Posted by: readsetu | મે 25, 2016

Kavyasetu 237 Harivadan Bhatt

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 24 મે 2016

કાવ્યસેતુ 237   લતા હિરાણી

ઝળહળતું સંવેદન

માની કંઇ કવિતાઓ થાય ?

પ્રેમનું એ જીવતું ને જાગતું પારાયણ, કાંઇ બે-ચાર પંક્તિમાં બંધાય ?

ઝળહળતા સંવેદન સૂરજની સામે કૈ, શબ્દોના દિવડા ધરાય ?…….

કાવ્યોનું શિલ્પ સાફસુથરું હોવાનું જે શબ્દોની ખુશ્બુ પ્રસરાવે

આડેધડ વીંટેલા માના પાલવમાંથી, હળદરની વાસ પણ આવે

નાહેલું બાળક પણ તેમ છતાં દોડીને, કાં એની ગોદમાં ભરાય ? …. 

આંખોથી હેત અને છાતીથી દૂધ અને પરસેવા દેહથી નિચોવે

છોરુને માખણના લોંદાઓ દેવાને પોતાની જાતને વલોવે

કડવા ઘૂંટડાઓ પણ બાળકને કાજે, એ હસતું મોં રાખી પી જાય …..

માના નસીબમાં તો વાસણની સંગાથે, પંડને ઘસાવાનુંય આવે

જીવનભર વેતન કે શાબાશી વિનાની, ઘરના સૌ નોકરી કરાવે

ના કોઈ દિ માતાએ વેકેશન લેવાનું, ના કોઈ દિ રિટાયર થાય…….

ફોટો થૈ લટકેલી આખ્ખીયે ઘટનાને વાગવામાં થાય ઘણું મોડું

મમતાના ભગવદ ગોમંડલના બારામાં, ઝાઝું લખીએ તોય થોડું

હૈયાના કાગળ પર કેવળ મા ઘૂંટીને, કલમ બસ છોડી દેવાય ….. હરિવદન ભટ્ટ

 

માની કવિતા લખાતી હોય ત્યારે કલમમાંથીયે સ્નેહની અખૂટ સરવાણીઓ વહેતી હોય. મા વિષે કવિતા લખવી બહુ અઘરી છે અને લખવા બેસીએ તો કલમને રોકવી અઘરી છે. કવિ હરિવદનભાઈએ આ ગીત આપ્યું ત્યારે પૂરા ચાર અંતરા લખાયેલા હતા. એમ થયું કે એક બે ઓછા કરું. અલબત્ત કવિની પરવાનગી લીધી હતી પણ લખવા બેઠી ત્યારે મારી મા યાદ આવી ગઈ. કશું ન બાદ થયું. ચારે ચાર અંતરા અને પંદર પંક્તિઓમાં વરસતું આ મા પ્રત્યેનું વ્હાલ સૌને માટે આમ જ પીરસી દીધું. આ કવિતાને આસ્વાદની ક્યાં જરૂર છે ? તોય થોડીક વાત.

અહી વર્ણવાયેલી મા મધ્યમ ઘરની છે. હળદરની વાસ ભરેલા સાડલાની સોડ બાળકને સ્વર્ગ છે. માતાના હૈયામાં હેત ને પ્રેમ તો હોય જ પણ પોતાના છોરુને સઘળું સુખ આપવા એ પોતાના દેહને પરસેવે નીચોવે છે, જાતને વલોવી નાખે છે. આ ભાવ ભીંજવી જાય છે. અંતે માના ફોટાની વાત કવિતાને ઊંચાઈએ લઈ જાય છે. “ફોટો થૈ લટકેલી આખ્ખીયે ઘટનાને વાગવામાં થાય ઘણું મોડું”…. મા હવે ફોટો થઈ ભીંત પર લટકે છે એ વાતનું શૂળ વલોવે છે પણ એમ લાગ્યા કરે છે કે કેટલું મોડુ થઈ ગયું ! જેણે પોતાને ઉછેરવામાં જાત ઘસી નાખી, પોતાને સુખ મળે એ માટે કોઈ કસર ન છોડી, એને કેટલું સુખ આપી શક્યા ? એની કદર કરવામાં કેટલું મોડુ થઈ ગયું ? પસ્તાવો આંખમાંથી નીતરે તોયે હવે એ આવીને આંખ લૂછી શકે એમ નથી.

પોતાની સાવ નજીકનું સ્વજન ગુમાવનારને આ અફસોસ સદાય પીડતો રહે એ સ્વાભાવિક છે પણ જીવતા જાગી જવાનું મોટાભાગના ચૂકી જાય છે એય સચ્ચાઈ છે. જેને માટે હૃદય ધબકે છે એના માટે, એની સાથે  નિરાંતે જીવી લેજો… બસ આટલું જ ….     

       

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: