Posted by: readsetu | જૂન 15, 2016

Kavyasetu 240 Jitendra Joshi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 14 જૂન 2016

કાવ્યસેતુ 240  લતા હિરાણી

એક ગણિકાનું ગીત

બ્હાર બ્હારથી ખૂબ નીતરતા અંદર કોરા કોરા

અંગ અંગથી ટપકી પડતાં રોજ કેટલાં ફોરાં !

કોઇ બારણે આવે ત્યારે બોલે વ્હાલું વ્હાલું,

હોય તૂટતું અંદર હૈયું તોય હાથને ઝાલું.

છિન્ન ભિન્ન થઇ જાઉં ઘડીકમાં, ગૂંચવી નાખું દોરા,

અંગ અંગથી ટપકી પડતાં રોજ કેટલાં ફોરાં !

હોય સીમાડા ના ખેતરના, હોય કશે ના શેઢા

દશે દિશાને બાંધી લેતા આંગળિયુંના વેઢા

ચૂપ થઇને બેસી રહ્યા છે અંદર કૈંક ટકોરા

અંગ અંગથી ટપકી પડતાં રોજ કેટલાં ફોરાં !

જંપી જાતાં ઝાંઝર, ઝુમ્મર, જંપી જાતાં પંખી

રહ્યાંસહ્યાં ડૂસકાંને કાયમ ભમરા જાતા ડંખી

દેશવેશના ભેદ નથી કૈં, એક બધાનાં મ્હોરાં

અંગ અંગથી ટપકી પડતાં રોજ કેટલાં ફોરાં !……….. જિતેન્દ્ર જોશી

 

 ‘ગણિકા શબ્દ સાંભળતાં નાકનું ટેરવું ચડી જાય. તો સભ્ય સમાજનો શબ્દ છે, બાકી ગણિકા માટે વેશ્યા સહિત બીજા અનેક ગંદા શબ્દો વાપરવામાં આવે છે. શરીર નિચોવીને રૂપિયા વીણવાનો ધંધો. આની ઉપર કવિતા લખી શકાય ? હા.

ગીતના આરંભથી શરીર ઊઘડે છે. માત્ર અને માત્ર વાસનાના દરિયામાં જેને ડૂબતાં રહેવાનુ છે એને અંદરનું કોરાપણું કરડી ખાતું હોય એવું બને ! ચીસ અને ચીડના અદૃશ્ય ફોરાં ક્યારેક ટપકયા કરતાં હોય એવું યે બને. બારણે આવીને ઊભેલાને પાછું કાઢવાની હિમ્મત નથી અને હોય તોય એમ કરી શકાય એમ નથી ત્યારે મીઠું મીઠું બોલતા જીભ કડવી ઝેર થઈ જાય ને એનો સ્વાદ માત્ર પોતાને અંદર પરખાય. એય વળી ચૂપચાપ ગળચવું પડે.

રૂંવાડે રૂંવાડા તૂટીને ગૂંચવાઇ જાય, જાત આખી એમાં અટવાઈ જાય એવા સમયને પહેરવો પડે, ઓઢવો પડે. એમાં ઈચ્છા અનિચ્છાને કોઈ અવકાશ હોય. કોઈ સીમાડા કે શેઢા વગરની અંધાધૂંધ અંધારી શેરી. અંદરથી આવતા અવાજને ચૂપ કરી દેવો પડે. ક્યારેક ટકોરાનીય તમા રહે એવી દિશાવિહીન દશા ! રહ્યાંસહ્યા ડૂસકાંનો પ્રયોગ ભાવકને સ્પર્શી જાય છે. અણગમતા કામનોય આખરે સ્વીકાર એટલો થઇ જાય છે કે અંદરથી એની સામે અવાજ ઉઠવાનુય બંધ થતું જાય છે. સ્ત્રીનો અવતાર અને અરમાન હોય એવું કેમ બને ! રોજ રોજ એવા ડંખ વાગે કે સઘળા અરમાનને ગળે ટૂંપો દેવો પડે અને એક સત્ય દીવા જેવુ દેખાય કે જુદા જુદા દેખાતા દરેક જણનો અંતે સાચો ચહેરો એક છે.

વિષય એવો છે કે કવિ ઘણી છૂટ લઈ શક્યા હોત. કવિતાને ચગાવી શક્યા હોત. ઘણા ટેસદાર કલ્પનો કે ક્રિયાઓ કવિતાના ધાગે પરોવી શક્યા હોત. એ કોઈપણ કવિની અંગત પસંદગી છે. શું સારું કે શું ખોટું એવી વાતને અહી સ્થાન જ નથી. ‘આટલું જ કહેવું’ કે ‘મર્યાદામાં રજૂઆત કરવી’ એનોય સવાલ નથી. જે છે એ છે. મૂળ વાત એટલી જ કે અત્યંત લપસણો વિષય હોવા છતાં કવિએ ગણિકાની આંતરદશાને જ નિરૂપવાનું મુનાસીબ સમજયું છે અને એમાં એ સફળ રહ્યા છે. આવા વ્યવસાયમાં સપડાયેલી સ્ત્રીનો ડંખ ભાવક સુધી પહોંચાડી શક્યા છે અને છેલ્લે સમગ્ર પુરુષજાત પ્રત્યેનો વ્યંગ્ય પણ સારી રીતે તાકી શક્યા છે.

સમય જુદા જુદા રૂપ ધરીને સામે પેશ થતો રહે છે. દેહનો વ્યવસાય મજબૂરીનું જ બીજું નામ ખરું પણ ક્યાંક એ સહેલો સમજી ઇચ્છાથી સ્વીકારેલો રસ્તો હોય એવુંય બને છે. બેફામ ભોગવટાનું બીજું નામ પણ બની જતો હોય છે. એ શરૂઆતમાં સહેલો રહે ને પછી ચીસ પાડવા દીધા વગર છરીની જેમ ચીરીય નાખે. આખરે એ બધા જ મિશ્ર ભાવોનું વરવું રૂપ બનીને માથે ખડકાયેલો રહેતો હશે ! કવિતાને શીર્ષક જ અપાયું છે ‘એક ગણિકાનું ગીત’. વિષય અને રજૂઆતની રીત ત્યાં જ ઉઘડી જાય છે. ‘ફોરાં’ જેવા હળવા શબ્દના પુનરાવર્તંનથી કવિતા ‘ગીત’ના વજનમાં રહી શકી છે. શરીરની આ વાર્તા છે અને એમાં મરતા આત્માનું આ રૂદન છે. અનાસક્ત કે વિષયાસક્ત જેવા અંતિમોથી દૂર રહીને કવિએ વેદનાને વ્યાજબી રૂપે નિરૂપી છે, ખંજર બનવા નથી દીધી.

       

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: