Posted by: readsetu | સપ્ટેમ્બર 15, 2015

Kavyasetu 201 Paras Hemani

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ >  1 સપ્ટેમ્બર 2015

 

કાવ્યસેતુ 201  લતા હિરાણી

 

ચાર ભીંતોમાં બધાયે કેદ છે

એટલે તો આટલા મતભેદ છે

કઈ રીતે એને તમે રોકી શકો ?

આડશોમાં કેટલાયે છેદ છે.

વાદળી જેવુંય  દેખાતું નથી

ને હજી વરસાદની ઉમ્મેદ છે

આ નદી ઝરણાં બીજું કંઈ નથી

પર્વતોનો આમ તો પ્રસ્વેદ છે

શોધ જેની તું કરે છે રાત દી

ભીતરે તારી જ પારસ વેદ છે ……….પારસ એસ. હેમાણી

 

ગુજરાતી સાહિત્યમાં ગઝલનું ઘોડાપૂર આવ્યું હોવાના ઘણાં પરિણામો છે. એમાનું એક પરિણામ એ ખરું કે દુર્બોધ ગઝલ કરતાં સરળ ગઝલોનું પ્રમાણ વધ્યું છે. લોકો સુધી પહોંચવા માટે સાહિત્યમાં સરળતા જરૂરી છે. સમજવા માટે એક હાથવિદ્વાનની જરૂર પડે એવા ઊંચી કક્ષાના સાહિત્યથી જનસમાજ દૂર રહે છે. એકંદરે બંને પ્રકારનું સાહિત્ય પોતાની રીતે પોતાની જગ્યાએ બરાબર છે, એમ મને લાગે છે. ફરી ગઝલની વાત પર આવીએ તો ખાસ કરીને માં એકાદ શેર પણ સ્પર્શી જાય તો ન્યાલ થયા. અહી તો એકથી વધારે શેર સરસ બન્યા છે.

પહેલો જ શેર લો. ચાર ભીંતોમાં બધાયે કેદ છે, એટલે તો આટલા મતભેદ છે સરળ શબ્દોમાં કવિએ જીવનનું  બહુ મોટું તત્વજ્ઞાન સમજાવી દીધું છે. એક કુટુંબ, એક ઘર, એક શેરી, સોસાયટી, શહેર, દેશ ક્યાંય સમ-ભાવ જોવા મળે છે ? ના. ચાર ભીંતોની અંદર સાથે રહેતી બે વ્યક્તિ વચ્ચે કેટલીયે બાબતોમાં પાર વગરના મતભેદ ! ભીંત ક્યાં બહાર છે ? મનમાં, વિચારોમાં, હૃદયમાં આપણે આપણી ભીંતો ચણીને બેસી ગયા છીએ. બહારની હવાને  મોટેભાગે પ્રવેશ નથી કેમ કે એ જુદી છે,આપણી મરજી મુજબની નથી.

દરેક વ્યક્તિ પોતાની દીવાલ દિવસ-રાત સાથે જ લઈને ફરે છે. વાંધાવચકા, ઇનકાર, ફરિયાદ કે ઝગડાના વાઇબ્રેશન્સ હવામાં ભરપૂર ભર્યા છે. એનું પરિણામ આપણે ચોવીસે કલાક અનુભવીએ છીએ. આ વાઇબ્રેશન્સ રોકવા યે અઘરા છે કેમ કે નકરી તિરાડોવાળી દુનિયામાં આપણે જીવીએ છીએ. શાંતિનો શ્વાસ નસીબ થવો બહુ અઘરો છે. અલખ જગાવીને એકાંતમાં બેસી જનારાનેય નહીં !

વાદળી જેવુંય દેખાતું નથી, ને હજી વરસાદની ઉમ્મેદ છે વેરાન, તપતા, ઉજ્જડ રણમાં છાંયો શોધવા નીકળેલા આપણે સહુ. આશા ક્યારે પૂરી થાય ? હૈયું ક્યારે ઠરે ? મન ક્યારે છલકાય ? કોઈ શક્યતા નજરે ચડતી નથી. અલબત્ત પહેલા શેરમાં આનો ઉકેલ આપી દીધો છે ખરો. દિમાગમાં ચણેલી દિવાલોનો ભાંગીને ભૂક્કો કરી નાખો તો રણની જગ્યાએ સરોવર હિલોળા લઈ શકે ! પથ્થરો ખસેડી નાખો તો પાતાળમાંથી પાણી પ્રગટે ! પ્રશ્નો ઘણાં છે. ઉકેલ સુધી પહોંચવા માટે ઉમ્મેદ જોઈએ, કવિએ એને બરકરાર રાખી છે… ચાલો એક ભીંત તો એ રીતે ઓછી થાય….

આ નદી ઝરણાં બીજું કંઈ નથી, પર્વતોનો આમ તો પ્રસ્વેદ છે તદ્દન જુદી જ દિશામાં જતો આ શેર નવું કલ્પન લઈને આવે છે એ સરસ ! કોઈને નદી-ઝરણાં, પહાડોનું ઓગળતું, વહી નીકળતું હૃદય લાગી શકે પણ અહીં કવિએ સાવ જુદું કલ્પ્યું છે. નદી-ઝરણાં એ યુગોથી દિવસ-રાત તડકા-છાંયામાં ઊભા રહીને થાકેલા પર્વતોનો પ્રસ્વેદ છે, વાહ !

અને છેલ્લો શેર, ‘શોધ જેની તું કરે છે રાત દી’, ભીતરે તારી જ પારસ વેદ છે. આ વાત આપણે સૌ જાણીએ જ છીએ. સુખ-શાંતિ ક્યાંય શોધવા જવાની જરૂર નથી. એ આપણી અંદર જ છે. ઈશ્વર આપણી અંદર જ વસે છે. આત્મા એ જ પરમાત્મા છે, એને ઓળખવાની જરૂર છે. એની ઉપર ચડાવેલા પડો ઉખેડવાની જરૂર છે. તમસના જામી ગયેલા થર પર એક જ્યોત પ્રગટાવવાની જરૂર છે. અંદર ચણેલી ભીંતો તોડવાની જરૂર છે એટલે તમામ શોધોનો અંત. પછી ચારેકોર વિલાસી રહે, પૂર્ણતા અને પરમાનંદ !   

 

     

  

   

 

 

 

 

 

Advertisements

Responses

 1. સુંદર ભાવવાહી ગઝલ. સુંદર વિવેચન, વિવરણ.

  • thank you Sharadbhai…

   On Tue, Sep 15, 2015 at 1:30 PM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

   >

 2. Sundar Rachana ane vivechan

  • Thank you very much Sangeetaji.

   On Thu, Sep 17, 2015 at 12:16 AM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

   >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: