Posted by: readsetu | નવેમ્બર 4, 2015

Kavyasetu 209 Hema Uday Maheta

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 3 નવેમ્બર 2015

 

કાવ્યસેતુ 209  લતા હિરાણી

 

કેટલી આદત મળી છે વારસાગત,

ને છતાં ફાવટ મળી છે વારસાગત !

હા ! મળ્યું છે વ્હાલ, પીડા, લાગણીને,

આરતો અનહદ મળી છે વારસાગત !

સાવ નોખું કઈ નથી દીધું ખરેખર,

એ જ અથડામણ મળી છે વારસાગત !

રાજકારણ ખેલતા સહુ ઘર મહી પણ,

રોજની ખટપટ મળી છે વારસાગત !

હું કહુને એ જ થાવું જોઈએ બસ,

કાં નઠારી હઠ મળી છે વારસાગત ?

લાગણીમાં જીત સાથે હાર હેમા

ખૂબ લો રાહત મળી છે વારસાગત ! ……..  હેમા ઉદય મહેતા

 

સ્ત્રીની સંવેદનાને વ્યક્ત કરતા ગીતો અને અછાંદસ ઘણા લખાયા છે પરંતુ ગઝલમાં કવયિત્રીએ પોતાની અંદરનું અને આસપાસનું વિશ્વ રજૂ કર્યું હોય એવા દાખલા ઓછા જોવા મળે છે. એ રીતે આ કવયિત્રીને અભિનંદન આપવા જોઈએ.

પ્રથમ બે શેરમાં નરી સ્ત્રી ઉપસે છે. ફાયદા હોય કે નુકસાન પણ સ્વભાવગત વિશેષતાઓ વારસામાં મળે ને એના કારણે ઊભી થતી સુંવાળપ કે ખરબચડાઈ પેકેજના ભાગરૂપે મળે. સમસ્યાઓ સાથે લડવાની, પાર પાડવાની કે લડતા રહેવાની ફાવટ પણ વારસાગત જ મળે ! દીકરાની મળેલી વારસાગત ટેવો માટે ‘બાપ એવા બેટા, વડ જેવા ટેટા’ આવા પ્રયોગો પ્રચલિત છે પણ મા-દીકરીનું સામ્ય દર્શાવતો એકેય પ્રયોગ હજી સુધી મને યાદ નથી આવતો. પ્રિય ભાવકો, યાદ આવે તો મને ઈમેઈલ કરવા વિનંતી.  

બાળકને જન્મ આપવાથી માંડીને ઉછેરવા સુધીની તમામ જવાબદારી માતાની હોવાથી તેનું ઊર્મિતંત્ર વધારે સંવેદનશીલ હોય. એ રીતે નાયિકાને વ્હાલ, લાગણી, પીડા અને ઇચ્છાઓનો દરિયો વારસામાં મળ્યો છે. જે છે એ  છે, કંઈ નોખું નથી. ઘરમાં થતી અથડામણો, ઝઘડા, કુટુંબમાં ખેલાતી ખટપટો, આટાપાટા, રાજકારણ બધુ જ લોહીમાં વહે છે. ક્યારેક સપાટી પર આવી જાય છે, ક્યારેક ઢબૂરાઈને રહે છે પણ એની હયાતી ચોક્કસ છે. સંબંધ સાસુ વહુનો હોય અને કદીક પતિ-પત્નીનો પણ હોય, ધાર્યું કરવાની ઝંખના અભરે ભરી છે. ‘હુ કહું એમ જ થવું જોઈએ’ આ હઠાગ્રહ, કંકાસનું મૂળ ભરપટે વેરાયેલું પડ્યું છે. અલબત્ત નાયિકા અહી એનો વિરોધ પણ નોંધાવે છે કે આવી નઠારી હઠ શા માટે મળી છે ? તો તરત પોતે જવાબમાં સમાધાન પણ આપી દે છે, ભાઈ, વારસાગત છે આ બધું ! આમ જ સહજભાવે એ તમામ હાર અને જીત સ્વીકારી સંતોષનો શ્વાસ લઈ લે છે.     

મને આ ગઝલ કવયિત્રીના જીવનના સહજ, ‘જેમ છે એમ’ના સ્વીકાર માટે ગમી. સ્ત્રીને ક્યાંય ઊંચે આસને બેસાડવાની વાત નથી કે નથી કોઈ નારીવાદી વલણનો આગ્રહ. સ્ત્રીના સ્વભાવની વિશેષતાઓ, ખામીઓ સર્વેનો સરળ સ્વીકાર છે. જીવનમાં બધું જ છે, ખટપટ છે ને આટાપાટા છે, હઠાગ્રહ પણ છે. કોઈ દંભ, દેખાડો, પડદો, આવરણ કશું જ નહી. ‘આ સ્ત્રી છે અને આવી છે. પ્રકૃતિએ ઘડેલી અને વારસાગત ઉછરેલી.’ જીવનની વાસ્તવિકતાને રજૂ કરતી આ સ્ત્રી પોતાની અંદર અનુભવાય છે, આસપાસમાં જીવતી ધબકતી દેખાય છે.

માત્ર સ્ત્રી જ શા માટે ? જીવનમાં બધાને સુખ મેળવવું છે, એના માટે કરવી પડતી તમામ રમતો, છળ બધુ જ સ્વીકાર્ય ! જેવી જેની પ્રકૃતિ. કશાનો છોછ નથી. કોઈ બોધ નથી. કોઈને શાંત રહેવામાં સાર લાગે છે કોઈને કકળાટ પછી જ શાંતિ થાય છે ભલે એ આભાસી હોય. કોઈને શસ્ત્રો સજવાનું ગમે છે તો કોઈને હથિયાર હેઠા મૂકવાનું ફાવે છે. આમ જ આટાપાટા રમ્યા કરે છે માણસ. આ આંટીઘૂંટીમાં અટવાતા આખરે છેલ્લા શ્વાસે જિંદગી પૂરી થાય છે. આ બધુ કરવાનો સ્વભાવ એ પણ વારસાગત જ ખરો ને !   

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: