Posted by: readsetu | જુલાઇ 17, 2015

Kavyasetu – Rakesh Hansaliya

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 7 જુલાઇ 2015

 

કાવ્યસેતુ 193  લતા હિરાણી 

 

થેલીનું કેવું રૂપાંતર થાય છે,

ચોપડી ભરવાથી દફતર થાય છે !

એક પડછાયો અહીં બેઠો રહ્યો

બાંકડાને આજ કળતર થાય છે !

શીખવા મળતું નથી સંસારમાં

માના ખોળામાં જે ભણતર થાય છે !

એક તાકાના જ છે સંતાન પણ

એક ખાપણ, એક ચાદર થાય છે !

અર્થ ત્યારે રાખ હોવાનો સરે

ક્યારીમાં નાખો તો ખાતર થાય છે

ખપ પડે છે વ્હાલના તોરણનો પણ

માત્ર વખરીથી જ ક્યાં ઘર થાય છે ? …… રાકેશ હાંસલિયા

 

પહેલો શેર વાંચતાં લાગ્યું કે બાળક કે શિક્ષણ પરની ગઝલ છે. પછી એની છાયામાં ગઝલના શેર એક પછી એક ખુલતા ગયા. વાત હકારાત્મક છે. એક શિક્ષક લખી શકે અને અનુભવી શકે એવી ભાત અહીં સરસ રંગો સાથે ઊઘડે છે. શાળામાં ભણતા બાળકોને જોઈને જ સૂઝી હશે આવી ગઝલ કવિને !

 

ગામડામાં થેલીના કેવા વિવિધ પ્રયોગો ! શાક લાવી શકાય, કરિયાણું લાવી શકાય અને બાળક એને જરા ખંખેરી, એમાં ચોપડીઓ ભરી દે તો એ દફતર પણ બની જાય ! નાના ગામડાંની નાની નિશાળ, યુનિફોર્મ જેવા દફતરો એ ગરીબ બાળકોને ક્યાંથી પોષાય ? હાથમાં આવ્યું એ હથિયાર ! જેને ભણવું છે એને નખરાં પોષાય નહીં. એનું ધ્યાન એકલવ્યની જેમ નિશાન પર, એના ધ્યેય પર ! બાકી પડછાયાની જેમ ક્લાસમાં જઈને બેસી રહેનાર માટે બાંકડો પણ કંટાળે, અકળાય. દિલ દઈને ભણનાર સાથે જડ બાંકડોય જીવંત બની જતો હશે એમાં ના નહીં. સામાન્ય સરકારી શાળાઓમાં ભણતાં બાળકોની તેજસ્વીતાના મને અનેકવાર દર્શન થયાં છે. કોઈ જાતની સગવડ વગર થોડાં ટાંચા સાધનો સાથે ભણતા બાળકો એની અંદરની ચેતનાથી તમામ મુશ્કેલીઓ પાર કરીને આગળ વધતાં હોય છે ! એમને સલામ કરવી પડે !

 

સાચી વાત છે, માતાના ખોળામાં જે ભણતર થાય છે, જે કેળવણી મળે છે તે દુનિયામાં બીજે ક્યાંય નથી મળતું. બાળક માટે એની માતા એ આદર્શ શાળા છે. એટલે જ આજે પેરન્ટિંગનો મહિમા વધ્યો છે. બાળક માટે અનરાધાર સ્નેહ વરસાવતી માતા એની કેળવણી અને ઘડતર માટે થોડી વધુ જાગૃત હોય તો આ પૃથ્વી પર સ્વર્ગ રચાઇ જાય. તમામ નકારાત્મકતા દૂર થઈ જાય કેમ કે બાળક મોટું થઈને સમાજને એ જ આપે છે જે બાળપણમાં એનામાં રેડાયું છે.

 

એક જ કુટુંબ, એક જ શાળા, એક સરખી વ્યવસ્થા પણ રસ્તા જુદા પકડાય અને મંઝીલ બદલાઈ જાય છે. એ જ માટી, એ જ નીંભાડો અને એ જ કુંભાર પણ હાથનો સ્પર્શ જુદા જુદા આકારો સર્જી દે છે. જુઓને, કક્કો, બારાખડી અને શબ્દભંડોળ એ જ હોવા છતાં અલગ અલગ ભાવ કેવી અનોખી કૃતિઓ સર્જાવે છે ! હવાનો પાલવ રાખને વંટોળ બનાવી દે અને ધરતીનો ખોળો એને ખાતર બનાવી દે…

 

સળંગ ભાવસૂત્રમાં જરા ચીલો ચાતરતો છેલ્લો શેર સ્વતંત્ર રીતે સરસ થયો છે.

ખપ પડે છે વ્હાલના તોરણનો પણ

માત્ર વખરીથી જ ક્યાં ઘર થાય છે ?

ઘર બનાવવા માટે વ્હાલના વાવેતર જોઈએ, સ્નેહની સુવાસ જોઈએ. મહિમા ભાવનો છે, ભાવના સ્પર્શનો છે… ઘરવખરી ન હોય તો પણ ચાલે ! માત્ર સામાન ક્યાં કોને કામ આવ્યો છે ? મને આ પંક્તિઓ યાદ આવે છે,

આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે

બારણાં બોલે પધારો, ઘર મને એવું ગમે….

 કવિ રાકેશ હાંસલિયાના બીજા સરસ મજાનાં શેર    

ક્યાં બધે દિલથી જીવાતું હોય છે, એટલે કાયમ થકાતું હોય છે !

સૌ ફરે છે આમ તો દેશાવરો, તોય ઘરને ક્યાં વટાતું હોય છે !

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: