Posted by: readsetu | જુલાઇ 28, 2015

Kavyasetu 196 Aziz Tankarvi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 28 જુલાઇ 2015

કાવ્યસેતુ 196   લતા હિરાણી 

રિટાયર થવાનો સમય થઈ ગયો

બરાબર થવાનો સમય થઈ ગયો

શરીરે સુવાસો લગાવી ઘણી

ખુદ અત્તર થવાનો સમય થઈ ગયો

તમે છો ને ઈશ્વર હતા જગ મહીં

લ્યો પથ્થર થવાનો સમય થઈ ગયો

હજી સત્ય પર આવરણ ક્યાં લગી ?

ઉજાગર થવાનો સમય થઈ ગયો

હવે બાંધ બિસ્તર જવાનું છે દૂર

મુસાફર થવાનો સમય થઈ ગયો

રમી લીધું ઘર-ઘર રમતમાં ઘણું

હવે ઘર જવાનો સમય થઈ ગયો……… અઝીઝ ટંકારવી

બહુ હળવાશથી નિરૂપાયેલી આ ગઝલ ભાવકના મનમાં ભારઝલ્લી ક્ષણોનો દરિયો છલકાવી દે, અટકળોના બધા જ અનુસંધાનો ફગાવી દે અને ચિંતનના ઝરણા પ્રગટાવી દે એવું બને.   

શરીર અને મન બંને ટાયર્ડ થઈ જાય ત્યારે રિટાયર થવાની ઘટના હાશ જગાવી શકે પણ અનેક વ્યક્તિત્વો એવાં હોય છે કે જેમના મનની ધરતી પર સમય ચાસ પાડી શકતો નથી. આવા લોકો વિચાર અને આચારની સમાન ધરી પર સમતાથી જીવ્યે જતાં હોય. જો કે આ અપવાદો કહેવાય ! અને એમના માટે તો કદાચ આખું જીવન અત્તર જેવું કે મીણબત્તી જેવું હોય. સુગંધ કે પ્રકાશ આપવા સિવાય એ બીજું કશું વિચારી ન શકે ! 

વાત સામાન્ય માણસની છે, જેને બરાબર જીવતાં આવડે ત્યાં સમય પૂરો થવા આવે. સામાન ગોઠવાઇ રહે ત્યાં ગાડી છૂટી જાય. જીવનભર પોતાના માટે સુગંધો એકઠી કર્યા રાખી. હવે શું ? એવું ય નથી કે સમજણનો અભાવ છે. બસ આચરવાનો વખત ન મળ્યો. આજ સુધી શ્વાસનો પ્રવાસ ચાલી રહ્યો છે પણ ન જાણે કઈ પળે કબર ચણાઈ જાય ! પણ કવિનો સૂર નિરાશાનો નથી. કહે છે, ચુકાઈ ગયું તો ચુકાઈ ગયું. અફસોસ કરવાને બદલે હજુ જેટલી ક્ષણો બચી છે એમાં અત્તર થઈને જીવી જવાય તો ભયો ભયો…

કેટલી આત્મવંચના કરી ? કેટલા સ્વાર્થ, કેટલા દ્વેષ ? જગતનું જે થવાનું હોય તે થાય, આપણે તો બસ જાત માટે ઉજાગરા કરતાં રહ્યા, આવું ક્યાં સુધી ? હવે અંધારા છોડીએ અને ઉજાગર થઈએ. સૂરજ આથમવા આવ્યો. એ કાલે સવારે ફરી ઊગશે પણ આપણે આથમ્યા પછી આ સ્વરૂપે નથી જ ઉગવાના.. ના તો એક ઘડી પણ વધારે મળવાની. આંખો ખોલીએ, સત્ય શોધીએ અને સત્યનો સ્પર્શ સહુને આપીએ.

જીવનની ગાડી એના છેલ્લા સ્ટેશને પહોંચવા આવી છે. બહારના વિસ્તારો વીંટી લઈએ. પાથરેલા પથારા સમેટીએ. એક નવી મુસાફરી શરૂ થવામાં છે. કેટલું રમ્યા ? ‘ઘર ઘરની રમત’ શબ્દ કેવો મીઠો લાગતો ! એટલે જ કદાચ એની માયા છૂટી જ નહી. એ આપણે રમતા જ રહ્યા, બાળપણમાં જ નહીં, મોટપણમાંય ન છોડયું !  સમજણની મૂડી હવે સાંપડી છે કે સાચું ઘર ક્યાંક છે અને ત્યાં ચૂક્યા વગર પહોંચવાનું છે… માયા લાગેલી રહેશે તો પણ અને એ છોડી શકીશું તો પણ. જેટલા વળગણો વળગેલા રહેશે એટલો પ્રવાસ આકરો ને અઘરો રહેશે.. પસંદ આપણી છે, હળવાશ કે ભાર ! મને યાદ આવે છે આ પંક્તિઓ, ‘જાગ મુસાફિર ભોર ભઇ, અબ રેન કહા જો સોવત હૈ…. ’

 

ચિંતનથી ભર્યા ભર્યા કવિ અઝીઝ ટંકારવીના આ શેર પણ માણવા જેવા છે…

 

ઇચ્છાતણું આ લીસ્ટ તો લાંબુલચાક

ને આપણું લલાટ જો કોરુંકટાક ….

દર્પણે મલકી પૂછ્યું કે ‘કેમ છે ?

કોણ છે તું ? ને આ શાનો વ્હેમ છે ?’….

કેમ આવ્યા’તા ‘અઝીઝ’ દુનિયા મહીં

વાત છેલ્લે પળ સુધી વિસરાઈ ગઈ..

કઈ પેરે સાચવશું એને ?

જળ જેવો જન્મારો હો જી…

 

 

 

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: