Posted by: readsetu | ફેબ્રુવારી 23, 2016

Kavyasetu 224 Hemant Gohil

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 16 ફેબ્રુઆરી 2016

કાવ્યસેતુ 224    લતા હિરાણી (મૂળ લેખ)

ભીતરને કોરી આકાશે ફોરતી વાત

ફાગણની વાત સખી નહીં બોલું ફળિયે , ફળિયું તો સાવ અળવીતરું …..
મનગમતી વારતાના મનમાં મંડાણ કરી, મનમાં ઉઘાડ એના ચીતરું .

સૂકીભઠ્ઠ ડાળખીને ફૂટે કૂંપળ એમ
મારી ભીતર હું તો મ્હોરતી ;
એકાદું ફૂલ કોઈ આંગણામાં નીરખી ,
સૌરભના સાથિયા હું દોરતી .
માથાબોળ નાવણના એવા અભરખા કે સમણુંય લાગે છે હવે છીછરું …

એકલદોકલ ક્યાંક ટહૂકો ખરતો ને
એનો રેશમિયો લાગે છે ભાર,
ઠેસ જેવું હોય તો સમજ્યું સમજાય આતો
ભીતરમાં વાગે ભણકાર.
વાદળ વિનાનું સાવ કોરું આકાશ તોય કેવી હું લથબથ નીતરું !… હેમંત ગોહિલ મર્મર

પ્રેમની વાત ભલે કહેવાની ન હોય પણ એનું તો એવું કે વાયરે ચડીને ગામ ગજવે. એમાં ‘છાનું રે છપનું કંઈ થાય નહીં’ લાગુ પડે… પણ બીજાઓને જાણ થવાની હોય ત્યારે થાય, મૂળે જેણે પ્રેમરસ ચાખ્યો છે એના પોતાનાથી રહેવાય નહીં એનું શું ? મનમાં પીંછા જેવી સુંવાળી સુંવાળી  વાતો સળવળતી હોય પણ એ કોઈને કહેવાની ના હોય ! સાવ ખાનગી એ ખરું ને તોય કો’કને તો કહેવી જ પડે એય એટલું જ ખરું ! ખાધા-પીધા વગર ચાલે, ઊંઘ્યા વગર ચાલે પણ કોઈને કહ્યા વગર ન ચાલે ! અંદર એવા અણધાર્યા ઉત્પાત જાગે કે જંપ જ ન થાય. બધાના જીવનમાં આવી રોમાંચક પળો આવતી હશે ? તમારો જવાબ શું છે ?

આ નાજુક ભાવ વ્યક્ત કરતાં કેટકેટલાં ગીતો ! એમાં ફાગણના ફાગ ફોરે, શ્રાવણના ઝરમર ઝીલે, સીમના સાદ હોય ને વાંસળીનો નાદ પણ હોય…  

અહીં કવિએ ફળિયાને અળવીતરું કહ્યું છે. આમ જુઓ તો ફળિયું બિચારું કંઈ જ કરવા શક્તિમાન નથી. એ ચૂપચાપ નિસ્પૃહ ભાવે જે થાય એ જોતું રહે. એ ન ઉઘાડે, ન બીડે. પોતે જ ઉઘાડું હોય, કંઈ છાનું સંઘરવાની એની ગુંજાઈશ નહીં. પણ અહીં કવિ ફળિયાને નહી, ફળિયામાં ફરતા લોકોને ઉદ્દેશીને ‘અળવીતરું’ શબ્દ વાપરે છે.. હા, લોકો અળવીતરા હોય. લોકોને કોઈના સુખમાં સળી કરવાની, દુખતી રગ દબાવવાની કે તમાશો જોવાની ટેવ સામાન્ય ! આવા ફળિયાને શું કહેવું ? વળી નાયિકા કહે છે, ‘મનગમતી વાર્તાના મનમાં મંડાણ કરી, મનમાં ઉઘાડ એના ચીતરું’ ‘મનગમતી વાર્તા’ કહીને કવિએ નાયિકાના મનના પડદા ખોલી આપ્યા છે. હકીકત જે હોય તે પણ એનું અર્થઘટન કે પછી એમાં ઉમેરાયેલી નાયિકાની કલ્પના, અને એ છે એની મનગમતી વાર્તા. એ જ નાયિકાના મનની સચ્ચાઈ છે કે સચ્ચાઈની લગોલગ છે.. એટલે એ સ્વીકારી લે છે કે બીજા કોઈની મને પડી નથી. મારી વાર્તાના હું મનમાં જ લ્હાવા લઈશ.

સૂકીભઠ્ઠ ડાળખીને કૂંપળ ફૂટવાની વાત નાયિકાની લાંબી પ્રતિક્ષા સૂચવે છે. મન કૂંપળની જેમ ફૂટે છે, મહોરે છે, કોળે છે ને છલકાય છે. મહેક ફૂલમાંથી ભલે આવતી હોય, મનમાં એની સુગંધના સાથિયા ચીતરાઈ જાય છે. ‘સુગંધ’ છલકાતા આનંદને નિરૂપે છે તો ‘સાથિયા’ એ ખુશી પછીના રૂડા અવસરને ઉઘાડે છે. માથાબોળ નાવણના તો કેટલા મીઠડાં ને મંગળ કારણો હોય ! હવે એ જોઈએ છે. માથાબોળ નાવણના નાયિકાના અભરખા રોક્યા રોકાતા નથી. સમણા બહુ જોયાં, સપના જોઈ સુખ પામવાનું ક્યાં સુધી ? હવે રાત-દિનનો રૂડો સંગાથ જોઈએ. અલબત્ત આ પણ કલ્પના જ છે, વિચારવાનું સુખ છે, અધૂરી ઝંખના છે..     

કોયલનો ટહૂકો મીઠો હોય પણ એ ઉતરે છે હૃદયની આરપાર એટલે અંતે બને છે રેશમી ભાર… ભીતરને ઝણઝણાવી જાય છે, કો’કના નામના ભણકારા જગાડી જાય છે. ઠેસ હોય તો સમજ્યા પણ ટહૂકોય વાગે એનું શું કરવું ? કોરા આકાશ નીચે લથબથ નીતરતી નાયિકાના શબ્દો ગીતમાં શૃંગારને છલકાવી દે છે..

અને લો, આ ગીતનો છેલ્લો અંતરો ! શબ્દોમાંથી ઉઘડતા ચિત્રોને ઉકેલવા, પોતાના વહી ગયેલા કે આવનારા અવસરોને તાદૃશ કરવા, અળવીતરા ફળીયાને પાછળ છોડીને, મનને પીંછા જેવું સુંવાળું કરીને, આંખોને શેરીમાં પાથરી દો…. 

શેરીની જેમ મારી લંબાતી જાય આંખ
પગલાંની છાપને પીછાણવા ,
પીંછા ગણવાની વાત લાગે છે હાથવગી
ઊડ્યા અવસર કેમ આણવા ?
પૂછે પરનાળ મને નેવાંની વારતા તો નળિયું ભાંગીને કરું ઠીકરું …

 

 

Advertisements

Responses

  1. સુંદર લેખ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: