Posted by: readsetu | જુલાઇ 17, 2015

વૉટ્સ અપ ?

વૉટ્સ અપ ? – લતા હિરાણી

અખંડ આનંદ July 2015                                                                                        

શિર્ષક વાંચીને તમને એમ થશે કે ચાલો, વૉટ્સ એપ શબ્દો લખવામાં ભૂલ થઇ છે. વાત અહીં કંઇક એવી જ કરવાની છે. એમાં ભૂલ શું છે, ક્યાં છે, કેટલી છે એ શોધવાનું કામ તમારું. મારી ભૂલ હશે તો કાન પકડીશ પણ તમારી ભૂલ સમજાય તો કાન તમારો…..

આપણે વાત કરીએ વ્હોટ્સ એપની.. ટેકનોલોજીનો જમાનો છે. ઇમેઇલ તો હવે જૂની વાત થઇ ગઇ. ફેસબુક, ટ્વીટર, વૉટ્સ એપ જેવા અનેક સંદેશાવાહકો દુનિયાને કેટલી નાની બનાવી દે છે !! નાની અહીં નજીકતાના અર્થમાં છે. આ બધાથી લોકો વચ્ચે સંવાદ વધ્યા છે. જ્યાં એકબીજા સાથે વાતો કરવામાં ક્યારેક મહિનાઓ, વર્ષો વીતી જતાં ત્યાં હવે વૉટ્સ એપ પર એક ગ્રૂપ બનાવી દો એટલે રોજેરોજના સંપર્ક શરુ. કોઇ સાયલંટ રહેતું હોય, સક્રિય રહેતું ન હોય તોય એને બધાના સમાચાર તો મળતા જ રહે.. અલબત્ત મુદ્દો આ નથી. સંપર્કમાં રહેવાય એ સારી જ વાત છે. લોકો વૉટ્સ એપની નિંદા કરે, એને વ્યસન ગણે પણ હું તો માનું છું કે આ માણસની સામાજિક ભૂખ છે. વ્યક્તિગત મળવું, પત્રો લખવા, ફોનથી વાત કરવી એ ચોક્કસ વધારે અંતરંગ છે પણ જ્યાં એ શક્ય ન હોય ત્યાં આ રસ્તોય મજાનો છે. હા, બાજુમાં મમ્મી બેઠી હોય અને એની સાથે વાત કરવાને બદલે આંખો ટીવીમાં કે આંગળીઓ વૉટ્સ એપમાં વળગેલી રહે તો એ ખોટું કહેવાય ખરું !! પણ આ બધી ખોટા-ખરાની પળોજણ છેલ્લે કરીએ કે કદાચ કરવી જ નહીં પડે એવું બને !

આપણે પહેલાં વૉટ્સ એપને પકડીએ. લોકો કેમ વૉટ્સ એપને પસંદ કરે છે એ તો ઉપરની વાતમાં વણાઇ ગયું. હવે એનું બીજું પાસું લઇએ. અમુક લોકો શા માટે વૉટ્સ એપથી ભાગે છે કે એની ટીકા કરે છે ?

વોટ્સ એપ પર ગ્રુપ બનાવવાનું ખૂબ ફાયદાકારક છે. એક સમાચાર, એક માહિતી આખા ગ્રુપને પહોંચી જાય છે. જે વ્યક્તિગત રીતે કદાચ શક્ય ન બને કે અઘરું પડે. ખૂબ સમય જાય પરંતુ વોટ્સ એપ પર એકબીજાના ખબર અંતર સિવાય બીજું શું શું આવે છે ? કદાચ તમે મારી સાથે સહમત થશો કે ગ્રૂપ મેસેજમાં 70 થી 75 % (કે કદાચ વધુ) ફોરવર્ડેડ મેસેજ હોય છે. એમાં કોઇ કામની માહિતી હોય તો એય સરસ પણ મોટેભાગે સુવાક્યો, ટુચકાઓ, પ્રસંગો, ફની વિડિયો અને પોઝીટીવ મેસેજ. આ પોઝીટીવ શબ્દ માટે વળી નવી રામાયણ લખવી પડે એમ છે. પોઝીટીવ થિંકિંગનો એટલો પ્રચાર વધ્યો છે કે લોકો આડેધડ એ શબ્દો વાપરે છે અને પૂરેપૂરી નેગેટીવીટીથી. એ એટલા માટે કે કોઇને પોતાની સામે જોવાની ફૂરસદ નથી. છાપાંઓમાં છલકાતા સાહિત્યના વાંચનથી સામેની વ્યક્તિની વાતમાંથી નેગેટીવીટી પકડી પાડતાં એને સરસ આવડી ગયું છે. એકવાર તો વિચારો કે જો જીવનમાં પોઝીટીવીટી એટલી સહેલી હોય તો આખી દુનિયાના બધા જ પ્રોબ્લેમ્સ સોલ્વ થઇ જાય ! ક્યાંય કોઇ કલેશ જ ન રહે… એ સહેલું પણ નથી અને શક્ય પણ નથી. માણસ માત્ર ગુણો અને અવગુણોનો સરવાળો છે. રાગ, દ્વેષ, મોહ, માયા, ઇચ્છા, અપેક્ષા આ બધું દૂર કરવું એટલે સંત કક્ષાએ પહોંચવું.

મારી વાત હવે સુવાક્યો પર લાવું. તમારી આંખો મોટી અને લાલ ન કરશો. હું કંઇ સુવાક્યોની વિરોધી નથી. સુવાક્યોનો હેતુ લોકોને એક ઉર્ધ્વ દિશા તરફ દોરવાનો પ્રેરણા આપવાનો છે. કેટલી સરસ વાત છે પણ આપણે શાંતિથી સુવાક્યો પર નજર કરીએ તો ખ્યાલ આવે જ કે આ ઉચ્ચ દિશા તરફ દોરનાર ખરા પણ વાસ્તવિક જીવનમાં આ બધું એટલું શક્ય છે ? મને સુવાક્યો ગમે છે કેમ કે એનાથી એક દિશા, એક ધ્યેય નજર સામે રહે છે. ત્યાં સુધી ભલે પહોંચાય નહીં પણ એ તરફ નજર રહે તોય જીવનમાં કંઇક સુધારો લાવી શકાય. આમ જોવા જઇએ તો બધા સુવાક્યોમાં કહેવાતી વાત કોઇનાથી અજાણ નથી હોતી. ગુણ શું છે અને અવગુણ શું છે, આપણે બધા જાણતા જ હોઇએ છીએ. સારા માણસ બનવાની સૌને ખબર હોય છે માત્ર એનું આચરણ અઘરું હોય છે. સુવાક્યોમાં જે બહુ ગમી જાય છે એમાં ઘણીવાર શબ્દોની રમત, પ્રાસની ગોઠવણી સરસ રીતે હોય છે.

હવે આગળની વાત. હેતુ સારો છે એટલે એ ચોક્કસ સારું પણ વિચારો, કોઇ તમને રોજેરોજ સવાર, બપોર, સાંજ શ્રીખંડ પીરસ્યા કરે તો !! એનો અભાવ ન થઇ જાય !! ઉબકાયે આવી શકે !! અને અહીં તો પાછા પીરસનારાયે એક નહીં, અનેક !! બધા લોકો સુવાક્યો, ગૂડ મોર્નિંગ મેસેજ કદાચ એમ માનીને જ મોકલતા હશે કે એના ગ્રૂપમાં એ એક જ મોકલનાર છે અને બાકી બધા વાચક !! કે પછી સારામાં સારું કલેકશન એની પાસે જ છે એ દેખાડવાની વૃત્તિ ! જે હોય તે પણ પરિણામ એ આવે છે કે આવા સુવાક્યો માત્ર શોપીસ જેવા થઇને રહે છે. સાચું કહું તો મને લોકો રોજ ફરજીયાત ઢગલાબંધ સુવાક્યો વંચાવે એ હું જરાય ન ચલાવી લઉં.

મોટાભાગના લોકો એકથી વધુ ગ્રૂપમાં જોડાયેલા હોય છે. આ જોડાવુંયે એના હાથની વાત નથી હોતી. ગ્રૂપ બનાવનાર પોતાની ઇચ્છા મુજબ સૌને મેમ્બર બનાવી લે છે. પછી વરસે સુવાક્યો, જોક્સ, માહિતી, વિડિયોક્લીપ્સ અને ફોટાઓની ધોધમાર વર્ષા !! આ બધું જોવા રહીએ તો કેટલો ટાઇમ જાય આની પાછળ ! તમે ફ્રી હો, કંઇ ખાસ પ્રવૃતિ ન હોય તો આ સરસ ટાઇમ પાસ છે પણ જો તમે વ્યસ્ત હો તો આની પાછળ કેટલો ટાઇમ ફાળવવો, એનો વિચાર કરવો જ પડે !! મારો કહેવાનો મુદ્દો એ છે કે અરસપરસ સંપર્કમાં રહેવું, એકબીજાના સમાચાર જાણવા એ મજાનું છે પણ બધા જ પોતાનું (પોતાને ફોરવર્ડ થઇને મળેલું) જ્ઞાન (!!) ઠાલવવા મથ્યા કરે તો વાંચવાવાળાઓનો કંઇ વિચાર કરવાનો કે નહીં ? લોકોને પોતાને ગમેલા મેસેજ ફટાફટ ફોરવર્ડ કરી દેવાની એટલી ઉતાવળ હોય છે કે ન પૂછો વાત !! મેટર શું છે એ જાણવા, સમજવા કે વિચારવાનો કોઇની પાસે ક્યાં ટાઇમ છે. બસ મને મળ્યું અને હું તમારા બધા પર ઢૉળી દઉં એ મેંટાલીટી વ્યાપક બની ગઇ છે !! વાંચનારની તો વાટ લાગી જાય !! તમે કહેશો, ભઇ ન વાંચો. એ ક્યાં ફરજીયાત છે ? એય ખરું. સ્ક્રીન પર ખોલબંધ કરી દીધું એટલે વાત પૂરી પણ આટલેથી નથી અટકતું. ઢગલાબંધ ફોટા ને વિડિયોનું શું કરવું. જુઓ કે ન જુઓ તોય સેવ તો થઇ જ જાય. પછી ? સાંજ પડે ડિલિટ કરવા બેસવું ? એના ટાઇમની કેમ ગણતરી કરવી ? આ જ કારણ છે કે ઘણા લોકો વૉટ્સ એપ ટાળે છે.

ભગવદગીતામાં એક અતિ ઉત્તમ અને મારો પ્રિય શબ્દ છે ‘વિવેક’. આવા કમ્યુનિકેશન માધ્યમમાં વિવેકનું સદાય અને સતત ઉલ્લંઘન થયા કરે છે. માત્ર જે ઉછીનું મળે એ ઝટ ઠાલવી દેવાની વૃત્તિ બનતી જાય છે. આમાં વાંચનારની વાત જવા દઇએ તો પણ મોકલનારના મનમાં જાણે-અજાણે હરિફાઇ, બીજા કરતાં પહેલાં પહોંચવાની વૃત્તિ અને એમ આડકતરી રીતે દંભ વધતાં જાય છે. સુવાક્યોનો અર્થ મરતો જાય છે. આ કેટલે અંશે યોગ્ય છે ?

મહાન સંતોના જીવનચરિત્રો વાંચશો તો એ તરત સમજાશે કે એ પોતે અગાધ જ્ઞાનના ભંડાર હોવા છતાં સામેથી કદી કોઇને ઉપદેશ દેવા નહોતા જતા. કોઇ એમની પાસે આવે અને એ યોગ્ય પાત્ર જણાય તો એને એની લાયકાત અને સમજણ પ્રમાણે જ ઉપદેશ દેતા. કેમ કે અપાત્રને દેવાયેલ ઉપદેશની નિરર્થકતા એ બરાબર સમજતા.. એટલે જ તો એ સંત હતા. આપણે તો બધા જ વોટ્સ એપ ઉપદેશકો બની ગયા છીએ.

આવી જ વાત શાયરીઓની. એક પ્રેમિકાનો પોતાનો અનુભવ તમને કહું. એ પ્રેમિકાને એનો પ્રેમી હંમેશા શાયરીઓથી કે એ પ્રકારના ‘તૈયાર’ વાક્યોથી જ મેસેજ મોકલે. વૉટ્સ એપ પર સતત આ ભાષામાં જ એની લાગણીઓ હૃદયદ્રાવક રીતે રજૂ થતી રહે. આ બધું અપીલીંગ હોય છે. મનને ભાવસભર કરી દે એવું હોય છે એમાં જરાય ના નહીં. શરુઆતમાં તો આ ખૂબ સારું લાગે !! દિલના તાર ઝણઝણાવી દે એવી મજાની વાત, સરસ મજાના પ્રેમથી છલકાતા વાક્યો, શાયરીઓ, ફિલ્મી ગીતોની પંક્તિઓ… પ્રેમિકાનું મન કાં તો શાબ્દિક મિલનની પ્રસન્નતાના સાગરમાં ડૂબી જાય અથવા વિરહની પીડાના… મેસેજની રાહ જોવામાં પ્રેમિકા જાણે મોબાઇલ ગળે વળગાડીને જ ફરે..

એક તબક્કા સુધી આ રીત બહુ મધુરી લાગી પણ પછી એના મનમાં જરા ખૂંચવા માંડ્યુ. કેમ કે શાયરી કે ફિલ્મી ગીતની પંક્તિઓ કે એ પ્રકારના વાક્યોમાં શબ્દોના સાથિયા અને એક્સ્ટ્રીમીટી – આત્યંક્તિક્તા હોય. એમાં જે પણ ભાવ રજૂ થાય એ એના ‘અતિ’ સ્વરૂપમાં હોય. હકીકત એ છે કે જ્યારે રજૂઆતમાં ‘અતિ’ ઉમેરાય ત્યારે જ વાચકના મનમાંથી ‘વાહ’ કે ‘આહ’ ઉપજે.. માનવીની સંવેદનાઓ જગાડવા માટે કે જાગતી રાખવા માટે એ જરૂરી ખરું પણ ‘અતિ સર્વત્ર વર્જયેત્’. બનતું એવું કે પ્રેમિકાની સામાન્ય વાત કે નાની શી ફરિયાદના જવાબમાં યે રોમિયોના શાયરાના અંદાજમાં પંક્તિઓ પીરસાય !! એ વાસ્તવિકતા નથી હોતી. સંબંધની શરુઆતમાં કે  ક્યારેક એ મૂડ ચોક્કસ ગમે પણ રોજની જિંદગીમાં રોજની ભાષામાં પણ વાત કરવી પડે.. અને એ સાવ ન થાય તો પેલી બધી આકાશી કલ્પનાઓનો અભાવ થઇ જાય. આ પ્રેમિકાની બાબતમાં પણ આવું જ બન્યું. એ થાકી ગઇ, ત્રાસી ગઇ.. ‘તારો ફોન કેમ નથી ?’ એના જવાબમાં શાયરી અને ‘તેં મારી સાથે આમ કેમ કર્યું ?’ એવી ફરિયાદના જવાબમાંયે શાયરી !! ‘મને સીધો જવાબ આપ.’ કહી કહીને એ થાકી ગઇ.. આખરે એણે વાત કરવાનું, જવાબ આપવાનું બંધ કર્યું. સંબંધને લૂણો લાગી ગયો..

મિત્રો, આ કોપી-પેસ્ટની કમાલ, આ ફોરવર્ડ કરવાના મોહની કમાલ, વૉટ્સ એપની કમાલ !! વાત ચાહે સુવાક્યોની હોય કે શાયરીઓની, મિષ્ટાન્ન ક્યારેક સારું લાગે. રોજ તો રોટલી શાક જ જોઇએ એટલું ન ભૂલીએ. જરૂરી છે કે આ માધ્યમો આપણને અંગત રીતે જીવવા દે અને સહુની સાથે જોડેલા રાખે. આપણને સંવાદ આપે, સમયનો બગાડ નહીં. આજે કામકાજની દુનિયા કેટલી વિસ્તરી છે. સમયનો અભાવ સૌને નડે છે. એવામાં આવી સેવાનો જો યોગ્ય વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો એના જેવું ઉત્તમ બીજું શું ? એકબીજાને કામના સમાચાર પહોંચાડવા વૉટ્સ એપ ખૂબ ઉપયોગી છે. તમે તેનો કેવો અને કેટલો ઉપયોગ કરો છો તેની ઉપર નિર્ભર છે. કોઇપણ કામના સંદર્ભમાં ’વિવેક’ શબ્દ યાદ રાખવો અને સમજવો જરૂરી છે એમ નથી લાગતું. આટલું સમજાય તો વૉટ્સ એપ ટાળવાની કોઇ જરૂર નથી. ચોક્કસ ઉપયોગ કરી શકાય અને જો ‘વિવેક’ ચૂક્યા તો ઇમેઇલ તો શું, પત્ર પણ ત્રાસ કરી શકે !!

…………….

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: