Posted by: readsetu | ઓક્ટોબર 2, 2015

Hu Lata Jagdish Hirani – Life begins @ 40

ફીલીગ્સ મેગેઝીનના 1 ઓકટોબર 2015ના સ્પેશ્યલ ઇસ્યુ ‘લાઈફ બિગીન્સ @ 40’ માં પ્રકાશિત થયેલો મારો લેખ

હું, લતા જગદીશ હિરાણી

એક સમય હતો જ્યારે કેલેન્ડર અને ઘડિયાળ સાથે ઝાઝી નિસ્બત નહોતી. સંતાનો અને પતિને રજા હોય એ રવિવાર કે તહેવાર. ઓફિસના સમય કે સ્કૂલના સમય પૂરતી ઘડિયાળ નજર સામે ખરી, બાકી સમય ક્યાં વહે છે, કેમ વહે છે એની સાથે ક્યાં નિસ્બત હતી ! ઘર, ઘરનું કામ, સૌની સંભાળ, મહેમાનોની સરભરા, કુટુંબના વ્યવહારો આ બધા પાછળ સમય ક્યાંક સંતાઈને વહ્યા કરતો. બીજે બધે તો ઠીક, અરીસામાંય એ ડોકાતો નહોતો. ચહેરાની રેખાઓ કદાચ સ્થિર જ હતી… હા, સમય ક્યારેક ડાયરીના પાનાં પર ટપકી પડતો ખરો…પણ એવા સંજોગ બહુ ઓછા, ભાગ્યે જ… મહિનામાં એકાદ વખત અને પાછું ભુલાઈ પણ જાય..

એ પછી અચાનક એવું બન્યું કે સમય સ્થિર બની સામે ખડકાઈ ગયો. ન હલે ન ચલે. બંધિયાર સમયની વાસ અસ્તિત્વમાં ગંધાવા લાગી, ફૂગાવા લાગી. એનો ભરડો એવો વીંટાયો કે શ્વાસ લેવાનુંય મુશ્કેલ બને. જીવનના લગભગ સાડાચાર દાયકા થવા આવ્યા હતા. ચારેકોર કોરોધાકોર સમય ડોળા ફાડતો ખડકાયો હતો. એનાથી ઉબાવાનીય હદ આવી ગઈ ને અચાનક ડાયરીના પાનાં ખૂલ્યા. પથ્થર જેવા સમયને હડસેલી આંગળીઓ કોરા કાગળને સ્પર્શી ને ટેરવાં રણઝણી ઊઠ્યાં. ડાયરીના પાનાઓ પર સચવાયેલી અગાઉની પળો ઊલટભેર છાતીએ વળગી પડી.      

છાતીના ધબકારામાં શબ્દો ઝીલાયા ને એમાંથી ઊગવા લાગ્યાં લીલાછમ્મ તરણાં. પેલો બંધાયેલો ને ગંધાયેલો સમય પલકારામાં પાતાળમાં ઊતરી ગયો. તાજી હવાની લહેરખીઓ અને અંદરથી ઊગતા કૂણા તડકાએ પેલા તરણાઓને છોડ બનાવ્યા ને એની ઉપર ફૂલોય ખીલવા લાગ્યા.

લાઈફ બિગીન્સ એટ ફોર્ટી’ જેવા સરસ મજાનાં વિષયને લઈને ‘ફીલિંગ્ઝ’ મેગેઝીનના આમંત્રણથી આ લખવા બેઠી છું અને આ વિષયનું ટાઇટલ વાંચ્યા પછી મારા ઉપરના શબ્દો સમજવા સાવ સહેલા છે, ખરું ને ?

જી હા, હું લેખક બની અને તેય જીવનના લગભગ 42-43 વર્ષે ! હાથમાં રોટલી વણવાનું વેલણ રહેતું. એ તો રહ્યું જ ને સાથે સાથે કલમ પણ આવી, પૂરા જોશથી…

મોટાભાગના લોકો એક ઘરેડમાં જીવતા હોય છે. એમની દિશા ને માર્ગ નક્કી થયેલા હોય છે. એ નોકરી હોય, પોતાનો વ્યવસાય હોય કે એવું કંઈક બીજું. સ્ત્રીઓ જે હાઉસમેકર છે તેમના જીવનમાં પણ અમુક સમયે અવકાશ પથરાય છે ત્યારે મોટાભાગે એમનો સમય વેડફાતો રહેતો હોય છે અને એમ જ ગાડી ચાલ્યા રાખે છે. ક્યાંક સમાજસેવા કે સેવાભાસી પ્રવૃતિઓ થોડી કામ લાગે છે ખરી.

એવા ઘણા લોકો એવા હોય છે કે જેમનામાં કોઈ આવડતના મૂળ પડ્યા હોય છે અને એનાથીયે મોટી વાત એ છે કે પોતાની આ આવડતને એ શોધી કાઢે છે, એને યોગ્ય માર્ગે વાળે છે અને જીવનની ખરી મજા લે છે. કેમ કે કોઈ ને કોઈ આવડત હોવી એ એક વાત છે, એ મોટાભાગના લોકોમાં હોય જ છે પણ એને ચેનલાઈઝ કરવી એ જુદી વાત છે અને એ ઓછા લોકો કરી શકે છે. આવા કામોમાં સમાજસેવા ઉપરાંત લેખન, અનેક કળાઓ કે વ્યવસાય આવી શકે.

મારી વાત. મારી આંખ સામે શબ્દો હતા, પુસ્તકો હતા. બે હાથ ફેલાવી મને બોલાવતી શબ્દોની દુનિયા હતી. હું આ કામ કરી શકીશ કે નહીં અથવા કેટલું સારી રીતે કરી શકીશ એ વિશે મનમાં શંકા હતી. ડાયરીનાં પાનાંઓ વચ્ચે રમ્યા કરતું મન હળવે રહીને જરાક બહારની દુનિયામાં પ્રવેશ્યું. બહુ સારું લાગ્યું. બહાર તો અગાધ સાગર લહેરાતો હતો. સામો કિનારો શોધવાની કોઈ મથામણ નહોતી. શરૂઆતમાં કાંઠે બેસીને છબછબિયાં થાય અને પછી શક્ય હોય તો નાનકડો તરાપો બાંધીને સહેલ થશે એમ માનીને શરૂઆત કરી.

પતિનો પ્રેમાળ અને ઉત્સાહભર્યો સાથ હતો. પરિવારમાં મોકળાશ હતી. આરંભે જ સફળતા મળી. મારો પહેલો લેખ ‘ધરતીના ગોળાને ધ્રુજાવનાર ધડાકો’ શ્રી નગેંદ્રવિજયજીની મદદથી ‘સફારી’ મેગેઝીનમાં પ્રકાશિત થયો. એ પછી પહેલી વાર્તા ‘સુખીનો લાડકો’ અને પહેલી કવિતા ‘હું એટલે’ અખંડઆનંદમાં શ્રી પ્રકાશભાઈ શાહે સ્વીકારી અને પ્રકાશિત કરી. આત્મવિશ્વાસ માત્ર બંધાયો જ નહીં, ચારગણો થઈ ગયો. છબછબિયાંને બદલે સીધી તરાપે સહેલ શરૂ થઈ ગઈ. લાયન્સ ક્લબના પ્રોજેકટ અન્વયે ‘ઘરથી દૂર એક ઘર’માં પુસ્તક સ્વરૂપે, રઝળતા શેરી બાળકોની કથાઓ લખી. એવા જ એક બીજા પ્રોજેકટ અંગે પતિ સાથે મળીને ‘પ્રદૂષણ : આપણી સમસ્યા, આપનો ઉકેલ’ પુસ્તિકા લખી.

લેખો, વાર્તાઓ, કવિતાઓ સમય મળ્યે લખાતા રહેતા હતા ને એમાં એક પ્રોજેકટ પર કામ શરૂ કર્યું. એવી મહિલાઓ કે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ભારત દેશમાં પ્રથમ કામ કર્યું છે, પહેલ કરી છે. પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી કે ભારતની પ્રથમ મહિલા ડોકટર આનંદીબાઈ જેવા જાણીતા નામો અને અનેક એવા નામો જેની લોકોને એટલી જાણ ન હોય, જેમ કે ભારતની પ્રથમ જીવનવૃતાંત લેખિકા અને કવયિત્રી ગુલબદન કે ભારતની પ્રથમ મહિલા વ્યવસાયી પાયલોટ પ્રેમ માથુર ; આવા કુલ એકસો એક મહિલા વ્યક્તિત્વોનો એમાં સમાવેશ છે. આ પ્રોજેકટ કર્યો ત્યારે ઈંટરનેટ-ગૂગલ એટલું વ્યાપક નહોતું. ગ્રંથાલયોમાં દિવસો સુધી બેસી, જૂના છાપાંઓની, સામયિકોની ફાઈલો તપાસી ખાસ્સું સંશોધન કર્યું અને એ મહેનતના પરિણામે ‘ઉજાસનું પ્રથમ કિરણ’ મારું પુસ્તક પ્રકાશિત થયુ  જેને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના એવાર્ડ પણ મળ્યા. આ પુસ્તક વિષે વિગતથી એટલા માટે લખ્યું કે જેમની પાસે સમય છે અને કામ શું કરવું એની મૂંઝવણ છે એમને આ પુસ્તકની મહિલાઓ ખૂબ પ્રેરણા આપશે.

મને માર્ગ બરાબર મળી ગયો હતો અને યાત્રા સરસ રીતે આરંભાઈ હતી. કિશોરો માટે ડો. કિરણ બેદીના જીવન વિશે ‘સ્વયંસિદ્ધા’ પુસ્તક લખ્યું. ‘બિટ્ટુ વાર્તા કહે છે’ પુસ્તકમાં બાળવાર્તાઓ લખી. એ પછી ‘સંવાદ’ (પ્રાર્થનાઓ), ‘ગુજરાતનાં યુવારત્નો’, ‘લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ’ અને ‘બુલબુલ’ એમ કુલ ત્રણ બાળવાર્તાઓના પુસ્તકો લખ્યાં. ‘ઝળઝળિયાં’ અને ‘ઝરમર’ બે કાવ્યસંગ્રહો એમ કુલ મળીને મારા અગિયાર પુસ્તકો પ્રકાશિત થયા. ‘દિવ્ય ભાસ્કર’માં ટૂંકી વાર્તાઓની કૉલમ ‘સેતુ’ એક વર્ષ લખી અને છેલ્લા ચાર વર્ષથી કવિતાના આસ્વાદની કૉલમ ‘કાવ્યસેતુ’ ચાલી રહી છે. ‘આદિત્ય કિરણ’ મેગેઝીનમાં વાર્તાઓની કોલમ ‘ટહૂકો’ પણ ચાર વર્ષથી ચાલે છે.

આનંદ એ વાતનો છે કે જીવનમાં ચાલીસી પછી હાથમાં ઉપાડેલું નવું કામ આટલું સફળ થશે એવી કલ્પના નહોતી જ કરી. લેખનમાં જોડાયાને લગભગ સત્તર વર્ષ થયા ને બારમું પુસ્તક પ્રકાશિત થવાને બહુ વાર નથી. બીજા પાંચેક પુસ્તકો પ્રેસમાં જવા માટે તૈયાર છે. કૉલમ અને અન્ય લેખન તો ખરું જ. મુદાની વાત એ છે કે પોતાનું ગમતું કામ મળી જાય અને એમાં સફળ થવા માટે જરૂરી ખંત અને મહેનત હોય તો કદી નિષ્ફળ જવાતું નથી એમ મારો અનુભવ કહે છે.  

ચાલીસી પછી ઉપાડેલા કામોમાં લેખન એ તો મુખ્ય. એ સિવાય આકાશવાણી અને દૂરદર્શન તથા ઘણી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલી છું. છેલ્લા એક વર્ષથી બાળઉછેર માટે કાર્યરત સંસ્થા ‘પેરન્ટિંગ ફોર પીસ’માં સક્રિય રીતે કામ સંભાળું છું. દિવસે દિવસે કામનો વ્યાપ વધતો જાય છે. ઈશ્વર બધી અનુકૂળતા કરતો જાય છે અને કામ કરવાની શક્તિ પણ રેડતો રહે છે એનો આનંદ છે.

જીવનનો હવે આ એવો તબક્કો છે જ્યારે કેલેન્ડર અને ઘડિયાળ સાથે પૂરી નિસ્બત બંધાઈ ગઈ છે. રવિવાર હોય કે તહેવાર, લગભગ બધા વાર કામના વાર બની ગયા છે. સમય વહે છે પણ અજાણ્યો બનીને કે ક્યાંક પાછળ સંતાઈને નહીં, નજર સામે ધસમસતો વહે છે. ઘર, કુટુંબ, સમાજ બધું જીવન સાથે જોડાયેલું છે પણ આંખ સામેના સમયમાંથી શબ્દો અને સાહિત્ય ખસી શકે નહીં એવી આનંદદાયક સ્થિતિમાં પહોંચી ગઈ છું. ડાયરીના પાનાંઓ ટેબલના ખાનામાંથી ખસીને મારી આજુબાજુ પથરાઈ ગયા છે. અરીસો હવે સમયની ઓળખાણ પૂરેપૂરી કરાવે છે અને એનો માત્ર આનંદ જ નહીં, પરમાનંદ છે…

આ વાંચનાર સહુનો આભાર.

લતા હિરાણી

1 સપ્ટેમ્બર 2015

 

Advertisements

Responses

 1. આપ ની મહેનત વંચાય છે લતા બહેન…સામાન્ય રીતે મહેનત દેખાય તમારી વંચાય પણ છે. ભગવાન તમને હંમેશા કાર્ય કરવાની શક્તિ રેડતો રહે તેવી પ્રાર્થના

  • Thank you Maulikbhai..

   Sent from Samsung Mobile

 2. આમજ અજવાળાં ફેલાવતાં રહો…

 3. very nice ,sharing is required ,so we can share with others..

  • Thank u..

   Sent from Samsung Mobile

  • You can share. thank you.

  • with my name and book name pl.

 4. very nice. inspirational indeed


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: