Posted by: readsetu | ઓક્ટોબર 25, 2015

kavysetu 206 Manahar Modi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 6 ઓક્ટોબર 2015

 

કાવ્યસેતુ 206  લતા હિરાણી

 

તેજને તાગવા જાગ ને જાદવા

આભને માપવા જાગ ને જાદવા.

એક પર એક બસ આવતા  ને જતા

માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા.

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના

ભેદ એ પામવા, જાગ ને જાદવા.

શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે,

ફૂલવા ફાલવા, જાગ ને જાદવા.

ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું,

એટલું જાગવા, જાગ ને જાદવા.

આપણે, આપણું હોય એથી વધુ,

અન્યને આપવા, જાગ ને જાદવા.

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી

આવવા ને જવા, જાગ ને જાદવા……… મનહર મોદી

 

દશે દિશામાં પ્રસરતા રહેતા મનને બાંધવું સહેલું નથી. ક્યારેક આકાશ પાતાળ એક કરતા, કદીક નાચતા-કૂદતા તો કદીક રોતા-કકળતા મનને એની સમસ્ત પાંખો, આંખો સમેટીને અંદર ઊતારી શકાય, સ્થિર કરી શકાય તો જાગવાનું શક્ય બને. આ ગઝલના પ્રત્યેક શેરના અર્થ અખૂટ છે, જેમ જેમ ઊંડા ઊતરતા જઈએ તેમ તેમ નવાં નવાં વિશ્વો ખૂલતાં જાય. અહીં સ્વ માટે ‘જાદવા’ પ્રબોધાયું છે. આ જાદવાને જાગવાનો સાદ છે. સમજણના દ્વાર ખૂલે તો આતમના અમાપ રહસ્યો આપોઆપ ખૂલતાં જાય ! એક એક શેરમાંથી નવી નવી આભા પ્રગટ્યા કરે એવું બને. આ ગઝલ કોઈ અદભૂત ચેતનાનો સ્પર્શ લઈને આવી છે. અત્યંત સરળ અને છતાં અતિ ઊંડાણભરી વાતની  સાવ સરળ શબ્દોમાં ટૂંકામાં ટૂંકી રજૂઆત એ આ ગઝલને અપ્રતિમ સિદ્ધિ છે. ‘જાગને જાદવા’નો એકતારો ભાવકના ચિત્તતંત્રને રણઝણાવી જાય છે, મનમાં ગૂંજ્યા કરે છે.

મન જાગી જાય તો સૂર્યને તાગી શકાય કે આભનેય માપી શકાય. વાસ્તવમાં સમજણની ક્ષિતિજો વિસ્તારવાની આ વાત છે. મનના જાગવા સાથે પૂર્ણથી શરૂ થયેલી યાત્રા પૂર્ણમાં વિરામ પામે છે. ચિંતનની આ પળો શ્વાસોમાં વસી જાય તો આંતરબાહ્ય સૃષ્ટિનો ઉઘાડ તમામ સીમાડા વળોટી અસીમમાં ફેલાઈ જાય. જન્મ છે તો માર્ગ છે, યાત્રા છે. ક્યારેક મૂંઝવણ થાય ને ક્યારેક થાક પણ લાગે. એકવાર જો દૃષ્ટિ ઊઘડે તો દ્વિધાને સ્થાન નથી. સાચો માર્ગ સાંપડે અને ઊર્જા પ્રગટે. દૂર ભાસતો એ રસ્તો આખરે અંદર લઈ જાય અને બધું ઝળાહળાં કરી મૂકે. સ્થૂળ આકારોમાંથી આરપાર નીકળી પરમ ઐશ્વર્યમાં વસતા સત્યને પામવાનું છે. ક્યાં સુધી નિંદ્રાધીન રહીશું ? સમસ્ત સૃષ્ટિ પોકારીને જગાડી રહી છે. શબ્દમાં રહેલા સૂરને, શૂન્યમાં વિસ્તરતા બ્રહ્મને, અણુએ અણુમાં પ્રસારવા દેવાના  છે.  

ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું, એટલું જાગવા, જાગ ને જાદવા. બાહ્ય ઇન્દ્રિયો વળોટી, આંતરચક્ષુઓ ખોલવાની વાત એવું અદભૂત રીતે અને કેટલા સાદા શબ્દોમાં કવિએ રજૂ કરી છે ! કવિએ આ શેરમાં સાચ્ચે જ કમાલ કરી દીધી છે. ઊંઘવા અને જાગવાની ક્રિયાનો પ્રવાહ કેટલી સહજતાથી સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ ભાવકને લઈ જાય છે ! વાંચતાં જ મન ઝળહળી ઊઠે છે. ઊંઘવાનું છે અને એમ કે જાગતા રહેવાય. શરીરને આરામ આપવાનો છે અને ચેતનાને સક્રિય રાખવાની છે. મોહનિંદ્રામાં સરી ન પડાય એના ખ્યાલ સાથે આંખો બંધ કરવાની છે. જગમાં રહેવાનુ છે ને જગથી દૂર પણ રહેવાનુ છે. શરીરમાં રહેવાનું છે ને શરીરથી પર આત્મા તરફની યાત્રા કરવાની છે. દુન્યવી પ્રવાહો એમાં વિક્ષેપ ન કરે એની ખબરદારી રાખવાની છે.

આ જે દેખાય છે તે હું નથી. મારું શરીર છે. હું એક આત્મા છું જેણે સતત આ ફેરા ફરતા રહેવાનું છે. કુદરતના નિયમોને આધીન રહીને જે સ્વરૂપ મળ્યું એ સ્વરૂપે જીવી જવાનું છે. સાક્ષીભાવથી આ આવનજાવનને જોવાની છે. એમાં પલોટાયા વગર સહજ રહીને જે મળે એ સ્વીકાર્ય અને જે જાય એ ત્યાજ્ય. આટલું સમજવા માનવીએ જાગૃત રહેવાનુ છે. બાહ્ય ચક્ષુથી નિર્લેપ રહીને આંતરચક્ષુઓ ઉઘાડવાના છે. પોતાનું સ્થૂળ રૂપની તમા કર્યા વગર પરમને પામવા, એની ભાળ મેળવવા પણ હે મન, તું જાગ ! 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: