Posted by: readsetu | મે 28, 2016

Ujas 4 Rabindranath Tagor

ઉજાસ > નવચેતન > મે 2016 > લતા હિરાણી

‘જ્યાં શ્વાસની સરહદો પૂરી થાય છે’  (મૂળ લેખ)

મને રજા મળી ગઈ છે.                                                                          
મિત્રો, મને વિદાય આપો.
હું તમને સૌને વંદન કરીને વિદાય લઉં છું
મારા દરવાજાની ચાવી પાછી સોંપું છું
અને મારા ઘર પરના તમામ હક છોડી દઉં છું.
તમારી પાસે માત્ર અંતિમ પ્રેમભર્યા શબ્દો માગું છું.
આપણે ઘણો સમય એકબીજાના સાન્નિધ્યમાં રહ્યા
અને હું આપી શકું તેનાથી વધારે પામ્યો છું.
હવે પરોઢ થયું છે.
અને મારા અંધારા ખૂણાને અજવાળતો દીવો બુઝાઈ ગયો છે.
તેડું આવ્યું છે.
અને હું મારી મુસાફરી માટે તૈયાર છું…..
રવીન્દ્રનાથ ટાગોર   – અનુ.: શૈલેશ પારેખ

મૃત્યુનો સ્પર્શ મુલાયમ હોય ? મૃત્યુના આગમનના અણસાર મનને ભારઝલ્લું ન બનાવી દે ? ‘મૃત્યુ’ એક એવો શબ્દ છે જેની આસપાસ ભયંકરતા વીંટળાયેલી છે, જ્યાં માત્ર ડરનું સામ્રાજ્ય છવાયેલું છે અને જેના આતંકથી પૃથ્વી પરના માનવી થરથરે છે. અહીં ‘મૃત્યુ એટલે માતમ’ એવી માનસિકતાને ક્યાંય વળોટી મોતને આલિંગન આપવા કવિના શબ્દો ફૂલોનો સ્પર્શ લઈ સરી ઊઠ્યા છે. શબ્દોમાંથી એક સુંવાળી નમણાશ ઝરણાની જેમ વહે છે. કાગળ પર આ શબ્દો ઉતર્યા હશે ત્યારે સુગંધી બની ગયા હશે. શ્વાસને જરા ધીમા પડવું પડે, ધબકારાને ઘડીક થંભવું પડે, આંખના પલકારાને લગીર અટકવું પડે એટલી મૃદુતા અહીં મૃત્યુના સ્વીકારમાં વણાઈ છે. કવિએ શબ્દોના કંકુ ચોખાથી મૃત્યુને વધાવ્યું છે.

વાત આવી રહેલા સુંદર સમયની છે અને સરી ગયેલા સમયની સ્મૃતિ પણ એટલી જ મધુર છે. વીતી ચૂકેલી ઘડીઓ પણ એટલી જ રળિયામણી છે. કવિ સૌને વંદન કરે છે કેમ કે એમના હૈયામાં ભરપૂર સ્નેહ ભર્યો છે. ત્યાં  નથી કોઈ કડવાશ કે નથી કોઈ ફરિયાદ. સંવેદનાના સૂક્ષ્મ જગતના દ્વાર ખૂલી રહ્યા છે, હૈયામાં ક્ષિતિજ છવાવા લાગી છે એટલે આ સ્થૂળ ચાવી કે દીવાલો પરના હક એમના કામના રહ્યા નથી. હવે પ્રેમથી અને સમતાથી બધું છોડવું છે. હા, એક આરઝુ છે, વિનંતી છે, ઇચ્છા છે કે આપો તો આપો માત્ર પ્રેમભર્યા શબ્દો, જે આગળના પ્રવાસને વધુ મીઠાશભર્યો બનાવી દે.     

થોડા મીઠા શબ્દોની મનસા સાથે કવિ કહે છે કે સંબંધોના વિશ્વની ઘટમાળમાં પોતાના પક્ષે હંમેશા ત્રાજવું નમેલું રહ્યું છે. સઘળા સંગાથોએ ખૂબ સધિયારા આપ્યા છે. પોતાની પાસે આપવા માટે ઘણું હતું પણ મળ્યું છે એ એટલું અધિક છે કે મન એનાથી છલોછલ ભરેલું છે. સામાન્ય રીતે માનવીની અપેક્ષાઓ કદી પૂરી નથી થતી હોતી. જીવન અપેક્ષાઓના લીસ્ટમાં જ પૂરું થાય છે એટલે જે કંઈ મળે છે, એને એ ઓછું જ લાગે છે. અહીયાં કવિ જુદી જ મનોદશામાં છે. ‘અને હું આપી શકું તેનાથી વધારે પામ્યો છું.’ આ સ્થિતિ સંતની હોય. જે સમયે કવિના આ ઉદગારો પ્રગટ્યા હશે ત્યારે કેટલી સમતા અને કેટલી ધારણા ભરી હશે એમના મનમાં ! આ એવી અવસ્થા છે કે જે વિચારીને પ્રાપ્ત ન કરી શકાય ! એ તો ધીમે ધીમે, આચરતા આચરતા, સ્વભાવ બની જાય ત્યારે આવું લખી શકવા જેવી મનોદશામાં પ્રવેશાય ! અંત સમય નજદીક આવતો દેખાય, મહેસૂસ થાય ત્યારે મનમાં આવું ભાવજગત પથરાયું હોય એ કદાચ જીવનની સૌથી સુંદર પળો કહી શકાય.   

સામાન્ય રીતે મૃત્યુ એટલે ભયાનકતાનો પર્યાય. એનો સ્વીકાર કર્યા વગર ભલે કોઈનો આરો નથી પણ એ સુંદર કોઈને નથી લાગતું. દરેક માણસ જાણે છે કે એક દિવસ મોત નક્કી છે, એ આવવાનું જ છે. પ્રિયમાં પ્રિય વ્યક્તિને કે કરોડો, અબજોની દોલતનેય છોડીને જવાનું છે. જીવનસંધ્યાએ પણ એના ભણકારા, જે સંભળાવા જોઈએ તે અવગણાતા હોય છે. એને હાથતાળી કદી ન આપી શકાય પણ પ્રયત્નો હંમેશા બધાના એવા જ હોય છે. આ વાસ્તવિકતાનો અહી છેદ ઊડી ગયો છે. મૃત્યુ જેવી બાબતને એટલી હળવાશનો, સુંદરતાનો સ્પર્શ છે કે ઘડીભર બધું ભૂલી એમાં રમમાણ થઈ જવાય. ન રહે બીક કે ન રહે વ્યાધિ.

કવિ માટે મૃત્યુ ચીર નિંદ્રા કે કાળરાત્રિ નથી. આગળની મુસાફરી માટેનું એ પરોઢ છે. અહી ‘પરોઢ’ શબ્દ કેટલો સુખકારક લાગે છે ! તમામ ગ્લાનિ કે શોકને સમૂળગા હટાવી દેતું આ પરોઢ ! આંખ સામે ઉજાસ પાથરતું પરોઢ ! મૃત્યુ માટેનું આ અદભૂત કલ્પન છે ! જીવન પણ મજાનું હતું. કવિએ જીવનને અંધારો ખૂણો ભલે કહ્યું પણ સાથે સાથે એય સ્પષ્ટ કરી દીધું છે કે ત્યાં એક દીવો હતો – સમજણનો, સમતાનો, પ્રેમનો જેણે આખું જીવન અજવાળ્યું. અહી કવિ દીવાનું બુઝાવું પણ કહી શક્યા હોત પણ ના, આ દીવો બુઝાતો નથી, એનું કાર્ય પૂરું થાય છે એટલે પરોઢનું આગમન ભાવકનેય ઊઘડતા અજવાળે દોરી જાય છે. હવે સાદ પડ્યો છે, તેડું આવ્યું છે. આ શ્વાસ છોડીને જીવને એવા પ્રદેશમાં જવાનું છે જે તમામ ભાવનાઓ, અનુભૂતિઓ કે સંવેદનાઓથી ક્યાંય જુદું છે… અદીઠ અગોચર….. ‘હા, હું મારી મુસાફરી માટે તૈયાર છું’. કશું બાકી નથી. કશું અધૂરું નથી. એક પૂર્ણતાનો પ્રદેશ વટાવી બીજી પૂર્ણતામાં પ્રવેશવાનું છે..

ફૂલને ઝાકળનો સ્પર્શ થાય એવી નજાકતભરી જીવન અને મૃત્યુના મિલનની આ પ્રાર્થના મનને અજવાળી જાય છે. આવા વિષય પર કવિવર રવીન્દ્રનાથ ટાગોર પાસેથી બીજું શું અપેક્ષિત હોય

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: