Posted by: readsetu | માર્ચ 29, 2016

Kavysetu 229 Suchita Kapoor

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 22 માર્ચ 2016

કાવ્યસેતુ 229  લતા હિરાણી  (મૂળ લેખ)

ઐક્યનો ઉભરાતો સાદ

જ્યાં અંધકાર અને ઉજાસ

સમ થઈ જાય છે

તેવી ક્ષિતિજને પેલે પાર

ધરતી અને આકાશનો ભેદ પણ

ઓગળી જાય

કલરવ અને કોલાહલ

શમી જાય છે ત્યાં

આવ,

એકમેકની નજીક જઈએ

અને અનુભવીએ અનન્ય અહેસાસને,

જીવનના, જીવંત હોવાના

આપણા સહિયારા ધબકારમાં …. સૂચિતા કપૂર

જીવનભર માનવી એક વણછીપી તરસમાં જીવે છે. ક્યાંક એને ઓગળવું છે, ક્યાંક એને એકાકાર થવું છે. કોઈકની સાથે ઐક્ય, તાદાત્મ્ય અનુભવવું છે. કદાચ આ જીવમાત્રની તરસ છે. એ કુદરતી જ હશે કેમ કે સંપૂર્ણ કુદરતમાં સંવાદિતા છે, ઐક્ય છે. પ્રકાશ અને અંધકારથી માંડીને વાયુ અને જળ, બીજ અને વૃક્ષ  કે ધરતી અને આકાશ… ક્યાંય જુદાઈ નથી. તમામ તત્વો એકબીજા સાથે જોડાયેલા છે. દેખીતા જુદાં સ્વરૂપ છતાંય એકમેકના પર્યાય હોય એ રીતે અભિન્ન અનુભવાય છે. માનવ પણ કુદરતનું જ સર્જન છે એટલે જ કદાચ આ ભાવ એના એક એક ધબકારમાં ભર્યો છે. પણ શું કોઈની આ તરસ છિપાય છે ખરી ? જવાબ લગભગ ‘ના’માં જ આવે. પ્રત્યેક માનવી આ તરસ લઈને જીવતો હોવા છતાં એ આખર સુધી અધૂરપ જ અનુભવે છે એનું કારણ શું ?

હજુ સુધી વિશ્વના અનેક વણઉકેલ્યા રહસ્યોમાનું એક રહસ્ય એ પણ છે કે બાળક જન્મે છે ત્યારે એની મનસપાટી કેટલી કોરી હોય છે અને કેટલી આડી ઊભી ચાવીઓ વારસાગત વિચારધારાઓથી ભરાયેલી હોય છે ! જો કે એ નક્કી છે કે જન્મ પછીની પ્રતિપળથી એ ખાલી ખાનાઓ ભરાવા લાગે છે. માનવીની પોતાની સમજ અથવા નિયતિ, કુટુંબ, મિત્રો અને સમાજથી મળેલા સંસ્કારો, વિરાસતમાં મળેલી વિચારધારા, પ્રેમ, દુખ, ભય, શોક, ઈર્ષ્યા, વેર, લાલચ, ક્રોધ જેવી કુદરતી લાગણીઓ, વૃત્તિઓ, આવેગો અને એના આગવા અનુભવો બધું મળીને એક એવો મનમાળો રચાઈ જાય છે કે જ્યાં માનસશાસ્ત્રીઓનો પ્રવેશ પણ મુશ્કેલ બનતો હોય છે. વધતી વય સાથે એ વધુ ને વધુ દુર્ગમ બનતો જાય છે. એનાથી માનવ ક્યારેક અતિ આળો તો ક્યારેક સંવેદનશૂન્ય પણ બનતો જાય છે. વિચારશૂન્ય કે સમજવિહોણો રહીને ગૂંચવાતો રહે છે. આ બધાનું પરિણામ અંતે એક જ. અભાવ અને એકલતા ભરેલું જીવન જીવી જવાય ખરું પણ જીવન માણવાની ક્ષમતાનો સંપૂર્ણ નાશ થઈ જાય.

કવિ આ જ ભાવને દોહરાવે છે. જીવન માત્ર જીવી જવા માટે નથી, માણવા માટે છે. માણવા માટે કુદરતે પળેપળમાં સમૃદ્ધિ પાથરી છે. એના તમામ તત્વોને માનવ માટે ઉપલબ્ધ બનાવ્યા છે. જીવનનો ઉદ્દેશ્ય જ આનંદની પ્રાપ્તિ છે. એ જીવનાનાંદ હોય કે પરમાનંદ. અહીં વાત બે માનવમનના ઉત્કૃષ્ટ મિલનની છે જ્યાં ભૌતિક, સામાજીક, વૈચારિક, દૃશ્ય, અદૃશ્ય, તમામ સરહદો ઓગળી જાય છે. પ્રશ્નોમાં અટવાતા રહેવું, સમસ્યાઓના પહાડોને ઊચકતા રહેવું, હચમચાવી નાખે તેવી વિટંબણાઓને વેઠવી, એના થાક અને હતાશાને ખમવા, હાર-જીતનો સામનો કરવો, આ સઘળું માનવની નિયતિ છે કે એણે ઊભી કરેલી સૃષ્ટિ છે. અંતે ક્યાંક એને ઠરવાનું છે. ક્યાંક હાશ અનુભવાવવાની છે. આનંદની થોડીક પળો એના મુસીબતોના પહાડને હટાવી શકે છે, એનામાં ફરી નવજીવનનો સંચાર કરી શકે છે, ચૈતન્યનો પ્રકાશ પાથરી શકે છે કેમ કે એ મનનું મિલન છે. આ સ્થિતિ તમામ સરહદો ઓગાળી દે છે, તમામ ભેદો ભુલાવી દે છે. સમાધિસ્થ બનાવી દે છે. કલરવ અને કોલાહલમાં કોઈ ફર્ક નથી વર્તાતો કેમ કે એ અંદરની પરમ શાંતિની અવસ્થા છે. ત્યાં બધા અવાજો શમી જાય છે. મન ફરી નવજાત બાળક જેવું બની રહે છે. ધબકારામાં જીવન ભરાઈ જાય છે.

આ જ કવિની બીજી નાનકડી રચના

અમાસી અંધકાર ઉતરી રહ્યો છે ત્યારે

દીવાઓ બુઝાવી દો

મારે ઝળહળતા માનવી જોવા છે…..

   

      

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: