Posted by: readsetu | ડિસેમ્બર 14, 2015

Kavysetu 213 Rina Manek

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 1 ડિસેમ્બર 2015

કાવ્યસેતુ 213   લતા હિરાણી

બારણાં પરના દરેક ટકોરે

ધડકવા લાગે છે હૃદય

ભરડો લે છે કોઈ અજાણ્યો ભય

વધુ ઘેરી થાય છે એકલતા…

થાય છે, જાણે ક્યાંક

ચણાતી જાય છે ઈંટ પર ઈંટ…

ન કોઈ દરવાજો, ન ટકોરા

ને તોય પ્રતીક્ષા

કોઈ આવે અને તોડી નાખે

આ પાંચમી દીવાલ. … રીના માણેક

 

એકલતાનો અજગર ભરડો લે ત્યારે પિસાઈ જવાય, રહેંસાઈ જવાય. આસપાસમાં કોઈ ન હોય તોય જાણે ભીષણ યુદ્ધ ફાટી નીકળે, બોંબમારાની વર્ષા થાય. શૂન્ય હવામાં ચિત્કારો અને આહો એટલા ઘૂંટાય કે કાનમાં બહેરાશ લાવી દે. વાતાવરણના એક એક કણમાં પીડા છવાઈ જાય. એકલતા શાને લીધે છે, કોના વગર છે, ક્યારથી છે, કેમ છે વગેરે પ્રશ્નો અર્થહીન છે. આ ભાવની ભીંસ એટલી જબરદસ્ત હોય છે કે જન્મ્યા ત્યારથી પડેલા દુખોનો સરવાળો કરીએ તો પણ વધી જાય એવું બને અને સાચું કારણ ક્યાંક કણની જેમ પડ્યું હોય !

એકલતાની ભીડમાંથી બહાર નીકળવા માટે ક્યારેક બસ એક હાથ લંબાવવાની કે એકાદ ડગલું માંડવાની જરૂરિયાત હોય પણ એ ન થઈ શકે. આ ભોગવનાર વ્યક્તિ પાસે જરા જેટલી હામ કે શક્તિ ન બચ્યાં હોય ! ભયની ભૂતાવળ બારણાની તિરાડોમાંથી પ્રવેશીને ધ્રુજાવી દેતી હોય. એકલતા કોઈના વગર હોય અને એના આવવાથી બધા કારણનું મારણ થઈ જતું હોય તોય અહી વાત જરા જુદી છે.

બારણાં પરના ટકોરાથી વાત શરૂ કરીને પહોંચે છે કશું ન હોવા સુધી. હવાની જ દીવાલો અને એમાં જ ચણાતી જાય છે ઈંટ પર ઈંટ. દરવાજો અદૃશ્ય છે ને ટકોરા શ્રાવ્ય નથી પણ સરવાળે ભણકારા અસહ્ય છે. બધું મળીને છાતી પર પહાડ ખડકતા જાય છે. નાયિકાને પ્રતીક્ષા છે, કોની ? કોઈ આવે, જે એકલતાનો અભિશાપ દઈને ગયું છે ! કોઈ આવે, જેના જવાનું દુખ સતત ટાંકણીની જેમ ભોંકાતું રહે છે.  પ્રેમની આ જ ખૂબી છે. જે આગની જ્વાળાથી તન-મન બળતા હોય ને તોય એ જ અગનમાં ફરી ફરી કૂદી જવાતું હોય.

વિહવળતા એની અંતિમ સીમાએ પહોંચે ત્યારે મનની સ્થિતિ ભયંકર બની જાય છે. શબ્દ વગરનો શોર એને પોતાને જ ફાડીને લીરેલીરા કરી નાખે છે. અવાજ વગરના હથોડા એના પોતાના જ કટકે કટકા કરી નાખે છે. વળી આટલી ભયંકર પરિસ્થિતી બીજાની નજરે ‘સબ સલામત’ની છડી પોકારતી રહે એની ફરિયાદ કોને જઈને કરવી ?

કોઈ આવે અને આ એકલતાની દીવાલ તોડી નાખે. કોઈ આવે અને આ ભયના કાંગરાઓ ખેરવી નાખે. પ્રેમમાં મન એકવાર પણ તર્ક નહીં કરે કે જેને આવવું હોય એ જઈ જ કેમ શકે ? કોઈ જતું રહ્યું છે કેમ કે એને જવું હતું, હવે રાહ જોવાનો શો અર્થ છે ? પણ ના, પ્રેમની પીડાથી ભરેલું મન એ તર્ક નહીં કરે. એ રટ લગાવ્યા કરશે, રાહ જોયા કરશે કે કોઈ આવે, કોઈ આવે, કોઈ આવે……

સરળ શબ્દોમાં કવયિત્રીનું આ અછાંદસ કાવ્ય એક સરસ લયમાં વહે છે. એના બેય કિનારા પરના જળ દેખીતી રીતે શાંત વહે છે પણ અંદર ડૂબકી લગાવો તો આકાશી ઉલ્કાપાત અનુભવી શકાય. અદૃશ્ય એવી પાંચમી દીવાલ તોડી નાખવાની પ્રતીક્ષા કવિતાને કાવ્યત્વ બક્ષી જાય છે.

આ ગીત યાદ આવે છે.

યે તનહાઈ કા આલમ, ઔર ઇસ પર આપકા ગમ

ન જીતે હૈ, ન મરતે, બતાઓ ક્યા કરે હમ,

અકેલે હૈ, ચાલે આઓ, જહાં હો…. કહા આવાઝ દે તુમકો, કહાં હો….

તુમ્હે હમ ઢૂંઢતે હૈ, હમે દિલ ઢૂંઢતા હૈ. ન અબ મંઝિલ હૈ કોઈ, ન કોઈ રાસ્તા હૈ…

અકેલે હૈ, ચાલે આઓ, જહાં હો…. કહા આવાઝ દે તુમકો, કહાં હો….

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: