Posted by: readsetu | નવેમ્બર 24, 2015

Kavysetu 211 Jayshree maheta

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 24 નવેમ્બર 2015

કાવ્યસેતુ 211  લતા હિરાણી

રેતીમાં પગલાંની ઊડે સુગંધ

ને આયનામાં તારી હથેળીઓ

કાનમાં ગૂંજે છે તારા અવાજ

જાણે બોલે છે કોઇ કલકલિયો…..

ટપટપ પગલીએ દોડે આ ઘર આખું

લીંપણની ભીની ઓકળીઓ

કલરવની ડાળ પર બેઠી કોયલડી

ખંખેરી નાખી બધી સળીઓ……….

હળુહળુ હીંચકાની હોડીમાં ઝૂલતી

દરિયો પકડતી હાથમાં

માતાના પાલવમાં સંતાતી ફરતી

મેળો મલકનો જાણે મળિયો……… જયશ્રી મહેતા

દીકરી બહુ લાંબો સમય હડસેલાઈ. દીકરીના જન્મ આડે દસકાઓ સુધી ભીંતો ચણાઈ. એને ઘોંટી દેવાઈ. પરિણામ એ આવ્યું કે સમાજમાં દીકરીઓ ઘટતી ગઈ. દીકરીની અછત થતી ગઈ ને હવે સૌની આંખ ખૂલી છે. દીકરી વગર સમાજ આગળ ચાલશે કેમ ? વંશવેલો દીકરો ચલાવે એમ માનનારાઓને હવે હૈયે ફાળ પડી છે કે વંશને જન્મ દેનારી સ્ત્રી ક્યાંથી શોધીશું ? એટલે હવે સૌ જાગ્યા છે. દીકરીને બચાવવાના અભિયાનો ચાલી રહ્યાં છે, પુત્રીને વધાવવાનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે લ્યો, એના માટે જ આ એક ગીત. અલબત્ત આ કવયિત્રીએ તો હરખાઈને પોતાની દીકરી માટે આ કવિતા રચી હોય એમ સ્પષ્ટ વરતાય છે. કોઈ અભિયાનની આમાં જરાય ગંધ નથી. બસ આ કવિતા મળી અને એક પૃષ્ઠભૂમિ યાદ આવી એ યોગાનુયોગ છે એટલું જ.

બાળકને રેતીમાં દોડવાની બહુ મજા આવે અને એ દોડે ત્યારે પાછળ રેતી ઊડે, હવામાં પથરાય… આ તો ભૌતિક વાત થઈ. કવયિત્રી એમાં શું જુએ છે ? બાળક જે પણ કરે એમાં સૌંદર્ય હોય, મધુરતા હોય, નરવાઈ ને નમણાશ હોય. અહી સર્જકને ઊડતી રેતીમાં પગલાંની સુગંધ અનુભવાય છે. કેવું સરસ ને કેવું મીઠું ! આયનામાં દેખાતી બાળકની હથેળીઓની રેખામાં સર્જકને મેઘધનુષના રંગો ભળાતા હોય અને કાનમાં ગૂંજતી કિલકારીઓમાં સરગમના સૂર સંભળાતા હોય એવું બની શકે. મમતા કોઈ પણ બાબતમાં કંઈ પણ જોઈ શકે. એ પ્રેમ છે, પાતાળનાં પ્રવાહો ઝીલી શકે, સાગરમાં છુપાયેલા મોતી શોધી શકે ને મધદરિયાના વહેણ માપી શકે. એમાંય માતાના પ્રેમને કોઈ સીમાડા ન નડે ! એ સર્વવ્યાપી અનહદ છે.

બાળક ટપટપ દોડતું નથી, પોતાની ઘર આખાને દોડાવે છે.. એનો આનંદ મનને હિલોળે ચડાવે છે. લીંપણવાળા ઘરમાં બાળકની પગલીઓથી ઓકળીઓ ચીતરાય છે. બાળકના અવાજનો કલરવ કોયલને શરમાવે છે. માળાની સીમાને તોડી આ બાળકોયલનો કલરવ વાયરામાં વિસ્તરે છે. હીંચકાની હોડીમાં હળવે હીંચકતી દીકરી હાથમાં ઘૂઘરો નહીં દરિયો પકડીને રમે છે. એણે તો મોટા થઈને દરિયો જીવવાનો છે, હૈયામાં ભરવાનો છે. કાલે જે મલકને સંભાળવાની છે એ આજે માતાના પાલવમાં ઢબૂરાવાનો લ્હાવો લઈ રહી છે…

દીકરી વ્હાલનો દરિયો, દીકરી મારી દોસ્ત… કેટકેટલું કહેવાયું છે દીકરી માટે ! હાથમાં રંગબેરંગી બંગડી સજીને ઝાંઝરી પહેરેલી ઉછળતી કૂદતી દીકરી ફળિયામાં લહેરાતી હોય એ કેવું રૂડું લાગે છે ! એના કોડ આભને આંબે છે અને એના કોડ પૂરવા માતા એટલું જ ઝંખે છે. જેને દીકરી નથી એવા પાકટ અવસ્થાએ પહોંચેલા માબાપને દીકરીનો અભાવ સતત સાલે છે. એમની પાસે હૈયું ખોલવા કોઈ ઠેકાણું જ બચ્યું નથી હોતું. દીકરી સાસરે જાય તો પણ એ જીવનભર પોતાના માબાપ સાથે બંધાયેલી રહે છે. પોતાના સંતાનની માતા બનેલી દીકરી પણ જ્યારે માબાપ પાસે આવે ત્યારે નાની બની જાય છે. દીકરી ઘણીવાર બાપની વધુ નજીક હોય છે. આથમતા દિવસોમાં દીકરીનું અજવાળું હૈયે હાશ પૂરે છે. આટલું જેની સંવેદના અનુભવી શકે એ ગર્ભમાં ઓલાવી દેવાતા દીકરીના દીવા પ્રત્યે કાળી વેદના અનુભવી શકે. કવિતા ભલે કવયિત્રીની અંગત ખુશીની પળોને પાથરતી હોય પણ આ સંવેદના સમાજને અજવાળે છે…   

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: