Posted by: readsetu | ડિસેમ્બર 29, 2015

Kavysetu 217 Gayatree Bhatt

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 29 ડિસેમ્બર 2015

કાવ્યસેતુ > 217   લતા હિરાણી

વાત સૌ સમજી ગયું છે આંગણું
આખું ઘર વાંચી ગયું છે આંગણું.

બાળપણની યાદ આવી ગઈ હશે
એટલે પલળી ગયું છે આંગણું.

દ્વાર છત દીવાલ સૌ ફફડી ઉઠ્યાં
સ્હેજ જો ધ્રુજી ગયું છે આંગણું.

એક જણની રાહ જોઈ જોઈને
આખરે ઊંઘી ગયું છે આંગણું.

એટલે ઘરમાં રહું છું ચેનથી,
સૌ સમજ આપી ગયું છે આંગણું.

હું સમયસર ઘર અગર પ્હોંચી નહીં
શોધમાં દોડી ગયું છે આંગણું.

મોભના માથે પસીનો જોઈને
એકદમ થાકી ગયું છે આંગણું….. ગાયત્રી ભટ્ટ

સ્ત્રીને માટે આખું ઘર જીવંત હોય છે. ઘરની એક એક ચીજ ને ઘરના એક એક ભાગ એના શ્વાસ સાથે શ્વસતા હોય છે. સ્ત્રી માટે ઘરમાં કશુંય નિર્જીવ નથી કેમ કે એની ઘરના કણેકણમાં વિસ્તરેલી હોય છે. કોઈ આવવાનું હોય ત્યારે આંખ, કાન અને ડેલીમાં જબરું એકત્વ સ્થપાઈ જતું હોય. ડેલી ખુદ ટકોરા દેશે એવું લાગતું હોય. ફળીયામાં રેલાતું રાતનું અંધારું એને પિયુનો સાદ સંભળાવતું હોય ને ઓસરીનું અજવાળું એને પોતાના બાળકની કિલકારીઓ સંભળાવતું હોય. સમય થયે એને ચૂલો સાદ દઈને બોલાવતો હોય કે ઘરની કેટલીય ચીજો એના સ્પર્શને તલસતી હોય !

આંગણામાં રેલાતો તડકો કે ફેલાતો છાંયડો એની છાતીના ધબકારામાં વણાતા જતાં હોય. ઘરમાં પડતાં પ્રત્યેક પગલાં એને કોઈ ને કોઈ ખબર, સંદેશા પહોંચાડતા હોય જે એના સુખ દુખ સાથે વણાઈ જતાં હોય. સ્ત્રી અને એના ઘરને જુદા કરી શકાય નહીં, જુદા સમજી શકાય નહીં. શરીર અને ત્વચા જેવો સંબંધ કહી શકાય. સ્ત્રીને જ્યારે ઘર છોડવું પડે છે ત્યારે એનો આત્મા અળપાઈ જાય છે. ઘર સાથેની એની મમતા પતિ, સંતાનો કરતાં  જરા જેટલીય ઓછી નહીં હોય !

પ્રત્યેક શેરમાં કવયિત્રીએ ઘરના આંગણાને રોપ્યું છે, ઊગાડ્યું છે. જીવનના દરેક ધબકાર એમણે આંગણામાં ઝીલ્યા છે. વરસાદે પલળતા આંગણામાં કવિને બાળકના ભીંજાતા મનના દર્શન થાય છે. આંગણું ખુદ જાણે બાળક બની જાય છે. જ્યાં લોકો સાથે રહે છે ત્યાં કશુંક સારું નરસું બનતું જ રહેવાનું. આંગણામાં થતો વ્યક્તિનો પ્રવેશ એ સારી રીતે અનુભવે છે, પગલામાં ભળેલો નકારાત્મક ભાવ એને ક્યારેક હલાવી જાય છે અને આંગણાની સાથે ઘરની દીવાલો, છત પણ ધ્રુજી ઊઠે છે. જેના આગમનની પ્રતિક્ષા છે, એ દરવાજે દસ્તક નથી દેતું ત્યારે આંગણું આખરે દુખી થઈ શાંત થઈ જાય છે, આંખો મીંચી દે છે.  

હું સમયસર ઘર અગર પ્હોંચી નહીં, શોધમાં દોડી ગયું છે આંગણું.

મોભના માથે પસીનો જોઈને, એકદમ થાકી ગયું છે આંગણું.”

નાયિકાને શોધવા આંગણું નીકળી પડે છે. કદાચ પોતે જ પોતાને શોધવા જવું પડે એમ હોય એટલે કે આંગણાના માધ્યમથી આંતરખોજ તરફ ઈશારો હોઈ શકે. આટલું જ નહીં, ઘરના મોભ, ઘરની મુખ્ય વ્યક્તિના માથે મુસીબત આવી પડે ત્યારે આંગણું પણ થાક અનુભવે છે.             

આ બધું હોવા છતાં કવિ આંગણામાં સ્થિતપ્રજ્ઞતાનો ભાવ પણ સરસ રીતે આરોપે છે. જીવનમાં સુખ અને દુખ આવ્યા જ કરવાના. એનાથી વિચલિત થઈએ તો પણ એને રોકી તો નહીં જ શકાય. આંગણું સઘળી આવનજાવનને શાંતિથી નિહાળ્યા કરવાની ફિલોસોફી નાયિકાને શીખવી જાય છે. શરૂઆતના શેરોમાં આંગણામાં આરોપાયેલું  ભાવનાત્મક નિરૂપણ કહો કે આંગણાનું માનવીયકરણ અહીં થોડું બદલાય છે. જેમ માનવીમાં બને છે એમ જ. ક્યારેક વિચલિત, આંદોલિત તો ક્યારેક સમતાભર્યું

આંગણાના માધ્યમથી કહેવાયેલી દરેક બાબત આખરે સ્ત્રીના ઘર સાથેના તાદાત્મ્યની કથા છે. .  સ્ત્રીની છાતીના માળામાં એના સ્વજનોની સાથે સાથે એનું ઘર પણ એક જીવંત વ્યક્તિની જેમ વસતું હોય છે. સ્ત્રી ઘરમાં જીવે છે ને એનામાં ઘર. સ્ત્રી જ વહાવી શકે એવી સુંદર ભાવના.

લો, આ જ કવયિત્રીની સંવેદનાને સ્પર્શી જતી આવી જ બીજી રચના.

સગપણો શીખી લઉં છું પાણિયારે
આખું ઘર સીંચી લઉં છું પાણિયારે.

આપણા સંબંધનો દીવો કરું છું
હું તને જીવી લઉં છું પાણિયારે.

આ ઘડામાં જળ નથી પણ જીવ છે, જો !
જીવતર ઝીલી લઉં છું પાણિયારે.

કોક વેળા એકલી થઈ જાઉં છું તો
પનઘટો તેડી લઉં છું પાણિયારે.

માટલું છે સ્વચ્છ નિર્મળ નીર પણ છે
લાગણી ગાળી લઉં છું પાણિયારે.

માત્ર જળને ગાળતાં શીખી નથી હું
જાત ઑગાળી લઉં છું પાણિયારે.

છે ઉપરછલ્લી રમત જળને પીવાની
ગમ ઘણાયે પી લઉં છું પાણિયારે.

 

 

 

 

 

 

 

 

  

 

 

Advertisements

Responses

 1. “એટલે ઘરમાં રહું છું ચેનથી,
  સૌ સમજ આપી ગયું છે આંગણું.”
  ——————————————

  • thank u Vimalji.

  • Thank u Vimalaji.

   >

 2. સુંદર શબ્દો ના સરવાળા થી શણગારેલ કવિતાઓ માણીને મઝા આવી….

  • Thank u Premrajbhai..

   Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: