Posted by: readsetu | ઓક્ટોબર 27, 2015

Kavyasetu 208 Chandresh Makvana

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 27 ઓક્ટોબર 2015

કાવ્યસેતુ  – લતા હિરાણી

 

ડાયરીમાં “ફી ભરો”ની નોંધ જ્યાં ટપકાય છે
જોતજોતામાં જ દફતર ડુંગરો થઇ જાય છે

રોજ પૂછે છે નિસાસો નાક દાબીને મને 
નાસ્તાના બોક્ષમાં ખાલીપો કાં ગંધાય છે ?

એ જ ચડડી, એ જ થીગડું, કૈ જ બદલાયું નથી
તો પછી હું કેમ માનું કે સમય બદલાય છે ?

બાપ જીવે છે; જીવુ છું હું; જીવે છે તુંય માં
તો પછીથી બોલ કોના છાજિયા કુટાય છે ?

ખાઇ પોંણો રોટલો ફેંકી દીધું જે ચોથિયું
એને માટે ચાલીઓમાં મોરચા મંડાય છે ! ………… ચંદ્રેશ મકવાણા

 સમૃદ્ધિના સામટા સઢ લહેરાય છે પણ એ શહેરોના અમુક આવાસોમાં . મધ્યમ વર્ગ માંડ એ જ મધ્યમ ગતિથી ચાલી શકે છે. દોડવા જેવા દાવ એની પાસે નથી અને ગરીબ વર્ગ તો ગુમનામીની ગર્તામાં ખડકાયે જ જાય છે. મોટેરાઓ તો જેમતેમ જીવી જાય પણ આ બાળકોનું શું ?

‘વૃક્ષ નથી વૈરાગી. એણે એની એક સળી પણ ઇચ્છાથી ક્યાં ત્યાગી ?’ કવિતામાં તદ્દન જુદો અભિગમ લઈને આવેલા અને એનાથી ખૂબ જાણીતા થયેલા કવિ શ્રી ચંદ્રેશ મકવાણાની આ ગઝલ એક પીડાના તારે ગૂંથાયેલી છે.  ફાટેલી ચડ્ડીવાળા, ઉઘાડે પગે રખડતાં, બટકું ખાવા ને ભણવા માટે ફાંફા મારતા ગરીબ બાળકોની વેદનાને તાદૃશ્ય કરતી આ ગઝલના પ્રત્યેક શેર સોંસરવા ભાવકના હૃદયમાં ઊતરી જાય છે. કેટકેટલી યોજનાઓ થાય છે ને કેટકેટલા કાયદાઓ ઘડાય છે ! બાળકોને પેટભર ભોજન અને મફત શિક્ષણના મનસૂબા એમ તો કાગળ પરથી ઊતરી શાળાના ઓટલે પહોંચેય છે પણ એક એક બાળકને એનું નરવું બાળપણ પાછું આપવા માટે માત્ર કાયદાઓ અને યોજનાઓથી કામ કેમ ચાલે, એમાં આખા સમાજે જાગવું જરૂરી છે એમ નથી લાગતું ?

ચાની લારીએ કપરાકાબી ખખડાવતા બાળકને જોઈને કોઈને કાળજે કરુણા જાગે છે ? બે સવાલ કે જરી જાણવાની તસ્દીયે કોઈ લે છે ખરા ? રમવાનું કે ભણવાનું તડકે મૂકી ધૂમ તડકે કાળી મજૂરી કરતાં બાળકો, ફેકટરીમાં કદીક ફટાકડાની જેમ ફૂટી જતાં બાળકો કે હીરા જેવુ અમોલું બાળપણ હીરાના કારખાનાના મશીનોમાં ઘસી નાખતા બાળકોને, એને મામૂલી પગારે રોજીએ રાખનાર અને અડધા ભૂખ્યાં રાખનાર માલિકો માટે આ સાવ નકામો ને ચવાઈ ગયેલો વિષય છે. આવા બાળકોના માબાપ પણ મોટેભાગે એમ જ વિચારતા હોય છે કે છોકરું જન્મે તો એક પેટ ને બે હાથ લઈને જન્મે છે. મતલબ ખાવા માટે કે પેટ પણ કામ કરવા માટે બે હાથ ભગવાન એને આપે જ છે ! આપણાં જેવા લોક બાળદિન મનાવીને અને ક્યારેક અનાથાશ્રમમાં બાળકોને જૂના ઉતરેલા વસ્ત્રો આપીને કે થોડી મીઠાઈ વહેંચીને સંતોષ માની લે.  

આવે વખતે શાયર નિદા ફાઝલીની આ પંક્તિઓ યાદ આવે,

ઘર સે મસ્જિદ હૈ બહુત દુર ચલો યું કર લે

કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે….

એક રડતા, દુખી બાળકની પીડા દૂર કરવાનું એક એક સુખી માણસને સૂઝશે તો કદાચ આ પરિસ્થિતિમાં થોડો બદલાવ આવે !

બાકી વાસ્તવિકતા આ જ છે કે હોંશે હોંશે જે બાળકોને માબાપ ભણાવવા મોકલી શકે છે એનાય ફી ભરવાને ટાણે હાથ ધ્રુજી જાય છે. વ્હાલસોયા બાળકના નાસ્તાના બોક્સમાં શું ભરવું એ વસમો સવાલ માને રડાવી જાય છે. કેલેન્ડરમાં સમય બદલાય છે, છાપાઓમાં ને મેગેઝીનોમાં સમયના બદલાવના રંગીન પાનાં ખડકાય છે પણ પેલા રઝળતા બાળકની ચડ્ડીના થીગડા જતા નથી. માબાપ જીવતા હોવા છતાં લાચાર છે, બારણાં પાસે સદાય છાજિયા લેતા દુખને એક તસુ પણ આઘું કરી શકતા નથી. શ્રીમંતોએ કરેલા બગાડને, ફેંકી દીધેલાં ખોરાકને મેળવવાય લૂંટાલૂંટી થાય છે. બાળક થોડુક સમજે છે અને એનાથી ટેવાયેલું છે. જે નથી સમજાતું એના માટે કદી માબાપને પ્રશ્ન કરી લે છે પણ એને સંતોષ થવાનું શક્ય નથી..

બસ એટલું યાદ રાખીએ, ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જ્યારે જાગશે, ખંડેરની ભસ્મકણીય નવ લાધશે…      

 

   

 

 

 

 

Advertisements

Responses

  1. “બાપ જીવે છે; જીવુ છું હું; જીવે છે તુંય માં
    તો પછીથી બોલ કોના છાજિયા કુટાય છે ?”

    • આભાર વિમલાબહેન…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: