Posted by: readsetu | નવેમ્બર 17, 2015

Kavyasetu 210 Madhav Ramanuj

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 10 નવેમ્બર 2015

કાવ્યસેતુ  210   લતા હિરાણી  (મૂળ લેખ)

અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….   માધવ રામાનુજ

વહેલી સવારનો પહોર છે ને આ ગીત વિશે લખવા બેઠી છું. અજવાળું ક્યાંક લપાઈને હાથ લંબાવીને બેઠું છે. ધીમે ધીમે અંધારાને બાથમાં ભરી લેશે ને હેતથી ઓગાળી દેશે. અંધારા ને અજવાળાનું મિલન ક્યાંય કળાતું નથી ને એ કેમ ફળીને ફેલાઈ જાય છે એનીય ભાળ મળતી નથી પણ જાગતા રહીએ તો આંખ સામે આ દર્શન પ્રગટ્યા કરે ! અલબત્ત બારીમાંથી દેખાતી આ રમણા ભૌતિક છે જ્યારે આ કવિતાનો કવિ જાગી ગયેલો માણસ છે, અજવાળાને પામી ગયેલો માણસ છે, એના અંતરમાં અજવાળાની કોઈક ક્ષણ કંડારાયેલી છે એટલે એના શબ્દમાં, ભાવછાયામાં અને ગીતના લયમાં હળવો, નરવો, નમણો ઉજાસ પથરાયેલો છે.

આ ગીતમાં પથરાયેલું અજવાળું સાચા ભાવકના હૃદય સોંસરવું ઊતરીને ચારેકોર રેલાઈ જાય છે. આ સહેલી વાત નથી. બંધ આંખે ભળાતા આ અજવાળાને આમ શબ્દોમાં પાથરવા માટે વર્ષોના વર્ષો અંધારા ઉલેચવા પડે ! હૃદયની ધરતીને કેટલાય ખાડાટેકરા ખૂંદવા પડે, ખેડાવું પડે ને પછી પોચી માટીમાંથી આ કૂંપળ પ્રગટે ! જેને જોવા માટે આંખોએ તપ કર્યું હોય એ રોમ રોમ અનુભવાય. આંખ બંધ થાય ને અંદર પ્રકાશનો દરિયો લહેરાઈ જાય, આ કેવી ધન્ય ઘડી હશે !

મનને પાંખો પહેરાવી દે એવી આ ઘડીઓ રૂંવે રૂંવે ફૂલપત્તી જેવી કુમાશ પાથરી દે. અજવાસના દરિયામાં એક બાજુ ઊંડે ને ઊંડે ડૂબતાં જઈએ ને તોય લાગે કે અમે તરીએ ! તરવાના ફાંફા મારવાનું છોડી જે ડૂબવાની સમાધિ લગાવી શકે છે એને જ તરી જવાની અવસ્થા પ્રાપ્ત થાય છે. મહાસાગરના તળીયેથી મોતી ભરેલી મુઠ્ઠી જેવા ઝળહળતા શ્વાસ એના જ ભાગ્યમાં હોય છે. આટલું પામ્યા પછી શું જોઈએ ? હાથ ફેલાવ્યા વગર બધું ખોળામાં આવીને પડે ! સાંકળ કે તાળાં આપોઆપ ખરી પડે ને સઘળાં દ્વાર આવકારો પહેરી એના આગમનની પ્રતીક્ષા કરે.      

 પ્રકૃતિના તમામ તત્ત્વોમાં જીવ એવો ઓતપ્રોત થઈ જાય કે જાત અને જગતમાં કોઈ ભેદ ના રહે. અંદરના વિશ્વમાં  આકાશથી પાતાળ સુધીનું અનુસંધાન પ્રસરી જાય. આ વાત કહેવા માટે કવિએ ‘સૂરજ અને છીપ’ના કેવા ઉમદા  પ્રતીકો યોજયા છે ! અલબત્ત અહી કોઈ યોજના નથી. અનુભૂતિની અભિવ્યક્તિ અનાયાસ વ્યક્ત થતી રહે છે. ચિત્રકારની પીંછીના લસરકાની જેમ ભાવચિત્ર ઊઘડતું જાય છે. સાથે સાથે કવિ પૂરેપૂરા જાગૃત પણ છે. અહમનો કણ પણ અંદર બચી જાય તો આપણે જ આપણને વાગીએ, એ કહેવાનું ચૂકતા નથી. ફૂલ અને સુવાસ એકબીજાના પર્યાય કહી શકાય કેમ કે એકમેકમાં ઓતપ્રોત થયેલા છે એટલે ફૂલને સુવાસ કદી વાગે નહી પરંતુ જો ફૂલને સુગંધનું જરીયે ગુમાન આવે તો એવું બની શકે ! અહમ કે ગુમાનની રજૂઆત પણ કવિ કેટલી નાજુકાઈથી કરે છે !

છેલ્લે કવિ કહે છે કે આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું. આ કવિની વિનમ્રતા છે. રેશમ જેવા મુલાયમ સ્વભાવના કવિ કહે તો આવું જ કહે ! બાકી આ સંવેદના જાગવી સહેલી નથી. અંદર પૂરેપૂરું અજવાળું પથરાતું રહેતું હોય તો જ શબ્દોમાં આ અજવાસ આવે. મધદરિયાના ઊંડાણ જેવી આ રચના પાતાળે પથરાયેલા મોતી અને છીપની જેમ મનમાં ઉજાસ ભરી દે છે અને હૃદયને તરબતર કરી જાય છે.

પરમ નાજુક સંવેદનને લહેરાતું વિશાળ શબ્દચિત્ર આપતા કવિનું આ કવિકર્મ પણ જુઓ ! પર્વત અને ખીણ જેવા વિશાળ દૃશ્યને બાળકની જેમ તેડી લેવા જેવી નાજુક કલ્પનામાં આ જ કવિ રમી શકે.  

વન વચોવચ ખેતર ઊભાં
ગામ વચોવચ મેડી……
એમ થાતું કે
સ્હેજ ઝૂકીને
ખીણ આખી લઉં તેડી !… માધવ રામાનુજ
 

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: