Posted by: readsetu | એપ્રિલ 28, 2015

Kavyasetu 181 Jyoti Hirani

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 14 એપ્રિલ  2015

 

કાવ્યસેતુ    લતા હિરાણી  

 

આભથી આ પરબારું આવ્યું દીવો કરજો
લ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો

પીડા જેવું ઝાંખુ ધુમ્મસ ફેલાયું છે
આવ્યું તો અણધારું આવ્યું દીવો કરજો.

ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓ
કોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો.

આખોદી પગ વાળી બેઠું જે આંખોમાં
સૂરજ ડૂબ્યે બારું આવ્યું દીવો કરજો.

શબ્દો ચગળીને ઊડતું આ મૌનનું પંખી
લ્યો પાછું ઘરબારું આવ્યું દીવો કરજો ……….. જ્યોતિ હિરાણી

 

માગણી છે, લાગણી છે, આરત છે, ઈબાદત છે – કેવી સરસ મજાની રદ્દીફ છે દીવો કરજો ! નાયિકાને અજવાળાની તરફ જવું છે. જ્યાં જ્યાં અંધારું છે, ધુમ્મસ છે, પડછાયા છે, ત્યાં એને ઉઘાડની અને અજવાળાની અપેક્ષા છે. આ અપેક્ષા બહુ મધુર સ્વરમાં રેલાય છે, દીવો કરજો શબ્દો જે મનમાં પણ હળવે હળવે પ્રગટે છે અને અજવાળું પાથરી જાય છે. એમ થાય કે આવો સુંદર રદ્દીફ કઈ મન:સ્થિતિમાંથી પ્રગટ્યો હશે ? ચેતનાના ક્યા સ્તરે કવયિત્રી હશે ત્યારે આ ભાવ મનમાં ઊગ્યો હશે ?

 

આભથી ગાઢું અંધારું પરબારું આવ્યું છે એટલે દીવો કરજો. પીડા જેવુ ઝાંખું ધુમ્મસ અણધાર્યું ફેલાયું છે એટલે દીવો કરજો. વાત કેટલી નાજુકાઈથી આલેખાઈ છે ! ભાવકને અંધારું કે ધુમ્મસ કંઇ સ્પર્શતું નથી. સંપૂર્ણ હકારાત્મકતા, સંપૂર્ણ સ્વીકાર એના મનને અજવાળી જાય છે. આભ અજવાળું ને અંધારું બેય રેલાવે. એ એની પ્રકૃતિ છે. એ એનું કાર્ય છે. માનવીએ જરૂર પડે ત્યાં અને ત્યારે દીવો પ્રગટાવવાની તૈયારી રાખવી પડે એવી નિરાંતવી ફિલોસોફી મને આમાંથી પમાઈ છે.

 

‘ભીંતોને ભેટીને પડછાયા ઊભા છે.’ કેવું મજાનું કલ્પન અહીં રજૂ થયું છે ! કોઈ અહી નોધારું નથી. માનવીના પડછાયાને ભીંતોનો સહારો છે. એટલે આશા ગુમાવવાની સ્હેજે જરૂર નથી… આ અને બીજા શેરોમાંથી પણ આમાંથી ઘણું તારવી શકાય પણ આખી ગઝલનો સૂર અમુક અંશે સંવાદનો, સમતાનો છે. જે પીડા કે ધુમ્મસની વાત છે ત્યાં પણ આક્રોશ નથી. અંતે તો દીવો પ્રગટાવવાની જ ખ્વાહિશ છે, રસ્તો શોધી લેવાની જ ઝંખના છે. એટલે મને અહીં કવયિત્રીએ ભીંતોમાં પણ પ્રાણ પૂર્યા હોય એવું લાગે છે.

 

આંખમાં આખો દિવસ પગ વાળીને શું બેઠું હતું ? ભીનાશ ? આંસુ ? જેને વરસવા માટે રાતના અંધકારના ખોળાની જરૂર હતી ? એકાંતની જરૂર હતી ? હા, એ જીવનની સચ્ચાઈ છે. રાત પછી દિવસ અને દિવસ પછી રાત, એમ જ જીવનમાં પણ સુખ પછી દુખ અને દુખ પછી સુખની ઘડીઓ છે. અહીં આંસુ પછી પ્રકાશની, રાહતની ઝંખના છે.  અંતે મન દીવાની તરફ જ વળે છે. ક્યાંય જરાય નકારાત્મકતા પ્રવેશતી નથી એ કેટલી મોટી વાત છે !

 

એક એક શેર એકમેકથી ચડે એવા બન્યા છે. એની અર્થચ્છાયાઓ ભાવકને રસતરબોળ કરી મૂકે છે.

શબ્દો ચગળીને ઊડતું આ મૌનનું પંખી,

લ્યો પાછું ઘરબારું આવ્યું દીવો કરજો

મૌનનું પંખી શબ્દો ગળ્યા કરે છે, ચગળ્યા કરે છે. એની પાસે કહેવાનું ઘણું છે પણ એ શબ્દો ઉચ્ચારતું નથી. એને ઉચ્ચારવા જ નથી. ફરી એકવાર એ ઘરની બહાર નીકળ્યું છે, એને આભે ઊડવું છે. એને વ્યક્ત થવું છે, ભાષા વગર ! ચૂપ રહીને કંઈક સમજાવી દેવું છે. શબ્દોના સહારા વગર સોંસરવા ઉતરી જવું છે એટલે કવયિત્રી કહે છે, દીવો કરજો…

‘વાહ વાહ’ મનમાંથી રેલી ઊઠે એવી મજાની ગઝલ આ છે. આ પાંચમાંથી કયો શેર વધુ ગમી જાય એ નક્કી કરવું અઘરું છે. અજવાળાના કેટલા રૂપ !  અંધારાથી અજવાળાની સફર અહીં મેઘધનુષી રંગો ધારણ કરી મહોરી છે.. દીવો પ્રકાશ જ નહી, સુગંધ લઈને અવતર્યો છે ને સૌને મહેક મહેક કરી દે છે.

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: