Posted by: readsetu | જૂન 27, 2015

કાવ્યસેતુ 190 – હરદ્વાર ગોસ્વામી

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 16 જૂન 2015

કાવ્યસેતુ 190  લતા હિરાણી

 

રાત પડે

તારા આવે

અને તારા આવવાની તૈયારીઓ

હું શરૂ કરી દઉં છું

આયખાના આંગણે દીવા પ્રગટાવું

દિલના દરવાજે તોરણ લટકાવું

રોમેરોમની ચાદર બિછાવું

હોઠના હીંચકે ઝૂલતા ગીતને ઠેસ મારું

ફેલાયેલી બાહોના તકિયાને બરાબર ગોઠવું

ઊંબરાને ઊંચકીને શેરી સુધી લઈ જાઉં

આંખોને છજે તાકી લઉ દૂર ક્ષિતિજ સુધી

અડવાણા પગને તારા રસ્તાની લાલચ આપું

જૂઈના ઝૂમખામાં ચાંદનીને ગોઠવું

મનના ઓરડામાં સ્મરણની ચાદર પાથરું

અને અંતે

સવાર પડતાં

સૂર્યને સુવડાવી દઉં

ફરી રાત પડે

તારા આવે

અને

તારા આવવાની તૈયારીઓ

હું શરૂ કરી દઉં છું …. હરદ્વાર ગોસ્વામી 

આ પ્રતીક્ષા સૌથી અઘરી પરીક્ષા છે અને એય ખાસ કરીને ત્યારે કે જ્યારે કોઈ પ્રેમી પોતે જેને હૈયું ભરીને ચાહે છે તેને મળવા આતુર હોય. પ્રતીક્ષા પળોને યુગોમાં બદલી શકે છે. ઘેઘૂર વનને રણમાં પલટાવી શકે છે. ઉછળતા દરિયાને કે ધસમસાટ વહેતી નદીને ખાબોચિયું બનાવી શકે છે. ખાબોચિયામાં એ નદી કે દરિયો પણ ભાળી શકે છે. એ માત્ર કલ્પનાની દુનિયામાં વિહારે છે. એને જેની જરૂર છે એ સિવાયનું બધું જ એના માટે અર્થહીન બની જાય છે, બેસ્વાદ કે ફિક્કું બની જાય છે. એ એક વ્યક્તિ સિવાય આખી દુનિયા હોવાનો કોઈ મતલબ નથી રહેતો. મિલન થાય છે ત્યારે પણ એ બે વ્યક્તિ સિવાય દુનિયામાં ક્યાંય કશું હોતું જ નથી..    

અહી તો કદાચ ચિર વિરહની વાત છે. વિરહિણીની વ્યથા વર્ણવી છે. કાળી ઘેરી રાતમાં આશાના ચમકતા સિતારાઓ ચમકવા માંડે અને પ્રિયતમની પ્રતીક્ષાની ઘડીઓ શરૂ થઈ જાય છે. આયખાના આંગણે ઈંતઝારના દીવા પ્રગટે છે. પ્રતીક્ષાના તોરણ આંખે અને દિલના દરવાજે લટકાવીને એ બેઠી છે. મનનો ઓરડો સ્જાવ્યો છે.

સજાવટના પ્રતીકો મિલનની આતુરતાને તીવ્ર રીતે વ્યક્ત કરે છે. રોમેરોમ પ્રિયની પ્રતીક્ષામાં રણઝણે છે. પ્રિયતમના આલિંગન માટે બાંહો ફેલાયેલી છે, ભેટવા માટે દિલ આકુળવ્યાકુળ છે. મનમાં મિલનનું ગીત ગૂંજે છે. ગીતના શબ્દો હોઠેથી સરવા તડપે છે. ઊંબરે ઊભીને સાજણના બોલ સાંભળવા ઉત્સુક સ્ત્રી ઉંબરા અને શેરી વચ્ચેનો ભેદ ભૂલી જાય છે. આંખમાં, મનમાં, હૃદયમાં એક જ છબી ચીતરાયેલી છે. આંખો એને જ શોધે છે અને આ શોધ એના  ઊંબરાને ક્ષિતિજ સુધી લંબાવી દે છે.

કેટકેટલી આશાઓ અને અરમાનો ભર્યા છે ! કેટકેટલી રીતે એ વ્યક્ત થાય છે ! પગ ભલે અડવાણા રહ્યા એને પ્રિયતમના રસ્તાની લાલચ મળશે તો એ દોડવા લાગશે. જૂઈના ઝૂમખામાં ચાંદની ગોઠવીને, સ્મરણોની ચાદર પાથરીને કોણ બેસી રહ્યું છે ? પણ અફસોસ… આ બધાનું કોઈ ફળ નથી… પ્રિયતમ આવ્યો નથી ને કદાચ આવવાનોય નથી. કાવ્યમાં આ કલ્પન બહુ સુંદર છે. પ્રેમિકા કહે છે, અંતે સવાર પડતાં હું સૂર્યને સુવડાવી દઉં છું. જો એ ન મળે તો આ સૂર્યના પ્રકાશની શું જરૂર છે ? જીવનમાં અંધારું ને નિરાશા જ છે… પણ એ દિવસભર માટે જ.. હૈયું એમ આશા છોડે એમ નથી. ફરી રાત પડે છે ને એ ફરી પ્રેમીની પ્રતીક્ષામાં ડૂબી જાય છે….

 

         

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: