Posted by: readsetu | મે 28, 2016

Ujas 3 Raghuveer Chaudhari

ઉજાસ 3 > નવચેતન એપ્રિલ 2016

તું વરસે છે ત્યારે
એક કે બે પંખી
દૂર કે નજીકથી ગાય છે.
કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે.

વાદળ સ્થિર થાય છે ત્યાં
વૃક્ષો ચાલીને
તો ક્યારેક ઊડીને
એમની પાસે જાય છે.
આ બાજુ
બાળકો અને શેરી
એક સાથે નહાય છે.

તું વરસે છે ત્યારે
સૂની બારી પર ટકોરા થાય છે,
અગાઉની રજ ભીના અવાજમાં
વહી જાય છે.

તું વરસે છે ત્યારે
અંદરના ઓરડે પ્રકાશ થાય છે.   રઘુવીર ચૌધરી

ડો. રઘુવીર ચૌધરી પર જ્ઞાનપીઠ પુરસ્કારની વર્ષા થાય ત્યારે સમગ્ર ગુજરાતી સાહિત્યમાં આનંદના ઓઘ ઉછળે, ચાલીને નહીં, ઊડીને એમની સાહિત્યગંગામાં ડૂબકી લગાવવાનું મન થાય. લો, એમના કાવ્યસંગ્રહ વહેતાં વૃક્ષ પવનમાંનું આ અછાંદ કાવ્ય. ભીંજાયેલા વર્તમાન પર ટકોરા કરતું અને અંદરના ઓરડે પ્રકાશ પાથરતું કાવ્ય. 

જેના આગમનથી હૃદય ઉલ્લાસથી ભરાઈ જાય છે એના માટેનું આ કાવ્ય. બાળકો અને શેરી, એક સાથે નહાય છે કહી કવિએ વરસાદની વાત કરી દીધી છે. બાકી કવિતા ખુલ્લું આકાશ છે. એમાં રચાયેલા મેઘધનુષના રંગોમાંથી, તમને ગમે એ રંગ તમારો. શબ્દો વહ્યા કરે છે ને દિલના ખૂણાઓને સાથે લઈને ઉઘાડતા જાય છે. અભિવ્યક્તિ સરળ છતાંય અદભૂત છે !  

માની લો કે વરસતા વરસાદને કવિએ બારીમાં બેસીને નિહાળ્યો છે. વાદળ તો એની રીતે જ વરસે છે ને ઘડીક સ્થિર પણ થાય છે. આંખ વાટે દેખાતું દૃશ્ય કલ્પનાની કેડીએ રમતું થાય તો પંખીના ટહૂકાનેય પાંખ લાગે ! પંખીને આકાશનું કેવું વળગણ ! સૂર્યનું પ્રથમ કિરણ એની પાંખોમાં ઉડાન ભરી દે. એનો ટહૂકો સીધો નભને અડીને આવે. એની પાંખો સાથે મન તો ભમે જ, વૃક્ષ પણ ઊડે ! વૃક્ષને વાદળ સાથે કેટલું વ્હાલ ! ઘડીક પોરો ખાવા બેઠેલ વાદળને ભેટીને, ફરી વરસવા વિનવે. વાદળને એટલું જ જોઈતું હોય ! ધરતી પર પથરાયેલું સમગ્ર, વરસાદને ઝીલવા આતુર હોય. ઝીલનારનો હરખ હોય તો ઠાલવનાર ઠરે ! વૃક્ષ, પંખી, પવન, વરસાદ, જમીન, આકાશ આ બધા એક નેહના નાતે જોડાયેલા છે. વરસાદની વાત હોય તો આમાંના એકેયને છોડી ન શકાય.

વરસાદ વરસે ત્યારે ભીંજાવું એની સમગ્રતામાં ઊઘડે. ક્યાંય કશુંય બાકી ન રહે. રાહદારી ભલે અજાણતાં ભીંજાય છે પણ એને ભીંજાતો જોવાથી મન ભીંજાય. એ અજાણ્યા વટેમાર્ગુની આંખો વૃક્ષને ભેટેલી છે ? કાન ટહૂકે વળગેલા છે ? મન વાદળે અડકેલું છે ? ખબર નથી. કદાચ હોય, કદાચ ન પણ હોય ! પણ આ આખુંય દૃશ્ય રોમાંચ વરસાવે છે, ભરપૂર ઉલ્લાસ પ્રેરે છે એ નક્કી.

ધીંગા વરસાદમાં નહાતાં બાળકો અને શેરી આમ તો પોતાની મસ્તીમાં ગુલ હોય છે પણ એનું હાસ્ય જાણે વાછટ રોકવા બેય બાજુ ચપોચપ બંધ થતાં ઘરના બારી-બારણાંની મજાક ઉડાડતું હોય એવું મને લાગે ! જવા દો, મસ્તી કે ભીંજાવાનો લ્હાવો સહુના નસીબમાં થોડો હોય ? એ તો માણે એ જ જાણે ! શેરીને બંધ બારીબારણાંની પડી નથી ને બાળકોને તો હોય જ ક્યાંથી ? શેરી માટે આ અમોલો અવસર છે, જ્યારે એ આકાશને મન ભરીને મળે છે, પોતાની છાતી પર નાચતા બાળકોની કુમળી પગલીઓના મધુરા સ્પંદન અનુભવે છે, કેટલે વખતે ચોખ્ખાઈના વાઘા માંડ ઉતારી વ્હાલા ગારો અને માટી એના પર લીંપાય છે.

માનવી ભલે બારી બંધ કરતો પણ બારીને પલળવાની પ્રતિક્ષા હોય છે. કદીક આતુર આંખે રાહ જોઈને થાકી ગયેલી બારીઓને કોઈ બંધ કરે છે ત્યારે વરસાદનું આગમન એને ટકોરે છે, સાદ દે છે. થાકી જવું, હારી જવું, નિરાશ થઈને બેસી જવું પ્રકૃતિને કદી મંજૂર ન હોય. સૂનાપણું એનાથી ન સહેવાય. કુદરત નિશબ્દ રહીને સંદેશાના ધોધ વહાવે છે. કોઈને જાગવું જ ન હોય તો જુદી વાત છે બાકી એને જગાડતાં આવડે છે. એની પાસે અઢળક રીતો છે.

બારીબારણાં પર, મન પર, જીવન પર કેટલીય રજ ચોંટયા કરે છે ને ભીનાશ એને વહાવી લઈ જાય છે. વરસતી ઝરમરનો ભીનો અવાજ રજ જામ્યાનો રંજ હળવેથી ખંખેરી નાખે છે. સૃષ્ટિને વિષાદ પસંદ નથી. એ ઉલ્લાસને જીવે છે ને જીવાડે છે. જ્યાં જ્યાં પણ અસુખની એંધાણી છે, એના હળવા હાથે દૂર કરવા મથે છે. સૂકાઈને ખરી ગયેલા પાંદડા, ડાળખાને હૈયે ધરબી હસું હસું થતા નવા છોડ જન્માવવાનો એનો સ્વભાવ છે. વેરાન ધરતી કુમળાં તરણાં પ્રગટાવી જાણે છે. પથ્થરની તિરાડોમાંથી કૂંપળો કેવી ફૂટી નીકળે છે અને ત્યારે પ્રકૃતિનું પરમ રહસ્ય રગે રગમાં પ્રસરી જાય છે. આવે સમયે અંતરના ઓરડે પ્રકાશ ઉતરે જ. ભોગળો વાસી હોય તોય એ તિરાડોમાંથી પ્રવેશે. એનું ઝળાંહળાં તમામ પ્રકારના અંધારાને ઓગાળી દે.

કેટલી સરસ વાત કહી જાય છે આ કવિતા ! લખનાર ને અનુભવનાર તો બડભાગી, વાંચનાર ને માણનાર પણ એના તેજલીસોટાથી ઉજળા !

આ જ કવિની બીજી મજાની કવિતા

મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

પાણીને ઢાળ બહુ ફાવે અંધારનો
મેઘધનુ ક્યાંથી બતાવું ?
મુઠ્ઠીની રેખામાં સંતાડું રાગદ્વેષ
હૈયામાં હારની હતાશા,
સપનાંના ખંડેરે કાંટા અભરખાના
લૂલીને ભાનભૂલી ભાષા,
ગાંઠે બાંધેલ મૂળ હીરાને ઘડવામાં
ઝાંખે ઉજાસ કેમ ફાવું ?

લીલા મેદાનોમાં રમવાનું દૂર ગયું
ગલીઓમાં ગામ મેં વસાવ્યું,
વૃત્તિની ભીડ મહીં ભૂલા પડીને
મેં તો પલ્લવનું પારણું ગુમાવ્યું.
ભોળી ભરવાડણ હું વેચું હરિને
દહીં ખાટું કરીને ઘેર લાવું.
મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?  – રઘુવીર ચૌધરી

 

    

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: