Posted by: readsetu | માર્ચ 9, 2016

સ્ત્રીસર્જકોનો બળુકો અવાજ

દિવ્ય ભાસ્કર > સ્ત્રીસર્જકોનો બળુકો અવાજ > 8 માર્ચ 2016 > લતા હિરાણી  

મૂળ લેખ

સર્જક એટલે સર્જક. એમાં વળી સ્ત્રી શું અને પુરુષ શું ? એવો પ્રશ્ન કરી શકાય. સ્ત્રી જન્મજાત સર્જક છે. કુદરતે એને સર્જનની ભૂમિકા સોંપેલી છે. તેમ છતાંય જેમ જુદા જુદા ક્ષેત્રમાં એમ સાહિત્યમાં પણ સ્ત્રી કલમ પકડે છે ત્યારે એના સંદર્ભો બદલાય છે. એની સંવેદનાઓ શબ્દરૂપ ધારણ કરવા સળવળે છે, એને લખવાનું મન થાય છે, ત્યાર પછીના પરિબળો – એ લખી શકે, લખતી રહે, એને લખવાનો સમય અને અનુકૂળતા મળી રહે – આ બધા જુદા પ્રશ્નો છે અને એટલે સ્ત્રી સર્જકોની વાત જરા જુદી રહેવાની. તેમ છતાં બહુ ગૌરવની વાત છે કે આધુનિક ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી સર્જકોમાં સંખ્યાની દૃષ્ટિએ ઘણો વધારો થયો છે તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ પણ નોંધપાત્ર સિદ્ધિ છે.

છેલ્લાં ૫૦ વર્ષમાં ગુજરાતી નારી સર્જકોએ સાહિત્યમાં સફળતા પૂર્વક અનેક દિશામાં પ્રગતિ કરી છે. સાહિત્યના વિવિધ સ્વરૂપો – કવિતા, વાર્તા, નવલકથા, નિબંધો, લેખો જેવા અનેક સ્વરૂપોમાં તેમનું યોગદાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તેમના વિષયવસ્તુમાં સ્ત્રીસંવેદના, નારીભાવોનો સ્પર્શ જોવા મળે છે. ક્યારેક એવું લાગે છે કે એમના અનુભવજગતની મર્યાદા એમને હજુ અમુક વિષયો સુધી જ સીમિત રાખે છે પરંતુ આજના ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી સર્જકોની ભૂમિકા બદલાઈ છે. વિષય વૈવિધ્ય આવ્યું છે. પ્રેમ, પીડા, શોષણ, દેશપ્રેમ, શિક્ષણ, હાસ્ય, વ્યંગ્ય, સામાજિક દૂષણો જેવા ક્ષેત્રો ઉમેરાયા છે. સ્ત્રી સર્જકોનો શાંત પણ મક્કમ અવાજ ઊભરી રહ્યો છે.

હીરાબહેન પાઠકની ‘પરલોકે પત્ર’ અને ગીતાબહેન પરીખના કાવ્યોથી આધુનિક ગુજરાતી કવિતાના પગરણ શરૂ થયા ગણી શકાય. નવા પ્રવાહોમાં પલોટાયેલી કલમોમાં પન્ના નાયક, જયા મહેતા, નીતા રામૈયા જેવા કવિઓ  સ્ત્રીસમસ્યાઓ વિશે પોતાના તીવ્ર અવાજ સાથે પ્રવેશ્યા અને કાવ્યના અછાંદસ સ્વરૂપમાં એમણે નોંધપાત્ર કામ કર્યું. સરૂપ ધ્રુવ જેવા કવિ એક વિદ્રોહી સ્વર લઈને એમની પ્રખર સામાજીક નિસ્બત બતાવે છે. પ્રીતિ સેનગુપ્તાના કાવ્યોમાં પ્રવાસની સુગંધ ભળી. મનીષા જોશી, સંસ્કૃતિરાણી દેસાઈ, નયના જાની, નલિની માડગાંવકર, મધુમતી મહેતા, દર્શિની દાદાવાલા જેવી અનેક કવિઓએ ઉત્તમ કવિતાઓ આપી છે. ઉષા ઉપાધ્યાય, એષા દાદાવાલા, વિપાશા, લક્ષ્મી ડોબરિયા, પુષ્પા પારેખ, ગાયત્રી ભટ્ટ, મીનાક્ષી ચંદારાણા, પારૂલ ખખ્ખર, યામિની વ્યાસ, આવા અનેક નામો છે જેમની સક્ષમ રચનાઓથી કાવ્યજગત ઉજળું બન્યું છે. આ થોડા નામો છે પણ કવિતાના ક્ષેત્રે સંખ્યામાં અને ગુણવત્તામાં સ્ત્રી સર્જકોની કામગીરી નોંધ લેવી પડે એવી બની છે.     

ગદ્ય સાહિત્યમાં જોઈએ તો ગુજરાતી સાહિત્યના અર્વાચીન કાળમાં વિદ્યાગૌરી નીલકંઠ, લીલાવતી મુન્શી તથા શારદા મહેતાએ હાસ્ય રચનાઓ, નારી વિષયક લેખો, રેખાચિત્રો અને જીવનચરિત્ર આપ્યા. કુંદનિકા કાપડીયાએ ગદ્ય અને પદ્યમાં પ્રથમ કક્ષાની નમૂનેદાર નવલકથાઓ આપી. એમની સંપૂર્ણ નારીવાદી નવલકથા ‘સાત પગલાં આકાશમાં’નો ઉલ્લેખ કરવો જ પડે. આ ઉપરાંત સરોજ પાઠક, વસુબેન ભટ્ટ, મીનળ દીક્ષિત, અંજલિ ખાંડવાળા આપણા નોંધપાત્ર સ્ત્રીસર્જકો છે. ધીરુબેન પટેલનું બહોળું અને ઉમદા વાર્તાસાહિત્ય સ્ત્રી જગતની સંવેદનાઓને સ્પર્શે છે. તેમણે બાળસાહિત્યમાં પણ શ્રેષ્ઠ કૃતિઓ આપી. વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતાએ ટૂંકી વાર્તાઓ, નવલકથાઓમાં ધરખમ પ્રદાન કર્યું. હિમાંશી શેલત વાર્તાક્ષેત્રે એક અલગ શૈલીથી છવાયા. કાજલ ઓઝા વૈદ્ય કટારલેખન અને વાર્તાસાહિત્યમાં જાણીતું નામ છે. નવા નોંધપાત્ર વાર્તાકારોમાં દીના પંડ્યા, પૂજા તત્સત, પન્ના ત્રિવેદી સરસ વાર્તાઓ લખે છે. આમાનાં જ કેટલાક સર્જકોએ બાળસાહિત્યમાં એટલું જ મજાનું સર્જન કર્યું છે. નામોની યાદી હજુ લંબાવી શકાય.

સરૂપબહેન ધ્રુવે શરૂ કરેલી  ‘કલમ’ સંસ્થા સ્ત્રીસર્જકોના અવાજને બુલંદ કરી રહી છે. સાહિત્યકાર ધીરૂબહેન પટેલ એકબાજુ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ સાથે મળીને બાળ-કિશોર સાહિત્યને વેગ આપવા મથી રહ્યા છે તો બીજી બાજુ ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે મળીને ‘એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે.

ગુજરાતી દઈનિકો અને સામયિકોમાં પત્રકાર તરીકે ફરજ બજાવતી ઘણી મહિલાઓ જોવા મળે છે પરંતુ સરવાળે ગુજરાતી મહિલા પત્રકારોની સંખ્યા ઓછી છે. પ્રથમ ગુજરાતી મહિલા પત્રકાર તરીકે વિદ્યા મુનશીનું નામ મળે છે. પત્રકારત્વમાં શીલા ભટ્ટ ખૂબ જાણીતું નામ છે. આ ઉપરાંત જ્યોતિ ઉનડકટ, દિપલ ત્રિવેદી, વર્ષા પાઠક, મોના કાણકિયાના નામ અત્યારે યાદ આવે છે.

સ્થળસંકોચને કારણે સરસ નમૂનેદાર કામ કરતી ઘણી સ્ત્રી સર્જકોના નામો મૂકી શકાયા નથી પરંતુ આજના સમયમાં તમામ ક્ષેત્રે મહિલાઓ નવી ઊર્જા સાથે કામ કરી રહી છે. એનું અનુભવક્ષેત્ર વિકસતું જાય છે. એની અભિવ્યક્તિના રંગ બદલાતા જાય છે, નિખરતા જાય છે. અનેક રચનાઓ વાંચતાં એવું પણ અનુભવાય છે કે વ્યક્ત થવા માટે એ ભલે નાના ક્ષેત્ર સાથે કામ કરે છે પરંતુ એમાં ઊંડાણ પણ એટલું જ વર્તાય છે. રોજિંદા જીવનની સહજ બાબતોની રજૂઆતમાં એ કલાના શિખર આંબી લે છે અને આ વાત સાહિત્યના પીઢ સર્જકોએ પણ સ્વીકારેલી છે.

 

 

  

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: