Posted by: readsetu | એપ્રિલ 26, 2016

Kavyasetu 233 Renuka Dave

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 26 એપ્રિલ 2016 

કાવ્યસેતુ 233  લતા હિરાણી

તારી સંગાથે સાજન

કોઈક તો એવું જોઈએ, જેની સાવ અડોઅડ હોઈએ

આમ તો નર્યા સપનાંઓને, આંબવા લાગી હોડ

એક ન પૂરું થાય ત્યાં, બીજું આવતું દોડાદોડ

સપનાંઓને બાજુએ મૂકી, શ્વાસ ખાવાની ક્ષણમાં રૂકી

તાપભર્યા ખેતરની વચ્ચે, ભાત ખાવાના માંડવા જેવું

કોઈક તો હોવું જોઈએ, જેની સાવ અડોઅડ હોઈએ……

આમ તો નર્યા ઝાંઝવાભર્યું, રણ છે જીવનવાટ

પ્યાસ તો ભર્યો સાગર અને ક્યાંય ન આરો ઘાટ

ઝાંઝવાઓમાં નેજવા જેવું, મઝધારે એક નાવનું હોવું

આમ ન કોઈ નામ ને તોયે, મનમાં તો ભગવાનના જેવું

કોઈક તો હોવું જોઈએ, જેની સાવ અડોઅડ હોઈએ…………. રેણુકા દવે

 

સથવારાની હાશનું ગીત, હાથમાં હાથ હોવાની હૂંફનું ગીત. આવો સથવારો છે કે નહીં, ખબર નથી. વાત એ છે કે એ હોવો જોઈએ. એના વગર જીવવાનું અઘરું પડે. કવિ ‘કોઈક તો એવું જોઈએ, જેની સાવ અડોઅડ હોઈએ’થી વાત માંડે છે અને આ શબ્દોમાં ભાવકને તરત ઓતપ્રોત થઈ જાય છે. ‘આ મારી જ વાત છે’ જેવી ભાવના જાગે છે અને ભાવક એને સલામ કરે છે. દરેકની આસપાસ પરિવાર, સગા, સંબંધીનો મેળો ભરાયેલો રહેતો હોય છે, સામાન્ય રીતે. પણ એનાથી મન ઠરે છે ખરું ? જવાબ મોટેભાગે ‘ના’માં મળશે. કોઈક પોતાનું, સાવ પોતાનું  જોઈએ કે જેના ટેકે હાશથી જીવી શકાય. જેનો સ્પર્શ રૂંવાડે હળવાશ પાથરે.

મશીનની જેમ ચાલ્યે જતી જિંદગીમાં એક પછી એક સપના પાછળ લાગી હોય દોડ, ક્યાંક પાછળ રહી ન જવાય એની લાગી હોય હોડ, ત્યાં હાથ લંબાવતા જ પકડી લે એવું કોઈક તો જોઈએ. એ સ્થૂળરૂપે પાસે હોય કે ન હોય, દૂર વસેલું હોય, પણ એનો છાંયો વાટના તડકામાં ટાઢક આપે એવો હોય. માણસ ઝંખી ઝંખીને બીજું શું ઝંખે ? સવાલ બીજો એય છે કે આ સિવાય બીજું કંઈ ઝંખે તો એની પ્રાપ્તિ હૈયે ટાઢક લાવી શકે ખરી ? હૂંફાળા હાથના સાથ સિવાય દુનિયાભરની દોલત કામની નથી.  બહુ મજાની વાત છે. બહુ મીઠી વાત છે પણ જરાય સામાન્ય નથી. બહુ અઘરી છે. કોઈને આવું મળે તો મળે, બાકી…

કવિએ માત્ર ઊંડી ઝંખના દર્શાવવા પૂરતી કવિતાની ઉડાન નથી ભરી. વાસ્તવિકતાને સાથે જ રાખી છે. એટલે જ કહે છે કે એક પછી એક, સપનાં જોવામાં માનવી ક્યારેય પાછું વાળીને જોતો નથી. સપના તો જોવા જ પડે. એનીય મજા છે ને ! હાથ જોડીને કે પગ વાળીને બેસી રહેવા માટે ઓછો આ માનવ જનમ મળ્યો છે ! ઇચ્છા, ઝંખના, આકાંક્ષા, મહત્વાકાંક્ષા આ બધા માનવીના પર્યાય ગણી શકાય. એના વગર જીવન જીવવા જેવુ ન લાગે એમ બને ! બંધ આંખના સપનાં રોમાંચક હોઈ શકે, ખુલ્લી આંખના સપનાં માનવીને દોડાવીને થકવી નાખે એવું બને. એકાદૂ આંબ્યું ન આંબ્યું ત્યાં ફરી દોડ શરૂ. ને જ્યારે થાક લાગે ત્યારે કોઈની આંગળીઓ ખભા પર પથરાય અને હળવાશનું ગાન ગૂંજી ઊઠે. વાત એ જ છે કે કોઈનો હાથ મળે, કોઈનો સાથ મળે ને આ ભવસાગર હોંશે હોંશે તરી જવાય.

પ્યાસ ક્યારેય બુઝાવાની નથી. જિંદગીનું ગણિત જ અજબ છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કર્યા કરતો માણસ ચારેકોર આથડયા કરે, દાખલાનો જવાબ શોધ્યા કરે. અચાનક કોઈ પાસે આવે ને બધા જ પ્રશ્નાર્થ શમી જાય. એની આંખોમાં જવાબ તરતો દેખાય. હાશનું ટીપું નિરાંતનો શ્વાસ બનીને હૈયે લપાઈ જાય. દરિયો જળનો કે રણનો, એ તો પથરાયેલ જ રહેવાનો છે. નરી હકીકત સામે નિરંતર ચાલ્યા કરવાનું છે. આંખ પર નેજવું કરીને આરંભેલી શોધ મનને થકવે ત્યારે પ્રિયના ટેરવાના સ્પર્શે ઘડીકવાર પગલાં સંકેલાઈ જાય ને જીવ જંપી જાય. આ જ મજા છે, તરસવાની ને ઠલવાવાની. આટલું થાય તો પછી બીજું કંઈ ન જોઈએ.         

તેરા સાથ હૈ તો મુઝે ક્યા કમી હૈ, અંધેરોમેં ભી મિલ રહી રોશની હૈ….  

 

  

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: