Posted by: readsetu | ડિસેમ્બર 14, 2015

Kavyasetu 212 Rishabh Maheta

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 24 નવેમ્બર 2015

કાવ્યસેતુ 212  –  લતા હિરાણી

નામ લખે છે ને ભૂંસે છે, એક છબરડાબાજ છોકરી

શું બોલે છે ને ઘૂંટે છે, એક છબરડાબાજ છોકરી

નિજના જાદુથી જ અજાણી, ખુદની ખુશ્બુથી જ અજાણી

અત્તરની શીશી સુંઘે છે, એક છબરડાબાજ છોકરી

એની ભરતી નથી ઉતરતી, એ નૌકામાં નદિયું ભરતી

ક્યાં તરવાનું, ક્યાં ડૂબી ગઇ, એક છબરડાબાજ છોકરી

સહેજ અમસ્તી અડાઇ ગઇ એ, પરસેવાથી ન્હવાઇ ગઇ એ

આખ્ખો દિ દર્પણ લૂછે છે, એક છબરડાબાજ છોકરી

એ પુસ્તકમાં છુપાઈ ગઈ છે, ગઝલો થઇને છપાઈ ગઈ છે

ક્યાં ખોવાણી, ક્યાં ઢૂંઢે છે, એક છબરડાબાજ છોકરી…………. રિષભ મહેતા

છબરડા શબ્દ વાંચ્યા પછી ગંભીર કેમ થવું ? અને એમાંય અહીં છબરડા વાળનાર છે છોકરી. એટલે મહામુશ્કેલી ! આમ તો છાપાના છબરડા શબ્દ બહુ જાણીતો છે એટલે આ શબ્દ સાંભળતા ગડબડ અને ભૂલોનું વર્તુળ મનમાં સર્જાય ! પણ અહીં વાત કંઈક જુદી છે. કવિ, સ્વરકાર અને ગાયક રિષભ મહેતાએ એક અલ્લડ, મસ્તીખોર, શરારતી છોકરીના છબરડા કવિતાની છાબમાં ફૂલોની જેમ ભર્યા છે, વાંચતાં જ મઘમઘ થઈ જવાય.

કિશોરીમાંથી તાજી જ નવયૌવના બની છે એવી છોકરી છલકાય છે, મલકાય છે, એની આંખોથી થોડું કહેવાય છે ને ઝાઝું વંચાય છે. એના મનની પાટી પર કંઈક લખાય છે ને ભૂંસાય છે. એ વાંચવા લોક ટોળે વળે તો એને એની તમા નથી. તદ્દન બેપરવા, ખુદની ખુશબુથી અનજાન, અત્તરની શીશી સુંઘે છે કે સુંઘાડે છે ? એને મસ્તીની હેલી ચડી છે. ‘નાવમે નદિયા ડૂબી જાય !’ એવી કંઈક વાત છે. પ્રેમનો નશો દુનિયામાં કોઈપણ ચમત્કાર સર્જી શકે. એના માટે ડૂબી જવું એ જ તરી જવું.

સ્હેજ કોઈનો સ્પર્શ શું થઈ ગયો ? અસ્તિત્વ તરબતર થઈ ગયું. હાથમાં દર્પણ અને આંખમાં છબિ. ચહેરા પર મેઘધનુષ ન ચિતરાય તો જ નવાઈ ! આ છોકરી કવિતા, ગઝલ થઈને છપાઈ જાય અને એને ખબર પણ ન હોય કે કેટકેટલા ભરતી-ઓટ પોતે સર્જી ચૂકી છે ! પોતે ચારેબાજુ છવાઈ ગઈ હોય તોય એ પોતાને શોધતી જ રહે, જડે નહીં એવું બને ! મને કવિ રમેશ પારેખ યાદ આવે છે, “એક છોકરીના હાથથી રૂમાલ પડે, એ લેવા આખુંય ગામ વળે નીચે, જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીંચે. અપ્સરા યુગ કદી ખતમ ન થાય. રંભા, મેનકા, ઊર્વશીથી માંડીને ચાલતો જ રહે…. નિતનવા સ્વરૂપે અપ્સરાઓ અવતર્યા જ કરે …

છબરડાબાજ છોકરી’ જેવો યુનિક કાફિયા લઈને આવેલી આ ગઝલમાં છોકરી છુપાયેલી રહે છે ને એના તોફાન છલકાય છે.  એક એક શેરમાંથી ચીર સનાતન છમ્મલીલી વાત લહેરાય છે. પહેલી નજરે આ ગઝલ પ્રેમની લાગે પણ આ તો એ પહેલાના તોફાનની છે. વરસાદ આવે પણ ખરો ને વાદળો એને ખેંચી પણ જાય ! પવન ઉપડે અને ડાળ-પાંદડા લહેરાઈ ઊઠે, ઝૂમી ઊઠે એવી આ ઘટના છે. સરળ શબ્દો અને લયમાં રૂમઝૂમતી આ ગઝલ ગાવાનું મન થાય.

આવા રમતિયાળ કાવ્ય પછી આ જ કવિનું પ્રેમના ગંભીર ઊંડાણોને સ્પર્શતું મધુર ગીત પણ જોઈએ.  

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની હાશલઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યુંતું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકીતી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો હુંને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો હાબોલી દો;
હાબોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

રિષભ મહેતા

 

  

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: