Posted by: readsetu | જાન્યુઆરી 21, 2016

Kavyasetu 220 Pradip Sheth

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 19 જાન્યુઆરી 2016

કાવ્યસેતુ  220 લતા હિરાણી  (Original article)

ટેરવા સળગ્યા કરે છે, સ્પર્શનાં આકાશમાં
ઝંખના વળગ્યા કરે છે, સ્પર્શનાં આકાશમાં.

સાવ કોરા આયખાને આંગણે લીપ્યા કરું,
ટોડલા મહેક્યા કરે છે, સ્પર્શનાં આકાશમાં.

ઉંબરે ઉભા રહીને ઓરડો ઓઢી લીધો,
સોળ અશ્વો હણહણે છે, સ્પર્શનાં આકાશમાં.

છમ્મલીલી લાગણીનો દેહ જ્યાં પીગળી જતો,
રહી જતો ખાલી અજંપો, સ્પર્શનાં આકાશમાં.

રોજ સાંજે શ્વાસનો પર્યાય શોધું જાતમાં,
ને પછી ભટક્યા કરું હું, સ્પર્શનાં આકાશમાં .…..પ્રદીપ શેઠ

અશરીરી, દિવ્ય પ્રેમની વાત સાચી અને સ્પર્શી જાય એવી છે પણ એની અનુભૂતિ થવી એટલી સહેલી નથી. બહુ ઓછા લોકો આ પામી શકે છે. આની સાથે સાથે એ સત્ય પણ સ્વીકારવું રહ્યું કે શરીરનો, સ્પર્શનો મહિમા સ્હેજે અવગણી શકાય નહીં. કદાચ દિવ્ય પ્રેમ તરફ જવાની એ સીડી ગણી શકાય. ભૌતિકથી અભૌતિક તરફનો પ્રવાસ. સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રા.

કવિ પ્રદીપ શેઠની આ રચનામાં એવા કોઈ સંકેત મને દેખાતા નથી. સુવાંગ શરીરની ઇચ્છાઓનો મહિમા કરતી આ રચના છે. કવિ કાલિદાસથી માંડીને આજના યુવાન ઊભરતા કવિઓ કે કલાકારો સુધી બધે જ શરીરનો મહિમા વર્ણવાયો છે, ચિત્રોમાં ચિતરાયો છે, શિલ્પોમાં કંડારાયો છે. જે સમયે એ દર્શાવવું કે વ્યક્ત કરવું શરમજનક ગણાતું એ સમયમાં પણ આપણા પ્રાચીન કવિઓએ એનો બાધ રાખ્યો નથી અને કળા તરીકે એ સ્વીકારાયું પણ છે.     

નાયિકા સ્પર્શના આકાશને ઝંખે છે. જ્યાં તમામ અંતર ઓગળી જાય, ભેદ મટી જાય એ સ્પર્શ અને જ્યાં અનહદનો વિસ્તાર થાય એ આકાશ… એ રીતે ‘સ્પર્શના આકાશમાં’ શબ્દપ્રયોગ મને સ્પર્શી ગયો.

સ્પર્શની ભાષા ટેરવાંથી વધારે કોણ સમજી શકે ? ટેરવાં સળગે છે કેમ કે કોઈને મળવાની, પામવાની ઝંખના તીવ્ર રીતે વળગેલી છે. એને જવું છે સ્પર્શના આકાશમાં. એવો સ્પર્શ કે જ્યાં દેહભાન ન રહે, અસ્તિત્વના કણેકણમાં એ વ્યાપી જાય. ટેરવાંથી આરંભ થયેલી સફર અનુભૂતિને એ ઊંડાણ સુધી લઈ જાય કે પછી સ્પર્શ જ દૃશ્ય, શ્રવણ, શબ્દ કે સુગંધનો પર્યાય બની જાય ! સમગ્ર શરીર ટેરવાંનું ગીત બની જાય.

કોઈના આગમન માટે મન કેવું ઝંખે છે કે કોરા આયખાને આંગણમાં લીંપવા તૈયાર થાય છે. અહીંયા કદાચ કોરાશ અને ભીનાશ વચ્ચેનો વિરોધાભાસ સર્જી કવિ પીડાની તીવ્રતા તરફ ઈશારો કરે છે. કોરાધાકોર જીવનમાં સ્પર્શની તરસ વ્યાપે ત્યારે ટોડલા મહેકી ઊઠે. કોઈ પડદો રાખ્યા વગર નાયિકા કહે છે, યૌવનના સોળ અશ્વો હણહણી ઊઠે ત્યારે માત્ર ઓરડો ઓઢવાનું મન થાય ! સ્પર્શ પામ્યા વગરનો દેહ પીગળવા માંડે પછી અજંપા સિવાય શું બચે ? સંગાથની તરસ સાંજ પડતાં તીવ્ર બને અને અંતે ખુદમાં જ ખોવાવાનું કિસ્મત સ્વીકારવું પડે !  

દેહ અને દેહની બળકટ ઇચ્છાઓને ભરપૂર વ્યક્ત કરતી આ રચનામાં નારીવાચક ક્રિયાપદો નથી, એ રીતે એનો ઉલ્લેખ ભલે ન હોય પણ અભિવ્યક્તિની રીત – આયખાને આંગણે લીંપવાની વાત કે ઉંબરે રહીને ઓરડો ઓઢવાની ઇચ્છા કે ટોડલો મહેકયાની વાત – સ્પષ્ટ રીતે નારીના મનોભાવોનો સંકેત છે. સમગ્ર રીતે જોઈએ તો આ રચના નાયિકાના મુખે કહેવાઈ હોય તો પણ એ સ્ત્રી-પુરુષના ભેદ વગર લાગુ પાડી શકાય છે.

લો, આ જ કવિની કંઈક આવી જ બીજી રચના. તમને ગમશે.

એક ટહૂકો સાંભરે, ભીનાશ મારામાં ઊગે

રોજ સાંજે થોરની લીલાશ મારામાં ઊગે.

એક દરિયો યાદનો ટોળેવળે ટોળેવળે,

રેટભીના આંસુની ખારાશ મારામાં ઊગે.

તું અચાનક આવવાની વાત વાગોળ્યા કરું

સાવ અંગત સ્પર્શનો અહેસાસ મારામાં ઊગે.

આઈનાનો ઓરડો એકાંત લઈને ખળભળે,

સાવ સૂની રાતનું આકાશ મારામાં ઊગે.  

મૌન પડઘાયા કરે ચારે દિવાલોમાં પ્રદીપ

કેનવાસી શબ્દના નિશ્વાસ મારામાં ઊગે.

Advertisements

Responses

  1. ખુબ સુંદર રચના

  2. Very nice..

    • thank you Maulikbhai.

      On Fri, Jan 22, 2016 at 7:52 AM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

      >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: