Posted by: readsetu | ઓગસ્ટ 25, 2015

Kavyasetu Zaverchand Meghani

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 18 ઓગસ્ટ 2015

કાવ્યસેતુ  200  લતા હિરાણી

 

મારી મેંદીનો રંગ ઊડી જાય રે,
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

મારો કંકુનો ચાંદલો ચોળાય રે,

સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

મારી વેણી લાખેણી કરમાય રે,

સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !
મારાં કાજળ નેણેથી ઝરી જાય રે,

સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

મારી ચૂડી અણમોલી તરડાય રે,

સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !
મારે સેંથેથી હીંગળો રેળાય રે,
મારી પાની સુંવાળી બળી જાય રે,

સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !
મારા કેમે નો પંથે પૂરા થાય રે,

સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !
જેને શોધું તે દૂર સરી જાય રે,

સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !…………ઝવેરચંદ મેઘાણી

 

સપ્ટેમ્બર 2011થી શરૂ થયેલી કાવ્યસેતુની યાત્રાનો આજે 200મો પડાવ છે. એની અત્યંત ખુશી અનુભવું છું. એક પ્રચંડ ફેલાવો ધરાવતું દૈનિક દિવ્ય ભાસ્કર, જે આજે પોઝીટીવ મીડિયામાં પહેલ કરનારું સર્વ પ્રથમ અખબાર બની રહ્યું છે, જેના આ પગલાંને અદભૂત આવકાર મળ્યો છે અને એની રાષ્ટ્રવ્યાપી નોંધ લેવામાં આવી છે, આવા અખબાર સાથે મને જોડાવાને જે તક મળી છે એ બદલ મારો આનંદ વ્યક્ત કરું છુ અને અત્યંત આભારની લાગણી અનુભવું છું.

આવા સમયે કયા કવિને કે કવયિત્રીને યાદ કરું ? મારા મનમાં ઝળકે છે, ઓગસ્ટ માસમાં જેમનો જન્મદિવસ આવે છે એવા  આપણાં મશહૂર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. અલબત્ત આ કોલમમાં અગાઉ પણ એમના ગીત વિશે લખી ચૂકી છું, પણ મારું આજનું પગલું ખાસ એમના ચરણોમાં વંદન સહ…

લોકસાહિત્ય સમેતના ગુજરાતી સાહિત્યનો ધરખમ પડાવ એટલે ઝવેરચંદ મેઘાણી. મેઘાણીએ દરિયો ભરીને લખ્યું છે. એ જીવ્યા ત્યાં લગી, પોતાનું સર્જનાત્મક સાહિત્ય અને લોકસાહિત્યનો સૂરજ એમણે ચોવીસે કલાક અને ત્રણસો પાંસઠેય દિવસ તપતો રાખ્યો છે. બાળસાહિત્યથી માંડીને પ્રૌઢ સાહિત્યથી કે નારી સંવેદના, એમણે કશુયે બાકાત નથી રાખ્યું. એમની કલમમાંથી સાહિત્યની સરવાણી કદી સુકાણી નથી.

નારી સંવેદનાને એમણે બહુ ઝીણી નજરે અને ગૌરવભર પ્રગટાવી છે. આ ગીતમાં મૂળે તો એક પ્રિયતમાને મળવા આતુર નારીની વ્યથા છે. પ્રિયતમને મળવાની એટલી ઉત્કંઠા છે કે સૂરજનો તાપ એનાથી ખમાતો નથી. હૈયું બળબળતું ખરું, જે પિયાના મિલનથી માત્ર શાંત જ નહી, ખીલી ઊઠશે પણ સૂરજનો તાપ ક્યાંક મેંદીના રંગને ઝાંખો પાડી દેશે તો ! તાપથી થતા પરસેવામાં ક્યાંક કંકુનો ચાંદલો રેલાઈ જશે તો ! કેટલા જતન ને કેટલા ઉમળકાથી લાંબા કેશમાં સજાવેલી વેણી કરમાઈ જશે તો ! કાજળભર્યા નયનના કામણ ઓસરી ન જાય એની ચિંતા પ્રેમીકાને ન થાય તો કોને થાય ? આખરે આ સાજ-શણગાર એ સાજન માટે તો કર્યા છે ! કોમલ હાથોમાં સજાવેલી રંગરંગીન ચૂડીઓ બાલમાના કાનોમાં ખનકવા થનગને છે. એના રંગોને કેમ કરીને સાચવવા ?  સેંથામાં પૂરેલું સિંદૂર માત્ર સૌભાગ્યનું જ નહી, રગેરગમાં દોડતી ખુશીનું પ્રતીક છે, નાયિકા કહે છે, ‘સૂરજદેવ, તમને મારી વિનંતી છે, તમે ધીરા તપો.. મારા મનમાં સજાવેલા મનોરથને હું જરાય એળે નહી જવા દઉં. જે મારી વાટ જોઈને બેઠો છે અને જેને મળવા અધીરી થઈને હું દોડી રહી છે, શું તમારા તાપથી મારી કોમલ પાણી બળી ન જાય ! એકબાજુ મારો રસ્તો ખૂટતો નથી ને બીજી બાજુ તમે આકરા તપયે જાવ છો. આમ તો મારો મનનો માનેલો રિસાઈ જશે… મારાથી દૂર જતો રહેશે.. આવો જુલમ ન કરશો હે જગતના દેવ, ધીમા તપો અને મારો હાથ ઝાલી, મને સાચવે-સંભાળી, મારા મિલનના પથ પર લઈ જાવ. મારે જ્યાં જવું છે ત્યાં મને મારા તમામ સાજ-શણગાર સહિત લઈ જાવ…

ગીત એકદમ સરળ છે. હૈયા સોંસરવું ઊતરી જાય એવું છે અને એ જ એની ખૂબી છે. પિયામિલન માટે આતુર એવી સ્ત્રીના મનોભાવોને લઈને કદાચ સેંકડો ગીતો, ગઝલો, અછાંદસ લખાયા હશે પણ લોકહૃદય સુધી પહોંચે છે, મધુરતાથી વર્ણવાયેલી સરળતા. રાષ્ટ્રીય શાયરનો આ કમાલ છે.. એમને સલામ.

 

 

 

 

 

 

 

Advertisements

Responses

 1. આ કાવ્યને એક જુદી દૃષ્ટિથી જોઈએ.
  આપણુ જીવન પણ અનેક મુશ્કેલીઓ, અડચણો, અવરોધો અને વિધ વિધ પ્રકારના તાપથી ભરેલું છે. દરેક જીવ આવ્યો છે શિવમાં મળી જવા અને જ્યાંસુધી જીવ=શિવ એકરુપ બનતા નથી ત્યાં સુધી એક પીડા, અજંપો, ઉદ્વેગ સતત ભિતર રહ્યા કરે છે. જીવ જેમ પ્રેમિકા તેના પ્રિયતમને મળવા તડપતી હોય અને સુર્યનો તાપ તે જીરવી શકતી નથી તેમ આપણે પણ શિવની પ્રતિક્ષામાં છીએ અને જીવનના તાપ પરેશાન કરે છે. આ પરેશાનીની ફરિયાદ રુપે કાવ્યને નવાજી જુઓ એક જુદો રસ આવશે.
  બાકી આપે જે મેઘાણી સાહેબના કાવ્યનુ રસ દર્શન કર્યું છે તે વહેવારિક અને સુંદર છે. આતો મારી આંખ કાંઈક આવું અગમનિગમ જોવા ટેવાયેલી છે. કોઈ કવિ ફુલની સુંદરતાનુ જ વર્ણન કરે અને મને એ વર્ણન મારા પ્રિયતમનુ હોય એવું લાગે.

  • શરદભાઈ, તમારો દૃષ્ટિકોણ એકદમ સાચો છે. દરેક બાબતને ઘણી રીતે જોઈ શકાય. ખાસ કરીને ભૌતિક અને આધ્યાત્મિક. મેં પૂરા ભૌતિક એંગલથી લખ્યું છે પણ એને મૂલવવાની આ રીત પણ એટલી જ ઉત્તમ છે. છાપામાં વાંચનારને કયું પસંદ પડે, ખબર નથી.
   બાકી હમણાં વેદનું વાંચન ચાલે છે. એટલે દરેક બાબતને આધ્યાત્મિક એંગલ સાથે જોવાના અનેક ઉદાહરણો નજર સામે આવ્યા કરે છે.
   રસ લઈને વાંચો છો એ ગમે છે.

 2. ૨૦૦ કાવ્યોના રસદર્શનની સિદ્ધિ માટે ધન્યવાદ! કાવ્યની પસંદગી પણ દાદ માંગી લે તેવી હોય છ. ક્યારેક સમયના અભાવે નથી વંચાતા ત્યારે અફસોસ થાય છે.

  • રેખા, ગમ્યો તારો પ્રતીભાવ….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: