Posted by: readsetu | જૂન 27, 2015

કાવ્યસેતુ 191 – પન્ના નાયક

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 23 જૂન 2015

કાવ્યસેતુ 191  લતા હિરાણી

મને ગમે છે
મારું એકાંત.

ઘોંઘાટ શમી ગયો હોય છે,
ચિત્ત શાંત થયું હોય છે,
પછી
મારી મારા માટેની શોધ
આરંભાતી હોય છે,

અને
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી આવતી હોય છે
મારી પાસે

અને
હરજી હળવે હળવે
મૂકતા હોય છે હાથ
મારે ખભે  પન્ના નાયક       

 

ક્ષણો સમયનો નાનકડો અંશ છે પણ એમાં પરોવાયેલું એકાંત, પોતાના આકાશનો વ્યાપ છે. જિંદગીમાં આવી ક્ષણો ઓછી મળે છે અને મળે છે ત્યારે અંદર બધું સભર કરી જાય છે. આ ક્ષણો ખુલ્લા આકાશમાં તરતાં વાદળો જેવી હોય છે. આંખ વાટે એ સીધી અંદર ઉતરી રૂંવેરૂંવે રસાઈ જાય છે. આ પળો એવી છે કે આખા ઓરડામાં, ઘરમાં માત્ર વાતાવરણનો રવ ગૂંજતો હોય. અંદરથી કોઈ ઝીણો અવાજ સંભળાતો હોય કે ન પણ સંભળાતો હોય. પોતાની જગ્યાએ બેઠા હોઈએ પણ પંડની નાવ લઈને દરિયો ખેડવા નીકળી પડ્યા હોઈએ એવો અનુભવ કહી શકાય. આવી સમાધિસ્થ અવસ્થા બધાના નસીબમાં નથી હોતી. આવી ઝંખના પણ બધાંની નથી હોતી. એકાંતથી ડરનારા લોકો કદાચ વધારે હોય છે. જેને પોતાની જાત સાથે રહેવાની આદત ન હોય એને એકાંત ન ફાવે. એને જીવવા માટે આસપાસ જગત જોઈએ જ.

એકાંત અને એકલતાને લોકો સેળભેળ પણ કરી મૂકે છે. બંને વચ્ચે આસમાન જમીનનો ફરક છે. એક સુખથી છલકાતું અને બીજું પરેશાન કરી મૂકતું. અલબત્ત આ મનની જ અવસ્થા છે. બહારની પરિસ્થિતી મહદ અંશે સરખી છે. આ સમયને ઉજવી શકાય તો એકાંત નહીંતર એકલતા. જેને જાત સાથે રહેવું ગમે છે, હવાની હળવી સરસરાહટ જેનામાં રોમાંચ જગાવે છે, એને માટે એકાંત અનન્ય છે.  

મને ‘એકાંત’ શબ્દ જ બહુ સુંદર લાગે છે. એનો રવ બહુ ગમે છે.  કવિ કહે છે આ એવી ક્ષણો છે જ્યારે ચારેબાજુનો ઘોંઘાટ શમી ગયો હોય છે. મન શાંત થઈ ગયું હોય છે. આ સમય એવો છે કે મનના દરિયામાં શબ્દો ઉછળતા હોય અને એ પંડના પડોને એક પછી એક ખોલતા જતાં હોય. સ્વની સાથે સંવાદ સાધવાની શરૂઆત આ ક્ષણોમાં થાય છે. અંદરના ફૂલ અને કાંટા બંને મનને સ્પર્શે છે. ભાવના દરિયા ઉછળે છે. શબ્દોની સરિતા વહેવાની શરૂ થાય છે અને એમાં ક્યાંક ગોપાઈને બેઠેલી કે નવી જન્મતી એકાદ પંક્તિ પરીની જેમ રૂમઝૂમ કરતી ઉતરી આવે છે. 

અત્યંત સુંદર છે આ સમાધિની અવસ્થા. પોતે જન્મ આપેલા શિશુના ચહેરા સમ એ નવજાત પંક્તિ તનમનને ઝંકૃત કરી જાય છે. હા, આ સર્જનનો આનંદ છે. જે માણી શકે એ જ જાણે. એ જ એકાંતને ઝંખે. ઈશ્વરીય પ્રસાદ જેવું એ શબ્દઝૂમખું, એ આહલાદ લઈને આવ્યું હોય કે અવસાદ, ખભા પર રંગીન પતંગિયાની જેમ બેસતું હોય છે, હળવે હળવે.. એને સંભાળવાનું હોય છે, પસવારવાનું હોય છે પણ હળવે હળવે… ધીરે રહીને એ પાંખો ખોલે છે, આંખો ખોલે છે, એની અપ્રતિમ સુંદરતા નજાકતથી વેરે છે, હળવે હળવે… જગ જાણે કે ન જાણે, એ મનની અંદર અનોખા મેઘધનુષ રચી જાય છે !     

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: