Posted by: readsetu | ડિસેમ્બર 14, 2015

Kavyasetu 214 Gopal Shastree

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 8 ડિસેમ્બર 2015

કાવ્યસેતુ 214  લતા હિરાણી

તમે જૂઠ્ઠું કાં બોલ્યાતા શ્યામ ?

પાછા ફરવાનું તમે આપી વચન અને ભૂલ્યા છો ગોકુળિયું ગામ ! ….. તમે…

 પરથમ કરેલ પ્રેમ આષાઢી મેઘ બની

ચૈતર વૈશાખ તોય વરસે,

પાદરથી મધરાતે કોયલ ટહૂકે ને મન

વાંસળીના સૂર હજી તરસે

મથુરાના મહેલની દોમદોમ સાહ્યબીમાં

વિસરાયું રાધાનું નામ ! …. તમે…

ગોધણનું રૂપ હવે ઉભરે નહીંને

નથી ગોરજવેળાની યાદ આવતી,

યમુનાનાં નીર બધાં થંભી ગયા ને

નથી ડાળી કદંબની ઝુલાવતી

ધોધમાર આંસુના દરિયા છલકાય

હવે ડૂબે છે શ્વાસોનું ધામ…. તમે….. ગોપાલ શાસ્ત્રી

 

રાધાનું નામ અને ગોકુળિયું ગામ… કાનાની યાદ અને વાંસળીનો સાદ…. કેટકેટલા કવિઓએ કેટકેટલી રીતે ગાયો, ગવડાવ્યો ! લોકગીતોથી માંડીને આજના ગીત, ગઝલ, અછાંદસ, મુક્તક.. કાવ્યનો એકપણ પ્રકાર એવો નહી હોય જેમાં કૃષ્ણકાવ્ય રચાયું ન હોય ! સંગીત સુગમ હોય કે શાસ્ત્રીય, કાન્હાના સૂર વગર સઘળું અધૂરું ! ભારતની લગભગ તમામ ભાષાઓમાં, બોલીઓમાં રાધા-કૃષ્ણ છવાયેલા છે. રાધાકૃષ્ણની કથા સપ્તરંગી છે અને સર્જનમાં શિખરે.

 રાધાની ફરિયાદ તમામ હિંદુસ્તાનીના હૈયે વસેલી છે. જેને કૃષ્ણ માટે પ્રેમ છે એ સૌના હૈયામાં રાધાનો સાદ, રાધાનો વિરહ, રાધાની પીડા આત્મસાત થઈ ગયેલા છે. એ એવી પીડા છે જે તમામ સ્ત્રીઓ અચૂક અનુભવે છે. જેના હૈયામાં ભરપૂર સંવેદના ભરી છે એવા પુરૂષોએ પણ આ પીડાને અનુભવી છે અને ગીતોમાં પ્રસવાવી છે. યાદ આવે છે આ પંક્તિ,

 ‘રાધાનું નામ તમે વાંસળીના સૂર મહી, વહેતું ના મેળો ઘનશ્યામ,

સાંજ ને સવાર વળી નિંદા કરે છે અહી, ઘેલું આ ગોકુળિયું ગામ…’     

 અહી કવિએ રાધાના પ્રેમની, વિરહની અને કૃષ્ણની જૂઠ્ઠું બોલવાની વાતને, ફરિયાદને ગીતમાં વણી છે.

‘તમે જૂઠ્ઠું કાં બોલ્યા’તા શ્યામ ?’

કહાન, તમે પાછા આવવાનું વચન આપીને સાવ આમ વિસરી ગયા ? ગોકુળની માયા વિસારે પાડી દીધી ? જે કુંજગલીઓમાં આપણે રમ્યા, ભમ્યા, એની યાદ તમને જરાય સતાવતી નથી ? આ તો સરાસર અન્યાય છે. જેને પ્રેમ કર્યો એને આમ વિસારે પાડતા તમારા હૈયાને કશું થયું નહીં ?

 શ્યામ, તમે મારો પહેલો પ્રેમ છો. પ્રથમ પ્રેમ બારેમાસ આષાઢી મેઘ બની વરસતો રહે છે. વરસવું એ જ એનું કર્મ છે. એમાં ચૈતર, વૈશાખ કે બીજી કોઈ મોસમ આવતી નથી.  ગામને પાદર મધરાતે કોયલ ટહૂકે ને મન આકળવિકળ થઈ વાંસળીના સૂરને તરસ્યા કરે. મારી પીડા તમે શું જાણો શ્યામ ! તમે તો હવે મથુરાના રાજા ! રાજમહેલની દોમદોમ સાહ્યબીમાં ગોકુળની ગલીઓ તો ઠીક, રાધાનું નામ પણ તમે વિસરી ગયા ?

 આ પીડા ન કહેવાય, ન સહેવાય એવી છે. તમારા દર્શન માટે બહાવરી બનેલી આંખોને હવે ગળે ઘંટડી વગાડતી  ગાયોના ધણ દેખાતા નથી. ગોરજવેળાએ ગાયોની ખરીમાંથી ઊડતી ધૂળ  એક સ્વપ્નું બનીને રહી ગઈ છે. વહેતી યમુનાના નીર તમારી યાદમાં જાણે પ્રાણ ગુમાવી બેઠાં છે અને કદંબની ડાળીઓ ઝૂલવાનું ભૂલી ગઈ છે. બસ આંસુના દરિયા સિવાય કશું બચ્યું નથી અને આ દરિયામાં શ્વાસ ક્યારે ડૂબી જશે, એની ખબર નથી… હવે હરી, આવો તો હું જાણું !   

 રાધા જ નહી, એક એક ગોપી કૃષ્ણને નિહાળવા આતુર રહી છે. કૃષ્ણની ફરિયાદ આખું ગોકુળગામ કરે છે પણ કૃષ્ણ, માત્ર રાધાના કે ગોપીઓના ક્યાં છે ? અલબત્ત હૈયે વસેલી રાધા એના ચિત્તમાંથી કદી ખસી નથી પણ કૃષ્ણ જેનું નામ ! કેટકેટલા મોરચા એણે સંભાળવાના ? રાધાની નિરંતર યાદ સાથે એણે સમસ્ત જગતનો ખ્યાલ કરવાનો છે. ધર્મ અને અધર્મના ભેદ સમજાવવાના છે. ન્યાય અને અન્યાયને કસોટીની એરણે ચડાવવાના છે. વિશ્વને જણાવવાનું છે કે જીવન એટલે શું ? શ્વાસોના સમરાંગણમાં સ્વને ખોઈ, સર્વને સમાવવાના છે. શ્યામ પોતે  સંપૂર્ણ છે. એણે કશું પામવાનું નથી, ક્યાંય પહોંચવાનું નથી અને છતાંય નિસ્પૃહી બનીને સતત કર્મ કરતાં રહેવાનો સંદેશ દુનિયાને આપવાનો છે.

 આ સત્ય છે, આ ગીતાનો સંદેશ છે અને એટલે કૃષ્ણને આપણે ઈશ્વર કહીએ છીએ, પૂજીએ છીએ. કૃષ્ણ એક અવતાર છે પણ જેલમાં કૃષ્ણજન્મથી માંડીને, ગોકુળની લીલાઓ, રાધાનો પ્રેમ અને સમગ્ર મહાભારતમાં છવાયેલા કૃષ્ણ લોકહૃદયમાં એવા વસી ગયા છે કે એના સેંકડો સ્વરૂપો લોકજીવનમાં આદર્શ બની ગયા છે. ખાસ કરીને બાલકૃષ્ણ અને રાધાના કૃષ્ણ આ બે સ્વરૂપો કવિઓને વિશેષ વ્હાલા લાગ્યા છે… કૃષ્ણપ્રેમના ગીતો જેમણે જેમણે રચ્યા, રાધાના વિરહને જેઓએ શબ્દોમાં વહાવ્યો, જનમાનસમાં એ કોતરાઈ ગયાં છે. આ ગીત પણ એવું જ હૃદયસ્પર્શી અને સચોટ બન્યું છે. વાંચતાં જ ગાવાનું મન થાય એવા આ ગીતને સૌ કોઈ વધાવે.            

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: