Posted by: readsetu | એપ્રિલ 12, 2016

Kavyasetu 229 Harsha Dave

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 12 એપ્રિલ 2016 

કાવ્યસેતુ 229 – લતા હિરાણી   (Original Lekh)

ઝંખના એવી નથી ઈશ્વર બનાવી દે મને,

કોઈના પગથારનો પત્થર બનાવી દે મને.

કેટલા ખાંચા પડ્યા છે જો અહમના ભીતરે

વ્હેર થોડું ચોતરફ, સરભર બનાવી દે મને.

છે યુગોથી ઝંખના લીલાશનું કારણ બનું,

તું અષાઢી આભની ઝરમર બનાવી દે મને.

ગીરવી મૂકી દીધાં મારા બધાયે શબ્દ મેં,

ચાલ એમાંથી અઢી અક્ષર બનાવી દે મને.

એ ભલે હો આયનો પણ સાદ પાડી જોઈએ,

દર્દના ચિત્કારનો ઉત્તર બનાવી દે મને…..….. હર્ષા દવે

 

હર્ષા દવેની આ ગઝલનો રદ્દીફ ‘બનાવી દે મને’ સૂચવે છે, ઇચ્છાઓનું આકાશ. અલબત્ત અહી ઇચ્છાઓ ઊર્ધ્વગામી છે. જાતને જોવાની, અનુભવવાની અને એનાથી પર ક્યાંક પહોંચવાની વાત છે. માનવીયતાના શિખરો આંબવાની કે એથીયે ઊંચે જવાની વાત છે. સદભાવનાનું ઝરણ આખીયે ગઝલમાં વહ્યા કરે છે. એનું કલકલ કાનમાં ગૂંજે છે અને બેય કાંઠેથી ઊડતી ઝીણી શિકરો મનને આનંદદાયક અનુભવ આપે છે.

ફિલોસોફી – ચિંતનના આ ભાવો સર્વવ્યાપક છે. સ્વાભાવિક છે કે માનવીના ઊર્ધ્વીકરણની બાબતમાં નવું શું હોઈ શકે ? હા, ચિંતનની રજૂઆતમાં નાવીન્ય, અર્થસભરપણું, ચોટ, ચમત્કૃતિ અને એ રીતે કલામાં નિખાર હોઈ શકે જે અહી સરસ રીતે જોવા મળે છે. એ રીતે આ ચોથો શેર જુઓ,

ગીરવી મૂકી દીધાં મારા બધાયે શબ્દ મેં,

ચાલ એમાંથી અઢી અક્ષર બનાવી દે મને.”

બહુ મધુર વાત છે ને એથીયે મધુર રજૂઆત છે. કવિ બધાય શબ્દોને કવિ ઈશ્વર પાસે ગીરવી મૂકી દે છે અને બદલામાં માંગે છે પોતાની જાતનું પ્રેમ સ્વરૂપે રૂપાંતરણ ! કલ્પન સુંદર છે. એમાં નાવીન્ય છે. ભાષા માનવીને ભરમાવી શકે છે. શબ્દો મનને રમાડી શકે છે. છેતરીય શકે છે. શા માટે એની જરૂર ? મનના નિમ્ન ભાવો એનાથી વધારે પોરસાતા હોય એવું બને. અંતરમાં રહેલી ઉમદા લાગણીઓને એ રોકતા હોય એવુંયે બની શકે. અલબત્ત અહીં કવિએ શબ્દો ‘ગીરવી’ મૂક્યા છે એટલે એને એ પાછા તો જોઈએ છે. પરંતુ એકવાર પ્રેમનું નિર્મળ સ્વરૂપ પામ્યા પછી, એમાં ડૂબ્યા પછી શબ્દો ને ભાષા માત્ર એનું જ વાહન કરે, સ્વાભાવિક છે. શબ્દો પાછા મળશે પણ સંપૂર્ણ પરિષ્કૃત થઈને…. એ પ્રેમને જ વહેવડાવશે.. અઢી અક્ષરનો મહિમા અનંત છે..

દરેક માનવીને વિકસવું છે. એ પોતે દિશા કઈ પકડે છે એ જુદી વાત છે, એ સૌની પોતાની સમજણની વાત છે પણ જો દિશા સાચી હોય અને સમજણ વિકસી હોય તો જાતને કોઈની પગથારનો પત્થર બનાવવાની માગણી મૂકી શકે. એ રીતે કોઈના કામમાં આવવાની ઝંખના છે. કોઈને ઉપયોગી થવાની ભાવના છે.. આ જ મુદ્દો આગળ વિસ્તરે છે. ભીતરને સમું કરી અહમને ઓગાળવો છે ને એ રીતે સભર થવું છે. અષાઢી ઝરમરમાં વરસી, લીલાશ ધારણ કરીને કોઈને ઠંડક આપવી છે, હાશ આપવી છે. આમ તો આયનો ઉત્તર વાળે છે, જાતને જ પાછી વાળે છે. અહી કવિએ આયનાને મૂક કહ્યો છે. હા, શબ્દોમાં એ કશું કહેતો નથી. પણ સાદ પાડવાની એની ઝંખના છે, કદાચ ઉત્તર મળે ! દુર્જન સાથે સજ્જન બનવાનો ભાવ વર્તાય છે. કોઈની પીડામાં સહભાગી બનવા માટેની છેલ્લી પંક્તિ..

વર્ષોના વર્ષો વહી જાય છે, જીવન ચાલ્યું જાય છે ને કોઈને કે કદાચ ઘણાં બધાને એમ લાગે છે કે જેવી રીતે જીવવું હતું અથવા તો જેવી રીતે જીવાવું જોઈએ એમ તો જીવ્યા જ નહીં ! મનમાં સારા વિચારોનો ભંડાર ભર્યો હતો પણ એકેય અમલમાં મૂકી શક્યા નહીં ! ઈર્ષ્યા, દ્વેષ, વેર-ઝેર આ બધા અવગુણ છે એ ખબર હતી પણ દૂર રહી શક્યા નહીં ! આવી વાત જુદી જુદી રીતે કેટલાના મનમાં અવ્યક્ત રહેતી હશે ?

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: