Posted by: readsetu | જૂન 9, 2015

કાવ્યસેતુ 188 દીવાન ઠાકોર

દિવ્ય ભાસ્કર > કાવ્ય સેતુ >  2 જૂન 2015 

કાવ્યસેતુ 188   લતા હિરાણી   

એ ઊઠે છે ત્યારે

અધૂરી ઊંઘ ઉઠવા દેતી નથી

થાક હજુય ચોંટેલો છે પાંસળીઓમાં

એ ન્હાય છે ત્યારે

ઘસી ઘસીને ધુએ છે શમણાં

એ ચાલે છે ત્યારે દોડે છે

છતાં ક્યારેય પહોંચી શકી નથી સમયસર

તે રાંધે છે ભોજન સર્વને માટે

મીઠા ઓડકારો સાંભળીને ધરાય છે પેટ

ફૂલછાબ સમા શબ્દોની

મળી નથી કદી ભેટ

બધું સમયસર થવું જોઈએ

દરેક વસ્તુ હોવી જોઈએ તેની જગ્યાએ

માત્ર એ પોતે જ નથી તેની જગ્યાએ

ભીંસાઈને ચઢવી પડે છે શ્વાસોની સીડી

ઊંઘ જ્યારે પોપચાને અડે છે

ત્યારે જ એલાર્મ વાગે છે

અને એની હાજરીથી ખુશ થતું ઘર

ખડખડ હસે છે……………………. દીવાન ઠાકોર

શું લખવું આ કવિતા માટે ? હું જ નહી તમે પણ આ પરિસ્થિતી ચારે બાજુ જોતાં જ હશો. આ સચ્ચાઈ છે. ઉચ્ચ શિક્ષણ પામેલી, હાઇપોસ્ટ પર કામ કરતી અને નોકરી કરીને સારું કમાઈને ઘરમાં આપતી સ્ત્રીઓને ડરેલી, અકળાયેલી, વાતે વાતે પતિથી દબાતી જોઉ છુ, ડગલે ને પગલે પતિનો રૂઆબ સહન કરતી જોઉ છું, ખોટી રીતે નાના કામોમાંય એને ઉતારી પડાતા ને અપમાનિત થતા જોઉ છું ત્યારે લોહી ઉકળી આવે છે.

મને હમણાં એક મિત્રે કહ્યું કે તમે ક્યારેક પુરુષોને એવા ઝાટકી નાખો છો ! મારો એ ઉદ્દેશ નથી પણ આંખ સામે આવા અનેક કિસ્સા તરવરતા હોય અને આવો વિષય આવે ત્યારે શબ્દો ઉકળવા માંડે ! થોડીક સ્ત્રીઓ મારા જેવી સાચા અર્થમાં સૌભાગ્યવતી હશે પણ એની સંખ્યા ઓછી. બહાર જુદું દેખાતું હોય છે અને અંદરખાને બધી પોલંપોલ હોય છે.    

વોટ્સ એપ પર આવતા સ્ત્રીઓ અંગેના જોક્સ ભૂલી જજો, બને તો એવા જોક્સ ફોરવર્ડ કરતાં અટકજો. સ્ત્રીઓને ખોટી, ઝઘડાળું, મૂર્ખ કે સ્વાર્થી ચીતરતી એ બધી પુરુષોની રચનાઓ હોય. મને જ્યારે આવા જોક્સ મળે છે ત્યારે હું આ કોમેન્ટ લખું છું. આ સાચી પરિસ્થિતી નથી. હકીકત આપણી ચારેબાજુ વેરાયેલી છે. હું આ કવિતા વાંચું છું અને એની જીવંત નાયિકાઓ મારી નજર સામે તરવરી રહે છે..   

કવિતા સ્વયમ સ્પષ્ટ છે. વાત ભારતીય ગૃહિણીની છે, શબ્દોને સમજવાની કે અર્થમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. નીતર્યા નીર જેવી વાણી છે. વિષયનો ડહોળ નીચે બેઠો છે – સ્ત્રીઓ પ્રત્યે અન્યાય. દેખાય છે પૂરેપૂરો પણ જરાય નડતો નથી, કેમ કે આંખ અવગણવા ટેવાઇ ગઈ છે. આવી બાબતો પ્રત્યે સમાજની સંવેદનશીલતા આરામથી ચોરસ આકાર ગ્રહી લે છે પણ આ ભર્યું પાણી આંખને ખેંચ્યા કરે છે ખરું. જરાક ઢળ્યા અને હાથ નાખ્યો એટલી વાર. મન ધુંધળું થઈ જશે.  

કાવ્યમાં અમુક બાબતો કવિએ કેટલી સરસ રીતે છેડી છે 

‘એ ન્હાય છે ત્યારે ઘસી ઘસીને ધૂએ છે શમણાં’ !

હા, શમણાં એને પરવડે નહીં. એને નહાવાની ક્રિયા સાથે જોડીને કવિએ બહુ ચોટ આપી છે. માત્ર શમણાં નહી જોવાનું કહ્યું હોત તો વાત સાદી બનત. શમણાં તો રોજ આવે છે, આખરે એ માણસ છે ! રોજ નહાતી વખતે ઘસી ઘસીને ધોઈ નાખવાનાં. કોઈને ગંધ ન આવવી જોઈએ. 

સવારની ચાથી માંડીને રાતની પથારી, બધું જ સમયસર ! એ આખો દિવસ દોડ્યા કરે છે ને તોયે ક્યાંય ટાઈમે પહોંચતી નથી. બધાની જરૂરિયાતો સંતોષવામાં એના પ્રાણ ખર્ચાઈ જાય છે. આટઆટલું કરવા છતાં કોઈએ ક્યારેય તેને બે સારા શબ્દોથી નવાજી નથી. એના જીવને ટાઢક વળે એવી કોઈ વાત કદી ઉચ્ચારી નથી. ઘરના લોકો વાંક કાઢવાનું બંધ કરે તોય એને થોડીક હાશ થાય. ભૂલ બધાથી થતી જ હોય પણ નહી માફ માત્ર સ્ત્રીની ભૂલ !

ઘરની એક એક ચીજને વ્યવસ્થિત, એની જગ્યાએ રાખવામા એ પોતે ભૂલી ગઈ છે કે એનું સ્થાન ક્યાં છે ! ઘરના તમામ સભ્યોની એક એક જરૂરિયાત પૂરી કરનાર સ્ત્રીની પોતાની જરૂરિયાત વિષે કેમ કોઈ ક્યારેય નથી વિચારતુ ? ઘરનો એક એક ખૂણો તેના વગર સ્મશાન બની જાય પણ આખું ઘર સૌની સગવડો માટે છે, સ્ત્રીને વિસામવા માટે એમાં ક્યાંય જગ્યા નથી.  

છેલ્લો દર્દનાક સ્પર્શ શબ્દોથી !

ઊંઘ જ્યારે પોપચાને અડે છે ત્યારે જ એલાર્મ વાગે છે

અને એની હાજરીથી ખુશ થતું ઘર ખડખડ હસે છે.

સવાર પડે છે, ચાની સુગંધથી મઘમઘતી, ખુશખુશાલ… સૌના માટે. એના માટે તો સમયના કાંટા છે, દોડ્યા કરે… 

 

 

   

Advertisements

Responses

  1. સત્યને ઉજાગર કરતી સુંદર અભિવ્યક્તિ ! અન્યાય કરવો પાપ છે તેમ અન્યાય સહેવો ય પાપ છે. શા માટે સ્ત્રી આ અન્યાય સહે છે? ઊંડા ઊતરીએ તો તકના બધા દરવાજા બંધ છે. પરાધીનતાએ તેને મજબૂર કરી છે. નાનપણથી તેને ઘરનાની ચાકરી કરવાની કેળવણી આપવાની અગ્રક્રમે રહે છે. ઘરમાં કે રસોડામાં મદદ કરતા પુરૂષોને બાયલાનો ઉપાલંભ આપનારા પણ છે જ. પુરૂષના પૈસા અને સ્ત્રીના રૂપનું અભિમાન ટકરાય છે ત્યારે વધારે વિનાશ સર્જાય છે આમ ન થાય તે માટે ય સમજદારીની અપેક્ષા સ્ત્રી પાસે જ રખાય છે જો કે કેટલાંક કિસ્સામાં ઉલ્ટું પણ જોવા મળે છે. ઝગડાળુ સ્ત્રી પણ એક વરવું વાસ્તવ છે પણ એ વર્ગ નાનો હોવાનું મારૂં માનવું છે.

    • Thank u Rekha..

      Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: