Posted by: readsetu | ઓક્ટોબર 25, 2015

Kavysetu 207 Lakshmi Dobariya

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 13 ઓક્ટોબર 2015

કાવ્યસેતુ 207  – લતા હિરાણી

એક જણની સામે સાચા થઈ જુઓ,

ને, અરીસા તોડી હળવા થઈ જુઓ.

સ્થિરતા સંબંધમાં આવી જશે

બસ, સમયસર ઓછા-વત્તા થઈ જુઓ.

નહીં રહે અફસોસ પીળા પાનનો

ક્યાંક કૂંપળ, ક્યાંક ટહૂકા થઈ જુઓ.

ભીતરી અસબાબને પામી શકો

માર્ગ ભૂલેલાના નકશા થઈ જુઓ.

થઈ જશે પળવારમાં એ ઠાવકું,

મન ગળ્યું માંગે તો કડવા થઈ જુઓ. …… લક્ષ્મી ડોબરિયા

 

જાતને વિસ્તારવાની વાત છે. સ્વને સર્વમાં સમથળ કરવાની વાત છે. સરળ શબ્દાવલિમાં, હળવી શૈલીમાં બોલચાલના શબ્દો પકડીને ઊંડાણભર્યું ચિંતન કવિએ રજૂ કર્યું છે. લક્ષ્મીબહેનની ગઝલોમાંથી જીવનનો નિતાર અને સમજણનો વિસ્તાર મળે છે. ગદ્યમાં વિહરતા રહેવાની ટેવ હોય તો ચારેબાજુ ચિંતન છલકાતું મળી આવે. વોટ્સ એપના મેસેજમાં તો સો જનમ ચાલે એટલા સુવાક્યો અને જ્ઞાનનો દરિયો ઠલવાતો રહે છે પણ વાંચતાં એ જરા સારું લાગે એટલું જ બાકી બીજી મિનિટે હતા એના એ. કવિતાની ખૂબી જ આ છે. એ નવા નવા રૂપકો દ્વારા મનમાં વસી અને ઠસી જાય છે.

 

અહી એક એક શેરમાં આપણી રોજબરોજની જિંદગીમાં વેરાયેલી બાબતોને પ્રતીક તરીકે લઈ એમાંથી અદભૂત ચિત્રો ઉપસાવ્યા છે. કવિ કહે છે, ‘એક જણની સામે સાચા થઈ જુઓ, ને અરીસા તોડી હળવા થઈ જુઓ. કેટકેટલાં  મહોરાં પહેરીને માણસ જીવતો હોય છે ! દરેક સામે જુદા રંગ ! જ્યાં જેવી જરૂરત, ત્યાં  તેવો રંગ. અભિનયમાં માણસને કોઈ ન પહોંચે. પોતાની ક્ષમતા કરતાં ક્યાંય વધુ એને જોઈએ. સચ્ચાઈથી મળે કે લુચ્ચાઈથી. કોઈ ને કોઈ પ્રકારે મેળવવું એ જ મનસૂબો. કોઈની સામે પોતાનું સાચું સ્વરૂપ ખૂલે એમાં શું વાંધો ? આપણી ઓળખ જગત સામે પ્રગટ થાય એ તો ઉત્તમ. સુધરવાનો આથી મોટો ઉપાય બીજો ક્યો હોઈ શકે ? પણ ના, માનવીને એ પસંદ નથી. એને બુરખામાં જ જીવવું છે. સચ્ચાઈ એનાથી સહન થતી નથી. મુખવટો એ જ એનો પહેરવેશ બની ગયો છે. કવિ એને અરીસા તોડી બહાર નીકળી જવાની વાત કરે છે. પડદા ખોલી અસલી સ્વરૂપ વિકસાવવાની વાત કરે છે. .  

 

આ ગઝલના એક એક શેર કાબિલેદાદ બન્યા છે.  ‘સ્થિરતા સંબંધમાં આવી જશે, બસ સમયસર ઓછા-વત્તા થઈ જુઓ  સંબંધોમાં તિરાડો એટલે જ હોય છે કે માનવી પોતાનો અહમ છોડી નથી શકતો. ક્યાંય નમતું જોખી નથી શકતો. એનો ઈગો એને ડગલે ને પગલે નડે છે એ જ એની તમામ સમસ્યાનું મૂળ છે. બાંધછોડ કરવાનું એ ભૂલી ગયો છે. ‘તારું મારુ સહિયારુ’ની ભાવના ભુલાઈ ગઈ છે. એના કારણે જ ચારે બાજુ ઝગડા, ટંટા-ફિસાદ, ઈર્ષ્યા, દ્વેષ, નફરત, વેર-ઝેર જોવા મળે છે. સંબંધોની સમસ્યાઓ વકરી ગઈ છે. સાઈકિયાટીસ્ટો અને સાયકોલોજીસ્ટોનો ધંધો ધમધોકાર ચાલે છે અને તોય સમજણ દસ ડગલાં આગળ જ ચાલે છે. આને કારણે ઊભું થતું સ્ટ્રેસ આજનો સામાન્ય રોગ બની ગયો છે જેણે બીજા અનેક રોગોને જન્મ આપ્યો છે. આનો ઉપાય ? પોતે સરળ બનવાનું છે. જ્યાં જરૂર હોય ત્યાં નમી જાઓ. બીજાને સ્વીકારી લો. ક્યાંક પાછા ખસી જાવ. કોઈને માર્ગ કરી આપો ને આગળ આવીને કોઈકનો હાથ પકડી લો. જ્યાં જેમ જરૂર હોય એમ સમાધાન કરી લો. બધી મુશ્કેલીઓ દૂર ને સંબંધો સુમધુર !

 

‘જો ચલા ગયા ઉસે ભૂલ જા.’ નવી ક્ષણોને આવકારવાની છે. હૈયાની હૂંફથી વિકસાવવાની છે. કૂંપળ થઈને ઊગવાનું છે અને ટહૂકા થઈને સૃષ્ટિ પર સંગીત રેલાવવાનું છે. અંદર કેટલું સત્વ પડ્યું છે એની જાણ છે ? કોઈનો હાથ પકડીને ચાલો, કોઈની મુશ્કેલીમાં દીવો ધરો, કોઈના આંસુને સ્મિતમાં પલટાવો એટલે ખબર પડશે કે આતમ  કેટલો સભર છે ! બસ, મનને કાબુમાં રાખવાનું છે. એને જરાય પંપાળવાનું નથી. તમામ મુશ્કેલીઓની જડ મન છે. એ સુંવાળું માગે છે, ફૂલો માગે છે, કાંટાઓ એને પસંદ નથી. એની સાથે જરાક કડક થયા તો રસ્તો આસાન થઈ જશે. કેમ કે હંમેશા ફૂલો મળે એ શક્ય નથી. કાંટાનેય સ્વીકારવા પડે છે. એમાંથી રસ્તો કાઢવાની હામ ત્યારે જ પેદા થાય કે જ્યારે મન પર કાબૂ હોય. સરસ કલ્પન છે ! ‘ મન ગળ્યું માંગે તો કડવા થઈ જુઓ !

આ જ કવિની બીજી રચના પણ માણીએ.    

 

ધીરતા ધારી જુઓ

કાં પછી હારી જુઓ.

લ્યો, કલમ કાગળ પછી

જાત વિસ્તારી જુઓ.

ચીતરો ચૈતર અને

ટેરવાં હારી જુઓ.

શૂન્યની કિમત થશે

એક અવતારી જુઓ.

કોણ છું ? ના પ્રશ્નથી

ખુદને પડકારી જુઓ.

કોઈ વૈરાગી ક્ષણે

જીવ શણગારી જુઓ. 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: