Posted by: readsetu | ડિસેમ્બર 17, 2015

Kavyasetu 215 Ishita Dave

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 15 ડિસેમ્બર 2015

કાવ્યસેતુ 215  લતા હિરાણી

બાદબાકી રોજ ખુદની થાય સરવાળા મહીં

હું ય જીવું છું દિવસ ને રાતના ગાળા મહીં

કોણ કોની વેદનાને સાંભળે એ તું કહે

સૌ અહીં જીવી રહ્યાં છે લોહીઉકાળા મહીં.

આકરા છે પાળવા ઇચ્છા તણા આ મૃગજળો

એ ય દોડાવશે લ્યો ધોમ ઉનાળા મહીં.

છૂટવાને હું મથું છું, સ્વના કારાગારમાં

ને ખબર નહીં, કોણે બાંધી જાતને જાળા મહીં.

છે મરણ અવસર સમું તો લોક કોને રોવે ‘ઇશુ’

’હું નથી’નો ગમ મને છે કે નથી માળા મહીં. ….. ઇશિતા દવે

કવિતાના ક્ષેત્રમાં હવે કવયિત્રીઓનો સમૂહપ્રવેશ ઝડપભેર થઈ રહ્યો છે. સારી કવયિત્રીઓ પહેલાં પણ હતી પરંતુ સંખ્યાની દૃષ્ટિએ આંકડો પાંખો કહી શકાય એવો હતો. હવે મન, ચિત્ત પ્રસન્ન થાય એવી કવિતાઓ લઈને મોટી સંખ્યામાં કવયિત્રીઓનું આગમન થઈ ચૂક્યું છે અને એમાંય ખાસ કરીને ગઝલનો સૂર્ય ઝળાંહળાં થઈ રહ્યો છે.

ગઝલના પ્રત્યેક શેરને યથેચ્છ વિહાર કરવાની છૂટ હોય છે. અહીંયા અમુક અંશે એવું ખરું પણ તોય આખી ગઝલના દરેક શેરની પાછળ નિરાશાની, હતાશાની એક અદૃશ્ય લકીર પામી શકાય છે. કંઈક એવું છે કે જેણે મનને આળું કરી નાખ્યું છે. બધું મળતું રહે છે, આવતું રહે છે ને તોય મન પાછું પડ્યા કરે છે. જાત માટે અભાવ જાગી આવે એટલી હદ સુધી. કવિ આદિલ કહે છે,

આદિલ કરો વિચાર, નહીં જીરવી શકો, સુખના બધા પ્રકાર નહીં જીરવી શકો,                                  થાકી જશો શરીરની સાથે ફરી ફરી, હોવાપણાનો ભાર નહીં જીરવી શકો.

સરવાળાઓ એટલા પજવે છે કે ખુદને બાદ કરી દેવા મન જીદે ચડે છે. અસ્તિત્વ આકરું બની જાય છે. કશું નથી જોઈતું ને જીવવું પડે છે. દિલને અસહિષ્ણુતાનો રોગ લાગ્યો છે.     

પીડા સૌ પાસે છે, ફરિયાદ લઈને સૌ દોડે છે પણ ‘જાયે તો જાયે કહાં’ જેવો ઘાટ છે. દરેક પાસે આ જ પોટલું છે. ચારેબાજુ લોહીઉકાળા સિવાય બીજું કશું નથી. બધાને કહેવું છે ને સાંભળનાર કોઈ નથી ! આ વાસ્તવિકતા છે, સચ્ચાઈ છે. શાંત થવાનો એક જ રસ્તો છે કે પીડાને સ્વીકારી લેવી. વેદના એ જીવનનો જ ભાગ છે. ફરિયાદ કરશો તો પણ અને નહી કરો તો પણ એ તો રહેવાની જ. હિન્દી ફિલ્મી ગીત યાદ આવે છે, ‘ગમ ઉઠાનેકે લિયે મૈ તો જીયે જાઉગા’ અલબત્ત ત્યાં તો પછીની લાઈનમાં વાત ફન્ટાઈ જાય છે. આપણી નિસ્બત અત્યારે આ આગલી લાઈન સાથે છે. જીવવાનું છે અને પીડાને ખમી લેવાની છે. ‘સ્વીકાર’ ભારને હળવો કરી શકે.

 ઈચ્છાઓ કમાનમાંથી છૂટેલા તીર જેવી હોય છે. એકવાર ઇચ્છાને વશ થયા પછી ધોમધખતો ઉનાળો હોય કે હિમની ચાદર, દોડ્યા જ કરો. ક્ષિતિજને આંબવામાં કોણ સફળ થયું છે ? મૃગજળથી પ્યાસ કોણ બુઝાવી શક્યું છે ? એટલે જ કોઈએ કહ્યું છે,

હસરત, તમન્ના, ઇશરત, ઉમ્મીદ, આસ, નિસ્બ,  

સામાન ઇતના ઝિયાદા, છોટે સફર મેં મત રખ.

સમજણ આવી ત્યારથી જાતજાતના જાળાં જાણ્યે અજાણ્યે આસપાસ બંધાવાના શરૂ થઈ જાય છે અને પછી એમાંથી છૂટવા માનવી જીંદગીભર તરફડે છે ને એને ખબર નથી કે આ કેમ થઈ ગયું !

મરણને અવસર ગણાવતા લોકો પણ આંસુ સારવા બેસે છે ત્યારે હાસ્યાસ્પદ સ્થિતિ નથી ઊભી થતી ? બીજી બાજુ મોત કેટલાય પડદાઓ ખોલી નાખે છે ! કાળદેવતાએ પોતાનું કામ પૂરું કર્યું. કોની ખોટ પડી, કોને પડી ? આ બધા પૃથક્કરણો થાય તો ! રડવાની સચ્ચાઈ જાહેર થાય તો કેટલાય નકાબ ખૂલી જાય. શોકસભાની ભીડ મોટેભાગે એક નાટકથી કમ નથી હોતી ! કવિ ચીનુ મોદી કહે જ છે ને ! ‘એક જણ સાચું રડે તો બહુ થયું, મૌન ક્યાં આખી સભાનું જોઇએ !

અંતમાં કવિ હિમાંશુ ભટ્ટના આ શેરોથી સમાપન કરીએ.

સાવ સાદો દાખલો ખોટો થયો, એક ડાઘો ભૂંસતાં મોટો થયો.

જીતવું પણ હારના જેવું હતું , આપણો જુદો નફોતોટો થયો.

ક્યાં બુલંદી કોઇને કાયમ મળી ? એક તારો એક લિસોટો થયો.

હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: