Posted by: readsetu | ઓક્ટોબર 2, 2015

Kavyasetu – Vanchit Kukamavala

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 22 સપ્ટેમ્બર 2015 

કાવ્યસેતુ  204   લતા હિરાણી 

ઝીણું ના ઝાંકોરું
અરે, સખીરી કોઈ ભીતરે પાડે છે બાકોરું.

સીમ વચાળે સૌની સંગે, સંગ વગરની હોઉં
કેડ સમા જળ, તોય લાગતું પગનું તળિયું કોરું …..

નવી વારતા માંડી છે મારા લહેરાતા કેશે
કશું બોલું તોય બધાં સાંભળવા મુજને બેસે
ઉભડક શ્વાસે મુંઝારાનાં ચિત્ર નયનથી દોરું………. વંચિત કુકમાવાલા

 

પ્રેમમાં પડેલી કન્યાના ભીતરી ભાવોના ગીતો ઘણાં લખાયાં છે. કવિ વંચિત કુકમાવાળા એમાં નોખી જ ભાત લઈને આવ્યાં છે. આ ઉમરનો પ્રેમ શરીરથી અળગો રહીને ચાલે કેમ ? શ્વાસોનું ધરખમ ને ઊછળતું રસાયણ જ એ છે. રૂંવાડે રૂંવાડે ઊગતો પ્રકાશ એનો જ છે. એનાથી હૃદયના પ્રેમ નામના ઉમદા તત્વની કક્ષા જરાય નીચે નથી આવતી. શરીર અને એની ઊર્મિઓ એ પ્રથમ પગથિયાથી ઈશ્કની સફર શરૂ થાય છે, જે એકમેકના મનને પામવાના અંતિમ લક્ષ્ય તરફ લઈ જાય છે. આ હકીકત છે, આ સત્ય છે અને એને સ્વીકારવું જ સૌભાગ્ય છે. અહીંયા વાત સ્થૂળની દેખાય છે ને સૂક્ષ્મના આવરણથી બખૂબી લપેટાયેલી છે. જરાય બોલકું બન્યા વગર કે મુખર થયા વગર આ ગીત યૌવનના ઊભરાને નાજુકાઈથી અને બારીકાઈથી વ્યક્ત કરી દે છે.

ભીતરે બાકોરું પાડવાની વાત કેવી મજાની છે ! પ્રેમમાં પડેલી યૌવનાને અંદર કશુક ન સમજાય એવું થાય. ક્યારેક ભીતર છલકાય ને ક્યારેક સાવ શૂન્યતા છવાય એવું એની સાથે બન્યા રાખે. આખરે કોઈ મનમાં પ્રવેશી જ ગયું છે એ નક્કી… પોતાને પૂછ્યા વગર, પરવાનગી લીધા વગર, પૂરા હક્કથી દિલમાં એણે અડ્ડો જમાવી દીધો છે. હૈયામાં બાકોરું પાડીને આવી ગયું છે ને ઊંડે ને ઊંડે ઊતરતું જાય છે. 

આ વાત પગથી માથા સુધી દરિયાના મોજાની જેમ ઉછળે છે. કોઈને કહેવાય નહી ને કહ્યા વગર જીવને જમ્પ થાય પણ નહીં ! નાયિકા કહે છે કે સખી મારા આ રંગ ઉમંગ, તરંગ બધું તારી સાથે વહેંચવાનું છે. હવે તનમન એના કબજામાં છે. દિશાઓ ધૂંધળી બની છે. વિચિત્રતાઓ ઘેરી વળી છે. અંધારામાં અજવાળું ભળાય ને અજવાળામાં અંધારું. સીમમાં સહિયારોનો સંગાથ હોય તોય મન તો એકલું એકલું એમ ઉત્સવ ઉજવ્યા કરે, જાણે આસપાસ કોઈ છે જ નહીં ! ઘડીક આકાશ તો ઘડીક પાતાળ, અનુભૂતિઓના છેડા ક્યાંય મળે ખરા ? કેડ સમાણા જળમાં પગના તળિયા કોરા લાગે એવી વાત કોને કહેવી અને કોણ માને ?

બહુ મસ્ત આ પંક્તિઓ છે, ‘નવી વારતા માંડી  છે મારા લહેરાતા કેશે, કશું બોલું તોય બધાં સાંભળવા મુજને બેસે. પ્રેમમાં પડયાની વાત તો વાયરોય લઈ જાય ! આંખ કેટકેટલું કહી જાય. પોપચાં બંધ રાખો તો મુખના ભાવ ચાડી ખાય ! અરે, અંગે અંગમાં છલકાતી ખુશી શબ્દો વગર પણ મીઠું ગીત ગાય. ઊભરાતા અરમાનો આસપાસની સઘળી હવાને મહેકાવે. લહેરાતા કેશ વાયરે વાત ફેલાવે. ઊડતી લટોમાં સંતાયેલી સઘળી મૌન વાતો સાંભળવા ગામ ટોળે વળે. શ્વાસ ચાલે તોય કદીક જાણે થંભી જતો હોય એવું લાગે. એના મૂંઝારા કોને કહેવા ? બસ આંખોમાં એ ચિતરાતા રહે. નજર એની ચાડી ખાતી રહે.

પ્રેમની મોસમ બારે માસ છલકે છે. યૌવન સોળે કળાએ ખીલ્યું હોય ત્યારે એ નાચતી કૂદતી આવીને છવાઈ જાય અને વય વધતાં એ મધદરિયાના પાણીની જેમ લહેરાય. પ્રેમને ઉમરનો કોઈ બાધ નડતો નથી. માથા પર શ્વેત સુંવાળા કેશ ફરફરતા હોય ને ચામડી પર વયના વર્તુળો દોરાવાના શરૂ થઈ ગયા હોય તોય જો મન યુવાન હોય તો, નજરમાં થોડો કેફ હોય તો જીવનમાં મસ્તી છવાયેલી રહે છે… 

આ જ કવિના મસતીભર્યા બીજા કેટલાક શેર જોઈએ…    

ગમે ત્યારે મને તું ઝણઝણાવે પાસમાં આવી
નવું અચરજ ભરે છે ચેતનાનું શ્વાસમાં આવી

અમે શીખી ગયા પાંખો વગર પરવાઝ ભરવાનું
ઊભા જ્યાં છેક ભીતર ખુલતા આકામાં આવી

મજા જેવું કશું તો છે ભલે ને ભાન ખોવાતું
તમારા એ નયનના રોજ બાહુપાસમાં આવી

હજી પણ થાય છે બાળક સમું આળોટવાનું મન
કદી વરસાદમાં ઊગી ગયેલા ઘાસમાં આવી……

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: