Posted by: readsetu | એપ્રિલ 25, 2016

Kavyasetu 232 Manohar Trivedi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 19 એપ્રિલ 2016

કાવ્યસેતુ 232   લતા હિરાણી

કાંડું મરડ્યું એણે,
રીસ કરીને છોડાવ્યું તો
ઝબ દઈ ઝાલી નેણે.

શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ,
ડાળ નમાવી નીરખે ટગર ટગર આ નવરા ઝાડ ;
વળી વાયરે વાવડ વહેતાં કર્યાં, વહેતાં નદીના વ્હેણે
કાંડું મરડ્યું એણે…..

ચૂંટી ભરતાં પાણીથી પાતલડી થઇ ગઈ કેડ,
હું ય મુઈ ના કહી શકી કે, “આમ મને કાં વેડ?”
પરવશ હું ખેંચાતી ચાલી, સમજું નહીં કે શેણે
કાંડું મરડ્યું એણે …………………..  મનોહર ત્રિવેદી

શૃંગારમાં સ્ત્રીના મનોભાવ પુરુષ કવિઓ દ્વારા અદભૂત રીતે આલેખાયા છે. એવી ઉત્કૃષ્ટ કવિતાઓમાંની આ એક. મારું માનવું એવું છે કે કદાચ, જેવી સ્ત્રીને, સ્ત્રીના જેવા મનોભાવોને પુરુષ ઝંખે છે એ ભાવો એની કવિતામાં ઉતર્યા હશે.., ક્યાંક અપવાદ પણ હોઈ શકે પણ તો એ વગર મજાની કવિતા શેં લખાય ? ખરું કે નહીં ! આમ જુઓ તો બીજા બધા ક્ષેત્રોની જેમ જ હવે કવિતામાં સ્ત્રીઓનો પ્રવેશ ઘણો વિસ્તર્યો છે, પણ શૃંગારની કવિતા ઓછી મળે છે. સ્ત્રીનો એ અંગેનો સંકોચ કારણભૂત હશે ? મને એ ય લાગે છે કે “પોતાના પરિવારજનો વાંચે તો તેઓને કેવું લાગશે ?” આ વિચાર કદાચ દરેક સ્ત્રી કવિને કરવો પડતો હશે !

ચાહે કવિતામાં કે ગદ્યમાં, સૌરાષ્ટ્રની બોલીમાં જે લહેકો છે, જે નજાકત છે એને સલામ ! કવિતા/ગીતને સીધું ખભે ઉપાડી લે ! હું સૌરાષ્ટ્રની છું પણ આ પક્ષપાત નથી હોં ! વળી અહીં શ્રી મનોહર ત્રિવેદી જેવા ધરખમ કવિ છે એટલે  એમની કલમનો પ્રતાપ પણ જબરો ! લયકારી એમની આંગળીના ટેરવે. કવિતા આપોઆપ વહી નીકળે ! એને કોઈ ટેકાની જરૂર ન હોય ! જુઓને, કાંડું મરડવાની વાત ગીતને તરત જ કેવો રોમાંચક ટેક ઓફ આપી દે છે ! શરૂઆત જ સધ્ધર. “કાંડું મરડ્યું એણે, રીસ કરીને છોડાવ્યું તો, ઝબ દઈ ઝાલી નેણે વાંચતાં એક છોકરીનું કાંડું પકડતો એક મોજીલો છોકરો અને હાથ પાછો ખેંચીને રિસાતી છોકરીના શરમાતા નેણ આંખ સામે તરવરે ! ‘ઝબ દઈ ઝાલી નેણે !’ પ્રયોગ તો મોજ પડી જાય એવો છે. વળી ‘એણે, નેણે, વ્હેણે, શેણે જેવી પ્રાસરચના એક મધુરતા ઉત્પન્ન કરે છે. 

છોકરા છોકરીના નેણઉલાળાની વાત ઢાંકી ન ઢંકાય. વાડ જેવી વાડ પણ ઓથ દેવાને બદલે ઉઘાડા કરે. ઝાડને આમેય બીજું શું કામ હોય ! વાયરોય એવો જ નવરો ! રસિકતાની પરાકાષ્ઠા હવે આવે છે. કેડમાં ચૂંટી ભરતા વાલમને રોકવો કેમ ? રોકવા માટે સુધસાન તો જોઈએ ને ! ને આગળ નાયિકા કહે છે, ‘હું ય મુઈ ના કહી શકી કે, “આમ મને કાં વેડ?” આ જાતને વેડવાની વાત જેટલી રસિક છે એટલી જ ખૂબસૂરત પણ છે ! આવું કલ્પન પ્રયોજવા માટે કવિને દાદ આપવી પડે ! અહીં શૃંગાર સોળે કળાએ ખીલ્યો છે એ કહેવું જ પડે. વેડાઈ ગયા પછી પરવશ થઈ ખેંચાવા સિવાય નાયિકાએ ક્યાં કશું કરવાનું છે !

પ્રણય અને પ્રણયની માદક, રંગીન, સુંવાળી અવસ્થાઓ, એના કલ્પનો, એના વર્ણનોથી માત્ર ગુજરાતી જ નહી, વિશ્વભરનું સાહિત્ય ભર્યું પડ્યું છે. સંસ્કૃત સાહિત્ય એનો શ્રેષ્ઠ નમૂનો બની શકે. માત્ર સાહિત્ય જ શું કામ, કલાના પ્રત્યેક ક્ષેત્રમાં શૃંગારરસ એ પ્રધાન ખરો…. પણ એ માણસને ફેન્ટસીમાં વધારે જીવાડે ! ધરતી પર પગ રાખવા માટે માનવીએ ઉબડખાબડ ભૂમિ પર ચાલવાનું ફરજીયાત, એ ય ખરું ને ! જીવાયે જતી જિંદગીને ખમવા માટે કલ્પનાની રસિક ઉડાનો એ કલાપ્રિય જીવની જરૂરિયાત બની જતી હશે ! નહીંતર કાલિદાસની શકુંતલા ક્યાંથી પ્રગટત કે અજંતા ઇલોરાની ગુફાઓનું અમરત્વ ન સર્જાત !


 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: