Posted by: readsetu | એપ્રિલ 28, 2015

Kavyasetu 183 Dr. Mukesh Joshi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 21 એપ્રિલ 2015

કાવ્યસેતુ 182   લતા હિરાણી

એકાદ જણ એવુંય મળી જાય છે

ને શહેર બસ આખુંય ફળી જાય છે.

છે સાવ સનનાટા સમું સૂનું નગર

બસ હાજરીથી સળવળી જાય છે.

છે કેટલા રસ્તા, ગલીઓ કેટલી

તોય પગલાં ત્યાં જ વળી જાય છે.

કોઈક મુજમાં ઓગળી રહ્યું હશે

એટલે તો શ્વાસમાં સુગંધ ભળી જાય છે.

પાછાં વળતાં પણ એ મળી જાય છે

જેમ ગઝલમાં શબ્દો ઢળી જાય છે. … ડો. મુકેશ જોષી

 

કવિતાનું આકાશ ચમકે છે ગઝલના તારાઓથી. આ તારાઓ ક્યાંક ફળે છે, ક્યાંક શબ્દોની ભીતર પ્રવેશી અર્થોના અસ્તિત્વને કળે છે, ક્યાંક ઉઘાડ પામવા સળવળે છે. પગલાંઓની વણઝાર ચાલી આવે છે, એમાંથી કોઈ પોતાની કેડી કંડારી જાય છે, કોઈ પોતાની છાપ સદાસર્વદા કોતરાવી જાય છે. મહત્વ એનું નથી કે શબ્દોને સમય કેટલું સાચવે છે ! મહત્વ એનું છે કે શબ્દોમાં ક્ષણો કેટલી ફળી જાય છે ! ક્ષણભરનો પ્રકાશ પણ કોઇકનું ભીતર અજવાળી જાય અને હૃદય તો બસ એ અજવાળાને જ સંઘરી બધા શ્વાસો એને સમર્પિત કરી જાય છે. 

 

કોઈ પોતાનું હોય અને કોઈને માટે પોતાનું હોવું શ્વાસ જેટલું અનિવાર્ય હોય એ ભાવના રોમરોમમાં દિવડા જગાવી દે છે. આવી કલ્પના પણ રોમાંચ જગાવે તો સાચોસાચ આવી વ્યક્તિ મળી જાય, જીવનમાં ખરેખર આવું બની જાય ત્યારે ખુશીનું કહેવું શું ? આ આકાશ, ધરતી ને સારું વિશ્વ આનંદથી ઉભરાઇ જાય, શહેર આખું ફળી જાય. હજુ આગલી ક્ષણ સુધી ભલેને સન્નાટો પથરાયો હોય, એક વ્યક્તિના આગમનથી હવાનો એક એક કણ થનગની ઊઠે ! 

ક્યાં જવું છે ? કયા રસ્તે, કઈ ગલીમાં, કયા શહેરમાં, આજ સુધી કશી ખબર નહોતી. અચાનક આ સ્નેહનું સત્ય સ્પર્શ્યુ, પ્રેમનો પ્રકાશ પથરાયો અને એ એક જ ગલી, એક જ રસ્તો જીવનનો મુકામ બની ગયા.

 

શ્વાસ સુગંધથી તરબતર થઈ જાય છે, મન મઘમઘી ઊઠે છે ; જ્યારે કોઈ હૈયામાં પ્રવેશી જાય છે, કોઈ પોતાનું અસ્તિત્વ રોમેરોમમાં પાથરી દે છે ! એ ઓગળી જાય છે ને ઓગાળી દે છે ! પછી તો આવતાં ને જતાં, સૂતાં ને જાગતાં, ઉઠતાં ને બેસતાં, એ જ રટણા, એ જ રમણા…. જામે છે ગીતોની રંગત, ગઝલોની મહેફિલ. શબ્દોના ઝરણાં ને એના કાંઠે લહેરાતા લીલાછમ અર્થોના તરણાં. આંખ અને મન-હૃદય રસબસ….         

 

આ કવિની ખુદ્દારી અને મિજાજને વ્યક્ત કરતાં એમનો આ શેર જુઓ. એ કહી શકે છે કે,

સ્વપ્નને પણ ઇચ્છાથી વાવી શકું છું,

મહેફિલને હું રંગમાં લાવી શકું છું….

 

 

એમના મજાનાં બીજા શેરો

મારી જેમ શેરને જો તું ચાહી ના શકે

કમ સે કમ એનો તને ખેદ હોવો જોઈએ.

 

પોતાની કલાનું અભિમાન ન હોય એ વાત કોઈપણ કલાકાર માટે અગત્યની છે. જાત પર જે હસી શકે, પોતાની મજાક જે ઉડાવી શકે એના પગલાંને ખરેખર ધરતી પંપાળી શકે ! પોતાના તૂટવાને જે ખુલ્લા દિલથી વ્યક્ત કરી શકે એને સહારો આપવા કોઈના હાથ લંબાઈ શકે !

 

એકાદ શેર ભૂલથી સારો લખી શક્યો

ત્યાં જ તાળી પાડવા લાગી ગયો છું હું.

છંદમાં મેં ભાંગફોડ એટલે સહી હતી

ધ્યાનથી તું જો મને ભાંગી ગયો છું હું.

 

અંગત સંવેદનાઓની અસરકારક અનુભૂતિ જુઓ !

આમ તો જીવન સરળ મારું વીત્યું છે પણ

પણ એટલે શું તે, કોઈકવાર કહીશ તને..

       

  

Advertisements

Responses

  1. સુંદર ભાવભર્યું કાવ્ય.

  2. thank you Sharadbhai
    lata hirani


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: