતાના પ્રિયતમના હૃદયમાં સ્થાન શોધવું ન જ પડે ! કે એવો સવાલ પણ ન પૂછવો પડે પરંતુ અહીંયા પૂછાયું છે. અંદર ઉછળતી ઊર્મિઓને ફરી ફરીને આધાર આપવો એ જ આવા સવાલનું લક્ષ્ય છે. જવાબમાં શબ્દો કે વાક્યો નથી. કંઈક વર્તન છે. હૃદય ખોલીને છબી બતાવવાની વાત છે. આને વળી હૃદયથી જ સમજવી પડે. દિમાગ વાપરવા જઈએ તો હૃદયનું ખોલવાનું કે એમાંથી છબી પ્રગટાવવાનું શક્ય ન બને.  

 

આખીએ વાત રસદાર છે. સંબંધોનું નામ શું હોય ? શબ્દની ત્યાં પણ જરૂર નથી. ચૂમીઓથી વધીને પ્રેમ દર્શાવતુ કયું તત્વ ? અહી એની જગ્યા પણ વિશિષ્ટ છે. સ્ત્રીનો સેંથો એ હિન્દુ સંસ્કૃતિમાં શ્રદ્ધાનું પ્રતિક ગણી શકાય. સેંથાનું સિંદૂર એની આખી જિંદગીની દિશા નક્કી કરે છે. ભવિષ્ય ફૂલોની રંગોળી જેવુ રંગીન, નાજુક, નમણું ને સુખમય છે. 

હવે પ્રશ્ન પૂછવાનો વારો છે પ્રેમીનો, પુરુષનો. ઘરનું સર્જન સ્ત્રી કરે છે. એની સંભાળ પણ સ્ત્રી જ રાખી શકે છે. ઘર કેવું હોય કે કેવું હોય શકે એનો બધો આધાર સ્ત્રી પર છે પણ અહીંયા એક મીઠો મધુરો સ્પર્શ જ એનો જવાબ છે.  

પણ એણે જ્યારે મને પૂછ્યું કે આપણું ઘર કેવું ?

ને મેં એના ખભા પર માથું ઢાળી દીધું.………….

બહુ કુમાશ અને પૂર્ણ સમર્પણ આમાં વ્યક્ત થાય છે. કોઈના ખભા પર માથું ઢાળવું એટલે એને જિંદગીનું સુકાન સોંપી દેવું.. આ કામ પણ સ્ત્રી જ કરી શકે. આ વાત વાંચતાં જ મન કેવું ઢળી જાય છે ! જાણે ફૂલની ઢગલી ! આખી કવિતા ફૂલોની ઢગલી છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી.

 

 

 

 

Advertisements

Responses

 1. સુંદર કલ્પન

  • thank u Ashokbhai…

   On Thu, Apr 2, 2015 at 4:38 PM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

   >

 2. સ્ત્રીના મનોભાવો વ્યક્ત કરતી કવિતાઓ અને રસદર્શન બહુ ઉત્તમ રીતે આલેખ્યા છે. કવિયત્રીને અને તને બંનેને ધન્યવાદ!

  • thank you Rekha…

   2015-04-02 17:56 GMT+05:30 સેતુ ~ લતા જ. હિરાણી :

   >

 3. really like this one

  • thank you Maulikbhai..

   On Fri, Apr 3, 2015 at 4:48 PM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

   >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: