Posted by: readsetu | મે 23, 2015

Kavyasetu Bhagyesh Jha

કવિ શ્રી ભાગ્યેશ ઝાની એક સુંદર રચનાનો આસ્વાદ

એને
મરણની અસર નથી થતી,
સ્મરણની પણ અસર નથી !
વરસાદમાં પલળે પણ ન ઉચ્ચરે કશું
ઉત્સવ જેવું પણ ન પ્રગટે કશું એનામાં,
આનંદ કે આંસુનું પણ
નથી નામોનિશાન એના ચહેરા પર,
મને બીક છે,
કે
આપણા નગરને ચાર રસ્તે ઊભેલી

પ્રતિમા
ક્યાંક માણસ ન થઈ જાય………… ભાગ્યેશ જહા

માઈલોથી વહી આવતી વાયુની લહેર એક પ્રતિમાને સ્પર્શે છે અને વેરવિખેર થઈ ડાબે-જમણે ફંટાઈ જાય છે. ભર્યા ભર્યા આકાશેથી વાતાવરણને વીંધી લસલસતા ફોરાં સર્યે જાય છે, ક્યાક ધરતીને સ્પર્શી હૂંફાળું ગીત જગવે છે ને ક્યાંક ચાર રસ્તે ઊભેલી પ્રતિમાને સ્પર્શતાં તૂટીફૂટી ચારેકોર છંટાઈ જાય છે. ગલીઓમાં આડેધડ ભીડ કરીને ઊભરાતું અંધારું એકાદ પ્રતિમાના સ્પર્શે અચાનક અંટાઈ જાય છે.

પ્રતિમાને આકાર છે, સરોકાર નથી. ચહેરો છે, ચાહત નથી. પડઘા વગરના કાનમાં નર્યો સૂનકાર અને દૃશ્ય વગરની આંખમાં નર્યો અંધાર પહેરીને એ ઊભી છે, વેગ વગરના સ્થિર પગ એનું ભાગ્ય છે. ગતિ, સ્વગતિ કે પ્રગતિ સાથે એને કોઈ સંબંધ નથી. હાથ છે પણ સ્પર્શની મોસમથી સાવ અજાણ. કદાચ એટલે જ કોઈ શિલ્પીને એની હથેળીમાં રેખાઓ આંકવાનું જરૂરી નહી લાગ્યું હોય. એ સ્થિર છે પણ અનાસક્ત ભાવથી નહી. જડતા એના પ્રત્યેક કણમાં છે. એની આસપાસ બધું થયે જાય છે. એને કશું કરવાનું નથી. એ બધ્ધ છે, એના સ્થાનમાં ને એ મુક્ત છે તમામ અસરોથી દૂર….

કવિ એટલે જ કહે છે, એ મરણ કે સ્મરણથી કોસો દૂર છે. પીડા એને વીંટળાઈ શકતી નથી કે કોઇની યાદ એને તડપાવી શકતી નથી. આંસુ અને સ્મિત સાથે એને કોઈ સંબંધ નથી, સિવાય કે એને જેટલા પહેરાવ્યા હોય ! એટલું માપ એ જાળવી રાખે છે, તૂટતાં લગી. ધોધમાર વરસતા વરસાદમાં તદ્દન નિશબ્દ રહી અળગા રહેવું એનું કામ. એના હોઠો પરથી ન આહ પ્રગટે, ન ચાહ. ઉત્સવની રંગીનીથી એ અનભિજ્ઞ.

મને આશ્ચર્ય છે કે પ્રેમીઓ ‘તારી પ્રતિમા મારા કાળજે કોતરાઈ ગઈ છે.’ એવું કેમ કહેતા હશે ? ‘પ્રતિમા’ની જગ્યાએ ક્યાંક ‘છબી’ શબ્દ પણ વપરાય છે. બંનેનું કામ એક જ છે. ભાવ-પ્રતિભાવવિહીનતા !!  એક પાત્ર દુખના દરિયામાં ડૂબ્યું હોય તોય પ્રતિમા / છબીના હાસ્યની એકપણ રેખા ન બદલાય, ન વિલાય.

એની સામે એક જીવતો જાગતો સંવેદનશીલ માનવી ! જેના પ્રત્યેક ધબકારમાં જીવન ધબકે છે. એક એક શ્વાસે એક આખું વિશ્વ એનામાં ઊગે છે ને આથમે છે. ખુશી અને પીડા એના રોમેરોમને સ્પંદિત કરે છે. એને હસાવે છે, રડાવે છે. પીડે છે, પંપાળે છે. માનવ આવો જ હોત તો જીવન લીલાછમ્મ હોત. પાનખર ભલે ઋતુ પ્રમાણે આવે પણ હૈયાને પાનખર સ્પર્શત નહી.. પણ એવું નથી એના નિસાસા તમામ સંવેદનશીલ માનવીના હૃદયમાં ઊભરાય છે. ચારેકોર પ્રતિમા જેવા માણસોની વસ્તી વધતી જાય છે. એને કોઇની પીડાની પરવા નથી. ભર્યા ભંડાર વાસી દઈ ભૂખ્યાના મોમાંથી ટુકડો છીનવતાં એના કાળજે ધ્રુજારી નથી થતી. એને સ્મરણ માત્ર સ્વાર્થનું એટલે જ કવિને બીક છે અને કહી ઊઠે છે કે,

આપણા નગરને ચાર રસ્તે ઊભેલી

પ્રતિમા
ક્યાંક માણસ ન થઈ જાય…

મશીનની જેમ જીવ્યા કરતા માણસોથી આ પૃથ્વી હવે કદાચ થાકી ગઈ છે. આ જડતાનો ભાર એ ઉઠાવી નથી શકતી. મણ મણના વૃક્ષોનો એને ભાર નથી લાગતો. પહાડોના પહાડો અને દરિયાઓ એની છાતી પર ઊભા છે, રેલમછેલ કરે છે.. એ માતાની જેમ સાચવી શકે છે પણ આ નાપાક, સ્વાર્થી માનવીથી એ થાકી છે. જડ પ્રતિમાઓ ઊભી કરનાર માનવી એના જેવો જ થતો જાય છે હવે એમાં વધારો ?     

    

Advertisements

Responses

 1. લતાબહેન;
  મેં વર્ષો સુધી સેલ્સ અને મારકેટીંગ વિભાગમાં કાર્ય કર્યું. સ્વાભાવિક ટ્રાવેલીંગ ખુબ રહેતું. બસ,ટ્રેઈન, કાર, વિમાન, બોટ અને ઊંટ સવારી સુધ્ધા કરી મેં પ્રવાસો ખેડ્યા. મારા એક મિત્ર સારા સાહિત્યકાર અને શબ્દોના ધની. તેમને ભાગ્યે જ મુસાફરી કરી હશે. પણ એકવાર તેઓ પરિવાર સાથે અમદાવાદથી મુંબઈ ગયા અને મુંબઈથી તેમનો પત્ર આવ્યો. પત્ર વાંચી, હું તો મોં માં આંગળા નાખી ગયો. ઘરથી નીકળી સ્ટેશને પહોંચ્યા તેના વર્ણનમાં તેમને એક આખું પાનુ ભરી લખેલ. કેવા મનમાં ભાવો ઊઠતા વિખરાતા રહ્યા, કેમ કરી સામાન પેક કર્યો, પત્ની સાથેની નોકઝોક, બાળકોનો ઉત્સાહ તેમના ઘરની નિસરણીનુ વર્ણન અને ઘણુ બધુ. આખો પત્ર છ પાનાનો હતો અને કલ્પના સભર અને એક એક ચીજનુ બારીકાઈથી નિરિક્ષણ અને વિવરણ.
  હવે આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં ટ્રેઈનની સફર કોઈ બહુ સુખદાયી નથી હોતી પરંતુ તેમણે એવા રંગો ભર્યા કે એમ થાય કે તમે જો અમદાવાદથી મુંબઈની સફર ટ્રેઈનમાં ન કરી હોય તો તમારો જન્મ ફેરો નકામો છે. પત્ર વાંચી મને પણ થયું કે સાલું હું બસોવાર અમદાવાદથી મુંબઈ ટ્રેઈનમાં સફર કરી ચુક્યો છું પણ મને આવું બધું ક્યારેય દેખાયું નહી. પણ સાહિત્યકારોની વાત જ જુદી હોય છે તેઓ સાવ સાદી વાતમાં જે રંગોભરે તે સામાન્ય વાતને પણ અનેક રંગોથી ભરી દે છે. અહીં આપનુ કાવ્ય રસાપાન પણ કાંઈક આવું જ લાગ્યું. કદાચ લખનાર કવિએ પણ જે કલ્પના નહી કરી હોય, કે જે અર્થ નહી ભર્યા હોય તેવા અર્થ ભરી કાવ્યનુ રસાપાન કરાવ્યું. એકવાર તો પ્રશ્ન થાય કે કાવ્ય ઊંચુ કે વિવેચન?
  શરદ

  • બીજી વાત એ પણ છે શરદભાઈ કે કવિતાનું સૌદર્ય જ એના લાઘવમાં છે. એટલે કવિ જે
   અનુભવે, કલ્પના કરે એને ટૂંકામાં ટૂંકી અને કલાત્મક રીતે કહેવાનો પ્રકાર એ
   કવિતા.

   અતિરેક ગદ્યમાં હોઇ શકે.. પદ્યમાં અતિરેક ન થઈ શકે.
   લતા

   2015-05-23 13:31 GMT+05:30 સેતુ ~ લતા જ. હિરાણી :

   >

  • સાચી વાત છે શરદભાઈ.
   પહેલાં તો ફરી એકવાર તમારો આભાર માની લઉ, મારા લખાણને રસપૂર્વક વાંચવા બદલ. અને એથીયે વધારે, એના અંગે તમારા વિચારો પ્રદર્શિત કરવા બદલ.
   કવિતાની એ એક ખૂબી છે કે ભાવક, વાંચનારના મનમાં જુદા જુદા ભાવો જગાવે. જેવી જેની મનોસ્થિતિ. એક જ કવિતામાં જુદા જુદા લોકોને જુદા જુદા ભાવ મળી શકે. એવું બની જ શકે ક્યારેક ખુદ કવિએ પણ ન કલ્પ્યું હોય એવું વાચકને એમાંથી મળે ! ‘તમે મારી કવિતાને હાઇટ પર પહોંચાડી દીધી’ મને આમ કહેનારા ખુદ કવિઓ છે…
   રહી વાત અભિવ્યક્તિની… તો મારુ કામ કવિતાનો આસ્વાદ કરાવવાનું, કવિતાને ખોલવાનું. એટલે એના રંગો શોધવા પડે અને મારા રંગો પણ ઉમેરવા પડે… વાચક માટે એ રોચક બનવું જોઈએ. મારે કૉલમ લખવાની છે …. અને હું વિવેચન નથી કરતી. વિવેચનમાં કવિતાની ખામીઓ બતાવવાનું વધારે મહત્વનુ હોય. મને ખામીઓ ક્યારેક દેખાય પણ ખરી. પણ મને એ ગમતું નથી.. હું જે સરસ છે એ લખીને, રસ ભરીને પૂરું કરું છું…
   બાકી એક વાત એ પણ છે કે શબ્દોના ધની, કલ્પનાના ધની અતિરેક પણ કરતાં હોય છે. કેટલાય ઉદાહરણો નજર સામે છે પણ એની વાત આપણે શું કામ કરવી ?
   ચાલો, આપણાં સંવાદનીય એક મજા છે…
   આભાર.

 2. સુપર્બ!

  • સાચી વાત છે શરદભાઈ.
   પહેલાં તો ફરી એકવાર તમારો આભાર માની લઉ, મારા લખાણને રસપૂર્વક વાંચવા બદલ. અને એથીયે વધારે, એના અંગે તમારા વિચારો પ્રદર્શિત કરવા બદલ.
   કવિતાની એ એક ખૂબી છે કે ભાવક, વાંચનારના મનમાં જુદા જુદા ભાવો જગાવે. જેવી જેની મનોસ્થિતિ. એક જ કવિતામાં જુદા જુદા લોકોને જુદા જુદા ભાવ મળી શકે. એવું બની જ શકે ક્યારેક ખુદ કવિએ પણ ન કલ્પ્યું હોય એવું વાચકને એમાંથી મળે ! ‘તમે મારી કવિતાને હાઇટ પર પહોંચાડી દીધી’ મને આમ કહેનારા ખુદ કવિઓ છે…
   રહી વાત અભિવ્યક્તિની… તો મારુ કામ કવિતાનો આસ્વાદ કરાવવાનું, કવિતાને ખોલવાનું. એટલે એના રંગો શોધવા પડે અને મારા રંગો પણ ઉમેરવા પડે… વાચક માટે એ રોચક બનવું જોઈએ. મારે કૉલમ લખવાની છે …. અને હું વિવેચન નથી કરતી. વિવેચનમાં કવિતાની ખામીઓ બતાવવાનું વધારે મહત્વનુ હોય. મને ખામીઓ ક્યારેક દેખાય પણ ખરી. પણ મને એ ગમતું નથી.. હું જે સરસ છે એ લખીને, રસ ભરીને પૂરું કરું છું…
   બાકી એક વાત એ પણ છે કે શબ્દોના ધની, કલ્પનાના ધની અતિરેક પણ કરતાં હોય છે. કેટલાય ઉદાહરણો નજર સામે છે પણ એની વાત આપણે શું કામ કરવી ?
   ચાલો, આપણાં સંવાદનીય એક મજા છે…
   આભાર.

  • Thank you Rekha..

 3. excellent lataben.

  • તમે મને લતાબેન કહેશો તો હું તમને થેન્ક યુ કેમ કહું ?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: