Posted by: readsetu | ફેબ્રુવારી 8, 2016

Kavysetu 222 Raghuveer Chaudhari

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 2 ફેબ્રુઆરી 2016

કાવ્યસેતુ  222   લતા હિરાણી 

તુલસીક્યારાની સુગંધ  

પગલી પારિજાતની ઢગલી !
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !

કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
પગલી પારિજાતની ઢગલી !

પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો
યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો
સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી !….  રઘુવીર ચૌધરી

પ્રખર સાહિત્યકાર રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કારથી સમ્માનિત કરીને સમગ્ર ગુજરાતી સાહિત્યને ગૌરવાન્વિત કરાયું છે ત્યારે એમનું આ એક નાજુક નમણું ગીત. સહજતા અને સરળતામાં કેટલું સૌંદર્ય અને માધુર્ય છે એનો અનુભવ આ ગીત આપી જાય છે.

આ ગીતમાં આવતા શબ્દો વૃંદાવન,  કુંજગલી, તુલસી, યમુના વગેરેથી તમને કોઈ જુદા ભાવનો ભ્રમ નહીં જ થાય કેમ કે શરૂઆતના શબ્દો છે ‘પગલી પારિજાતની ઢગલી’. ઓવારી જવાનું મન થાય એવી નાજુક અને મધુર શરૂઆત. આ વાંચતાં જ મન પર સવાર થાય છે એક એવી ઢીંગલી, નન્હી-મુન્નીસી ગુડીયા કે જેની પગલીઓ પારિજાતની ઢગલી જેવી અનુભવાય. નાનકડી કુમળી ગુલાબી પાનીઓ નજર સામે તાદૃશ થઈ ઊઠે છે. આવી પગલીઓ વૃંદાવન અને કુંજગલીનું રસભર નમણું સુખ વરસાવે. આવી કુમળી પગલીઓ હૃદયને પારિજાતની સ્વર્ગીય સુગંધથી છલકાવે.

ઘરમાં નાનકડી બાળકીનું આગમન કેટલો ઉલ્લાસ પ્રગટાવે છે. દીકરીના જન્મ પર રડતાં રૂઢિચુસ્ત સમાજની વાત છોડો, એવા લોકો રોગી મનોદશા ધરાવે છે અને એને ખુદ ઈશ્વર પણ સુખ ન દઈ શકે. અહી વાત છે બાળજન્મથી છવાતી સહજ ખુશીની. અને એમાંય આ તો લાડકડીનો જન્મ ! સ્વાભાવિક છે કે પ્રસૂતિ પહેલાના પડછાયાઓ ઘેરા હોય, ચિંતાભર્યા હોય. શું થશે ? ના સવાલો અનુત્તર હોય. આ આપણી સંસ્કૃતિ છે કે ઘર જ નહીં શેરી પણ આ ચિંતામાં સહભાગી હોય ને પછી અચાનક સમય અટકી જાય છે. એક પળ આખા માહોલ પર છવાઈ જાય છે. થોડી પ્રતિક્ષા, થોડો વંટોળ, થોડું તોફાન ને એમાંથી એક હાસ્ય પ્રગટાવતું રૂદન ખીલી ઊઠે છે. ચિંતાની રજ લઈને ઊડતી હવા તુલસીક્યારાની પ્રદક્ષિણામાં પલટાય છે.   

‘તુલસીક્યારો’ શબ્દનો પ્રવેશ કેટલો સુખદ લાગે છે ને કેટલો સાંકેતિક પણ છે ! કુંવારી દીકરીને આપણે તુલસીક્યારો ગણાવીએ છીએ. સમયની ચાલ તેજ છે. કિલકારીઓથી ઘર ગુંજે છે. નિર્દોષ ઉજળા મુખડાએ પંખીના ટહૂકાઓની જેમ કિલકારીઓ પાથરી છે. પ્રકાશને પણ હવે ક્યાંય નથી જવું. અહીં જ વસવું છે. ઝરણાનું કલકલ અને યમુનાનો હિલ્લોળ ઘરમાં વેરાઈ ચૂક્યા છે. શું થશે ? કેમ થશે ? સવાલો અનેક હતા, સંશયો પણ અનેક હતા. એ સઘળું ગુમ છે. આનંદના વહેણમાં બધુ વહી ચાલ્યું છે. હવે દુનિયા સરળ છે, મજાની છે, ગમે એવી છે. કેમ કે પારિજાતની ઢગલી ઘરમાં મહેકે છે.

દીકરી માટેના ઘણાં કાવ્યો લખાયાં છે. એમાં દીકરી વિદાયના વધારે છે. પુત્રીજન્મના વધામણાં લેતા કાવ્યો પ્રમાણમાં ઓછાં છે. એક સમર્થ કવિ આ વિષયને નિરૂપે ત્યારે એનું સૌંદર્ય કેવું હોય એનો અણસાર આ ગીત આપે છે. પ્રત્યેક શબ્દ નાજુકાઈ અને નમણાશને લઈને આવે છે. રણઝણતા લયના હિલ્લોળે રમતું આ ગીત ભાવકને દીકરીના વ્હાલથી ભીંજવી દે છે. આટલી જ સહજતા અને સરળતાથી રચાયેલું કવિનું બીજું કાવ્ય પણ અહીં જ આપના માટે ! 

તું વરસે છે ત્યારે
એક કે બે પંખી
દૂર કે નજીકથી ગાય છે.
કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે.

વાદળ સ્થિર થાય છે ત્યાં
વૃક્ષો ચાલીને
તો ક્યારેક ઊડીને
એમની પાસે જાય છે.
આ બાજુ
બાળકો અને શેરી
એક સાથે નહાય છે.

તું વરસે છે ત્યારે
સૂની બારી પર ટકોરા થાય છે,
અગાઉની રજ ભીના અવાજમાં
વહી જાય છે.

તું વરસે છે ત્યારે
અંદરના ઓરડે પ્રકાશ થાય છે. ….રઘુવીર ચૌધરી

 

 

 

 

 

 

 

Advertisements

Responses

  1. ખુબ સુંદર રચના

    • Aabhar.

      Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: