Posted by: readsetu | જુલાઇ 17, 2015

Kavyasetu – Mala Kapadiya

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 14 જુલાઇ 2015

 

કાવ્યસેતુ 194  લતા હિરાણી

 

રોજ સવારે

મારી બારીમાંથી આવી જાય છે

એક આકાશનો ટુકડો

સોનેરી તડકો લઇ

તો વળી ક્યારેક

એના આસમાની તરંગોમાં

તરતાં વાદળોમાં

હું ખોવાઇ જાઉં છું બની મત્સ્યકન્યા !

આ રમત થોડા દિવસ ચાલતી રહી.

પછી મને થયું,

મારી બારી થોડી મોટી હોય તો ?

અને હું ખેસવતી ગઇ રોજ

એક એક ઇંટ

વિસ્તરતી ગઇ મારી બારી

પ્રસ્તરતું ગયું મારું આકાશ

અને

મને ખબર જ ન રહી

કે ક્યારે

આકાશ સમાઇ ગયું બારીમાંથી

મારા ઘરમાં

અને હું

ફેલાઇ ગઇ

અવકાશમાં !!! …….. માલા કાપડિયા

નાનકડા બુંદમાંથી બાદલ બનવાની તડપ, અસ્તિત્વને અવકાશી ઉડાન આપવાની ઉત્કંઠા અહીં પાણીના રેલાની જેમ એટલી સરળતાથી વ્યક્ત થઈ છે કે એની સાથે ભાવક પણ વહી જાય ! પ્રગતિ કે મુક્તિના કોઈ ધખારા, નારા અહીં જરાય નથી વર્તાતા. એક પંખી જેટલી સહજતાથી ઊડે એટલી સહજતાથી કવિની આંખોનું સપનું ઊડયું છે. આ કાવ્યમાંની સરળતા મારા મનને બહુ સ્પર્શી ગઈ છે.

 જુઓ, સવાર પડે છે ને બારીમાંથી આકાશનો ટુકડો એના સોનેરી તડકા સાથે ઓરડામાં પથરાય છે. આ આકાશી ક્રિયા જેટલી સ્વાભાવિક છે એટલી જ સ્વાભાવિક એની વધામણી છે. નાયિકાની રાત પ્રતીક્ષાથી ભરેલી નથી. રાતની સમાપ્તિનીય કોઈ અધીરાઇ નથી. સહજતાથી રોજ એ જેમ પૂરી થાય છે એમ જ સવાર ઊઘડે છે. નાયિકા એના તરતા મન સાથે ક્યારેક વાદળોમાં મત્સ્યકન્યા બની તરીય લે છે.

 આંખમાં સપનું ઊગે છે અને એમાં આકાશ રોપાઈ જાય છે, તડકાનો ગરમાવો રેડાઈ જાય છે, આવી સરસ મજાની વાતને આરામથી કવિ રમત કહી દે છે ! આંખોમાં અંજાયેલો આ ભાવ હજુ કોળે છે, મારી બારી થોડી મોટી હોય તો ?’ કેટલા નમણા સંકેતથી વિકસવાની, વિસ્તરવાની વાત વણી લીધી ! હળવાશથી બે કદમ આગળ વધ્યા. એક એક ઈંટ ખેસવવાની ક્રિયા પણ આમ જ થઈ. કોઈ જ ઉતાવળ નથી. અખૂટ ધીરજ અને વિશ્વાસ મનમાં ભર્યો છે.

બારી વિસ્તરતી જાય છે, મનના સાંકડા ખૂણાઓ ખૂલતાં જાય છે, એમાં વિશાળતા પ્રવેશતી જાય છે. બારીનો વિસ્તાર આખા આકાશને હળવે હળવે અંદર અંદર પ્રસરાવી દે છે, ઓરડાની દિવાલો જડતા ગુમાવી હૂંફાળા અજવાસથી ઉભરાઇ જાય છે, સ્વમાં ક્યારે સર્વનો પ્રવેશ થઈ ગયો, ખબર જ નથી રહેતી !

આ જ કવિનું સાવ જુદા જ ભાવનું બીજું એક અસરકારક અભિવ્યક્તિ ધરાવતું કાવ્ય..

 મને મારો જ ડર લાગે
એટલી બધી શૂન્યતા
શા માટે ફેલાઇ હશે અવકાશમાં?

ઉદાસ શિર ઢાળી શકાય કોઇના ખભા ઉપર
એવો એક સંબંધ પણ નથી ?

અને આથી જ
એકલવાયી સાંજે અરીસામાં
મારા જ ખભા પર માથું ઢાળી

હું રડી લઉં છું. માલા કાપડિયા    

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: