Posted by: readsetu | જાન્યુઆરી 26, 2016

Kavyasetu 221 Sandhya Bhatt

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 26 જાન્યુઆરી 2016

કાવ્યસેતુ 221  લતા હિરાણી   (Original Lekh)

ઘાવ આપે, દાવ આપે માણસો

જાત પોતાની જ સ્થાપે માણસો.

પૃથ્વી ને પાણીને તો કોરી લીધા

આભની વાણી ઉથાપે માણસો.

ખૂબ સંશોધન કર્યું સૌ ક્ષેત્રમાં

માત્ર પોતાને ન માપે માણસો.

સ્હેજ પણ જગ્યા ન આપે કોઈને

બસ, બધે પોતે જ વ્યાપે માણસો

ક્યારે ડૂબશે ? કોઈ ઠેકાણું નથી

જો, તરે કેવા તરાપે માણસો ! ……… સંધ્યા ભટ્ટ 

હમણાં છાપામાં હેડિંગ વાંચ્યું, ‘શીખવાની મનાઈ છે.’ વાત હતી પૂરસંકટની. ધરતીકંપ, ભૂસ્ખલન, દુષ્કાળ, વિનાશક પૂર, મેઘતાંડવ કેટકેટલી કુદરતી હોનારતો સર્જાય છે ! પોતાને હદ કરતાં વધારે અડપલાં કરવાની સજા સ્વરૂપે કુદરત કેટકેટલી ચેતવણીઓ આપે છે ! સેંકડો, હજારો, લાખો માણસો મરે છે. બીજી અનેક પ્રકારની બરબાદી જુદી. આવું બને ત્યારે મીડિયા આખું ઉમટી પડે. એકી અવાજે એને વખોડાય, સહાનુભૂતિના સૂરો રેલાય, સહાયના પૂર છલકાય, સમજણના લેખો લખાય, પછી શું ? આવું થયા જ કરે ! નિષ્ણાતો એનું વિશ્લેષણ કરે, તારણો કાઢે અને સરવાળો માનવીના સ્વાર્થ પર આવીને અટકે. પણ એથી શું ? ખરી વાત છે, ‘શીખવાની મનાઈ છે !’

કવિ સંધ્યા ભટ્ટની આ ગઝલ માનવજાતના સરેરાશ સ્વાર્થી અને મતલબી સ્વભાવની ઠેકડી ઉડાવે છે. એને હમ્મેશા પોતાનો કક્કો ખરો કરવો છે. જાતથી આગળ એને કંઈ દેખાતું નથી. પોતાના મતલબ માટે એ બીજાને છેતરતા, દુભાવતા, ઘા કરતાં જરાય ખચકાતો નથી. કોઈને હરાવવા માટે એ ગમે તેવી રમત રમી શકે છે. બધામાં પોતાનો ભાગ હોવો જોઈએ, પોતાનું સ્થાન હોવું જોઈએ. ધરતીના પેટાળ સુધી પૂરી ક્રૂરતાથી એણે હથોડા વીંઝ્યા છે ને પાણીના ઊંડાણમાંય પોતાની ઇજારાશાહી સ્થાપતા એને કુદરતની કોઈ શરમ નડી નથી. માથે છત્રરૂપે રહેલા આકાશને પ્રદૂષિત કરવામાં એણે કોઈ કસર નથી છોડી. નામ ભલે સંશોધનનું હોય, વિકાસનું હોય, માનવીની સગવડોનું હોય પણ માફ ન કરી શકાય એ હદે એ વિવેકભાન ચૂક્યો છે ! બધું જાણી લેવાની લ્હાયમાં એ પોતાને જાણવાનું ચૂકી ગયો છે.  કવિ અશરફ ડબાવાલા કહે છે,

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ?

એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયા આવે….  

માનવીની મનોવૃત્તિ, લાલસા એને ક્યાં લઈ જશે કોણ જાણે ! એના પગ નીચે ધરતી છે કે નહી એનું એને ધ્યાન નથી. આંખો સામે મંડાયેલી છે પણ લક્ષ્ય બદલાઈ ગયું છે. સારપને બદલે સ્વાર્થ, સેવાને બદલે મેવા, કરુણાને બદલે ક્રૂરતા, સ્નેહને બદલે શત્રુતા… આ બધુ એને ક્યારે ડૂબાડશે, એ પણ એ જાણતો નથી, વિચારતો નથી. ગાંધારીની જેમ એણે આંખે અને એ રીતે પોતાની સમજદારી પર પાટા બાંધી દીધા છે. એને સાચું જોવું નથી, સાચું સાંભળવું નથી, સાચું બોલવું નથી. સ્વાર્થના પાયા પર રચાયેલી એની દુનિયા પત્તાના મહેલની જેમ કડડભૂસ કરતી તૂટી પડશે ત્યારે એની પાસે બચાવવાનો કોઈ વિકલ્પ નહીં હોય… આમ કરીને એ પોતાના જ પગ પર કૂહાડો મારી રહ્યો છે તેનું પણ તેને ધ્યાન નથી. પોતાના કરતૂતો પોતાની ભાવિ પેઢીને સહન કરવા પડશે એનો એને વિચાર નથી..  

મને અહીં કવિ ક્રુષ્ણ દવેની રચના ટાંકવાનું મન થાય છે.

પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે

ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને

પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

સંબંધોની ફાઇલ રાખી ને ચહેરા ઉપર સ્માઇલ રાખી

લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

          

 

   

Advertisements

Responses

 1. આસ્વાદ વાંચન એ મારો પ્રિય વિષય છે. તમે ખુબજ સરસ આસ્વાદ લખો છો. મેં એક કવિતા લખવાનો પ્રયત્ન કર્યો છે જો સમય મળે તો આપ એનો આસ્વાદ કરો તો ખુબજ ગમશે.

  • thank u Maulikbhai…

   better u send yr poem in any literary magazine. let it b published and then
   i can write about it.

   that is paper’s policy..

   2016-01-27 8:20 GMT+05:30 સેતુ ~ લતા જ. હિરાણી
   :

   >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: