Posted by: readsetu | જાન્યુઆરી 7, 2016

Kavysetu 218 Harishchandra Joshi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 5 જાન્યુયારી 2016

કાવ્યસેતુ 218   લતા હિરાણી

પાથર્યું આજે આણું

ચાકળા, તોરણ, તકિયા ભેળું સાંજ ઘેરાતું ટાણું….

પેટીઓ જરીક ખોલતાં વેંત જ પિયરિયું છલકાયું

કોડ ભરેલું ત્રાંબા બેડું પાણિયારે મલકાયું

રહી રહી પડઘાય ઊંડાણે સહિયરોનું ગાણું………

બાઇજીને અભરાઇ ફાટફાટ, ઓરડો ઝાકમઝોળ

પોરસાતા, પાન ચાવતા ઝૂલે સસરાજી હિંડોળ

ઘૂમટા નીચે સંઘરાયું મા-બાપનું મોંઘુ નાણું…

અળતો, પીઠી, ગુંદિયા, કંકુ, મેંદી અને સિંદૂર

ચાર ભીંત્યુ વચ્ચ ઊમટ્યું રે પાંચ રંગનું ઘેઘૂર પૂર

મનવાડીના મોરલે થાપ્યું રુદિયે કાયમ થાણું….

ટેરવાંએ દિન-રાત ભર્યુંતું સપનું ટાંકે ટાંકે

આજ ફળ્યું થઇ કેસરી છોગું સાવ તે ખુલ્લી આંખે

કેટલી રાતો પીગળી ત્યારે આમ ઊગ્યું એક વ્હાણું…. હરિશ્ચન્દ્ર જોશી 

આણું શબ્દ કાને પડતાં જ એક જુદી સૃષ્ટિ નજર સમક્ષ ખડી થઈ જાય છે. દીકરીને પરણતી વખતે અપાતું કન્યાધન એ આણું, જેમાં દાગીના, કપડાં, વાસણો અને ઘરવખરી તેમ જ ઘરને શોભાવતી જુદી જુદી ચીજવસ્તુઓનો સમાવેશ હોય. દીકરી થોડી મોટી થાય એટલે એને ભરતકામ, મોતીકામ જેવી તાલીમ ઘરમાંથી જ મળવા માંડે. એનું ભરતગૂંથણ એના આણાની તૈયારી રૂપે સંઘરાવા માંડે. દીકરીને સમજ આવે એટલે એના મનમાં પણ આ બધી ચીજવસ્તુઓ સાથે સાસરિયું જોડાઈ જાય. પોતાના મનના મોરલીયો કેવો હશે એની કલ્પનામાં એક એક ટાંકો લેવાતો જાય. રાત એના સપનામાં જાય.

સૌરાષ્ટ્રમાં આણું પાથરવાની પ્રથા છે. લગ્ન પહેલા પિયરમાં અને પછી સાસરિયામાં નવી વહુનું આણું સગાવહાલાઓ સમક્ષ પાથરવામાં આવે. સૌ જુએ કે માબાપે દીકરીને શું શું આપ્યું છે ! આમ તો હવે શહેરોમાં આણું પાથરવાની પ્રથા ભૂંસાતી જાય છે પણ ગામડામાં હજુ આ પ્રથા ચાલુ છે.

પરણીને આવેલી નવી વહુનું આણું પથરાયું છે. એના મનમાં ઉઠતી ઊર્મિઓનું કવિએ નજાકતભર્યું વર્ણન કર્યું છે. એક પુરુષ જ્યારે આવી ભાવનાઓ આલેખે ત્યારે એના માટે કસોટી હોય છે પણ અહીં પરકાયાપ્રવેશ બહુ સરસ અને સફળ રીતે થયો છે. ગીતાનો લય એવો મધુરતાથી વહે છે, જાણે ઘુઘરિયાળું ગાણું !   

લોકો ભેગા થયા છે આણું જોવા. સાંજ પડી ગઈ છે અને નવોઢાના મનમાં કેટકેટલા ઉમંગો છલકાય છે. એ ગઈ કાલ અને આજ વચ્ચેના હિંડોળે ઝૂલે છે. ક્ષણોના ઝરૂખે ઘડીક પિયરિયું તો ઘડીક સહિયરો સાદ દઈ જાય છે. ઘરની લક્ષ્મી આવી, ઘર અભરે ભરાયું એનો હરખ બાઈજી એટલે કે સાસુજીને બે વેંત ઊંચા કરી દે છે. દીકરાને પરણાવ્યાનો અને ઘરમાં રૂમઝૂમતી વહુ લાવ્યાનો હરખ સસરાજીને પણ એટલો જ છે. હિંડોળાખાટે પાન ચાવતા ચાવતા એ પોરસાય છે. પગની ઠેસમાં હવે વંશવેલાની વૃદ્ધિનો ઉમંગ પણ ભળ્યો હોય ! કવિના મનમાંથી એ સમય અહી ઠલવાયો છે જ્યારે આણા પેટીઓમાં ભરાઈને આવતા. ચળકતા વાસણોથી ભરેલી અભેરાઈઓ ઘરની શોભા અને ઘરનો વૈભવ હતા. ચમકતા ત્રાંબાના બેડાથી પાણિયારા રૂડા લાગતાં.

માબાપે પોતાના કાળજાના કટકાને સેંકડો અરમાન સાથે પારકે ઘેર વળાવી છે. કેટકેટલા સાજશણગાર કરીને ઘૂમટો તાણીને નવોઢા બેઠી છે. ચાર દીવાલો વચ્ચે શરીર સંકોરીને બેઠેલી કન્યાની આંખોમાં સપનાઓનો દરિયો હેલે ચડ્યો છે. એક નવા જીવનમાં જવાનું, પરણ્યા સાથેના પ્રથમ મિલનની કલ્પનાનું પૂર બે કાંઠે વહ્યું જાય છે. હૃદયમાં તો એ વસ્યો છે, સદેહે સામે આવશે ત્યારે એના હેતને કઈ છાબમાં ઝીલીશ ? ચાકળા-તોરણના ટાંકે ટાંકે મનના માણીગરનું સપનું પરોવ્યું છે, ટેરવાએ એનો સતત સ્પર્શ અનુભવ્યો છે. આજ એ કેસરી છોગાને સાવ ખુલ્લી આંખે નિહાળવાનો યોગ આવી પહોંચ્યો !

સમય સાંજનો છે ને રાત પડવાની તૈયારી છે પણ અહી કન્યાની આંખમાં મિલનનો ઉજાસ રેલાયો છે. વરસોની લાંબી પ્રતિક્ષારાતને અંતે મિલનનું વહાણું ઊગ્યું છે ! વાહ, કેટલું અદભૂત ! ગીતનું સૌથી ઉજળું ઘરેણું !   

સૌરાષ્ટ્રના ગામડાના વાતાવરણમાં ઊઘડતું, એ જ ભાષા, શબ્દો અને લહેકાને લઈને આવેલું આ ગીત ભાવકને પણ ઝૂલાવી દે છે. આ બધી વાતો, શબ્દો, સંસ્કૃતિ ધીમે ધીમે ભૂંસાતા જાય છે, કદાચ એક-બે પેઢી પછી આ શબ્દો માત્ર ડિક્શનરીમાં જ ગોઠવાયેલા હોય એવું બને, ત્યારે આવા ગીતો એની આવરદા વધારી શકે ખરા !           

 

 

 

Advertisements

Responses

  1. khub sars vah

    • thank you Pragnaji..

      On Fri, Jan 8, 2016 at 12:23 AM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

      >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: