Posted by: readsetu | માર્ચ 22, 2016

Kavyasetu 228 Karsandas Luhar

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 22 માર્ચ 2016

કાવ્યસેતુ  228  લતા હિરાણી

હૂંફાળો શિયાળો

ચોપાસ તાપણાની ટોળે વળે શિયાળો

તડકાના કામળાઓમાં સળવળે શિયાળો

ન્હાતી કપાસ કેરાં કાલાં તણી ધવલતા

ખેતરમાં દૂધ જેવો આ ખળખળે શિયાળો

થીજી જતી હવામાં નિજ પુચ્છને ઉલાળી

ને ગોળ ગોળ ફરતો મારા ખળે શિયાળો

ચણીબોરની પીળાશો ચૂસીને લાલ કરવા

બાળક શો બોરડીના ઝૂંડે વળે શિયાળો

ક્યારેક તપ્ત તડકાની આંગળી ગ્રહીને

શોધ્યા કરું બપોરે ને ના મળે શિયાળો ! …….. કરસનદાસ લુહાર

 

વિદાય માગી રહેલા શિયાળાની દોસ્તી જરા સંભારી લઈએ ! આમ તો આ વર્ષે એણે આપણને બહુ રાહ જોવડાવી છે, થપ્પો પણ આપ્યો છે તોય અંતે તો એ આપણો જ ને ! આછા આછા શિયાળાને કહીએ, લે હાથ, નિભાવ દોસ્તી…

પ્રકૃતિકાવ્યો ઓછાં લખાય છે ને એમાંય આછા વધારે… આ મુસલ્સલ ગઝલ તો બરાબર શિયાળાના સઘળા રંગને વીંટીને આવી છે. હા, આ છે ગામડાનો શિયાળો… શહેરી શિયાળાના રંગ ઝાંખા… ઘરોના બંધ બારીબારણાં ને ચડાવેલા ગાડીઓના કાચમાંથી બિચારા શિયાળાને પ્રવેશવાનો અવકાશ પણ નહી મળતો હોય એમ લાગે ! ઉનાળામાં એસી ને શિયાળામાં હીટર ! શહેરીજનોને મશીન સાથે વધારે ને મોસમ સાથે મૈત્રી ઓછી.  કારખાનાઓમાંથી ઠલવાતા ધુમાડામાં શહેરી શિયાળાની ખુમારી કરમાઈ જતી હશે… બિચારો શિયાળો બાળકોની દોડંદોડમાં અટવાઈ સંતોષ માની લેતો હશે.

અહીં કવિનો શિયાળો ગામડાનો છે. હીટરથી છંછેડાયેલો નથી. સૂરજને દે તલ્લી કહી હરીફાઈમાં ઉતરવા મજબૂર કરતો મજબૂત શિયાળો છે. ફળિયાથી સીમ સુધી પથરાયેલો શિયાળો ઠેર ઠેર તાપણાના દીવા ઝગવે છે. આમ કરીને એ માનવીને એકબીજાની હૂંફની ભેટ ધરે છે. ટોળે વળેલું લોક મોજમસ્તીની ગોઠડી માંડે એ જુદું… ભલેને થોડો થોડો તડકો હોય, કામળાની આછી ગરમી શિયાળાની દોસ્તી સાથે તડકાનો સથવારો કરે છે.  

કપાસના ઉજળા કાલાં જાણે મીઠડાં નાના બાળક… ખેતરે ખળામાં ગોળ ગોળ ફરતા અલમસ્ત બળદોના પૂંછડે ઊલળતો ને ઝીલાતો શિયાળો..  રાતાં રાતાં તાજાંમાજાં ચણીબોરની આ મોસમ. બોરડીના કાંટાને એસીતૈસી કરી  બોર તોડી લેતા બાળકને શિયાળો કેવો વહાલો ! છેલ્લા શેરમાં કવિને કદાચ શહેરી શિયાળો યાદ આવી ગયો લાગે છે કેમ કે ગામડામાં ચારે કોર ઉઘાડા ફળિયા, શેરી, પાદરમાં ઊડતી હવાના વીંઝણા મોસમનો મિજાજ જરાય ભૂલવા ન દે…

શહેરની વાત જુદી છે. સવાર સાંજ રાત થોડો થોડો શિયાળો અનુભવાય પણ બપોર ઠંડીને ભુલાવી દે એવું બને. ઊંચા ઊંચા મકાનોની વચ્ચે પવન લહેરાય તોય કેટલો ! એનું માપ આ દીવાલથી પેલી દીવાલ સુધી. વૃક્ષોના વીંઝણા પણ દુર્લભ હોય. એસીની ધમણો હાંફતી હોય એવે સમયે તડકો એનો ભાવ ભજવે તો બેય હાથે આવકારો જ દેવો પડે ! શિયાળો પુસ્તકોના પાનાઓ વચ્ચે કે ગરમ કપડાની દુકાનોમાં શોધીને સંતોષ માની લેવો પડે.

ભાવકો, આમ તો હવે એને શોધવાનોય બહુ સમય રહ્યો નથી… ગયો એ તો… કવિની આ મસ્ત ગઝલ સાથે રામરામ કરી દઈએ શિયાળાને…

લો, આ જ કવિનું આવું જ મસ્ત પ્રકૃતિકાવ્ય  

વેરાને વાવીએ ઝાડ !

વડલો કે પીપળો, આંબો કે આંબલી,

હોય છોને બાવળ કે તાડ !…………વેરાને વાવીએ ઝાડ !

ઝાડવાં હશે તો પછી ડાળો પર બેસવાને

વાદળનાં ટોળાંઑ આવશે !

પંખીની જે તો ગાંડાતૂર થઈને પછી

ધોધમાર ટહુકા વરસાવશે !

વૈશાખી બપોરે એવું થાવાનું  જાણે

બેઠો છે ઘેઘૂર અષા ! …………વેરાને વાવીએ ઝાડ !

ઝાડવાં તો લીલાછમ ધરતીના શ્વાસમાં

લીલાછમ લહેરાતા વાયરા !

ડાળ ડાળ પાંદડાંની મર્મર સંગાથ

ફાટ ફાટ કલરવતા ડાયરા !

જ્યારે જુએ ત્યારે ઝાડવાંનાં હોવાના

હંમેશા હરિયાળા હાડ ! …..  વેરાને વાવીએ ઝાડ !  

        

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: