Posted by: readsetu | જૂન 21, 2016

લયબદ્ધ શ્વસન દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય

લયબદ્ધ શ્વસન દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય (મૂળ લેખ)  – લતા હિરાણી

દિવ્ય ભાસ્કર > 21 જૂન 2016

મહર્ષિ પતંજલિની યોગ પરંપરામાં એક સિદ્ધગુરુ પાસેથી ગુરુશિષ્ય પરંપરા મુજબ સાધના કરીને યોગી શ્રી એસ. એન. તાવરીયાજીએ વિચાર્યું કે પોતાની રોજની જંજાળમાં માનવી કલાકો સુધી યોગ સાધના ન કરી શકે એટલે સામાન્ય માનવી માટે પોતાની સાધનાના નિચોડ રૂપે 3SRB અને 6 રિફાઈનીંગ ક્રિયાઓ શોધી. રોજ નિયમિત રીતે માત્ર દસ મિનિટમાં સંપૂર્ણ સ્વાસ્થ્યનો લાભ આપતી હોય એવી બીજી કોઈ યૌગિક પદ્ધતિ નથી. તાવરીયાજી 3SRB માટે કહેતા, “મનને કાબુમાં રાખવા સિવાય આપણી પાસે શ્વાસ સિવાય બીજું કોઈ સાધન નથી. શ્વાસમાં 24 કલાક રિધમ બેસાડી દ્યો અને તમે આ ભવસાગર તરી ગયા. તેમનો જીવનમંત્ર હતો “શ્વાસે શ્વાસે પ્રેમ અને ઉચ્છવાસે ક્ષમા”

આ યૌગિક સાધનાના બે ભાગ છે. પહેલાં આપણે 3 SRB વિશે જાણીએ. 3 SRB એટલે ‘3 સ્ટેપ રિધમીક બ્રિધીંગ’ ગુજરાતીમાં તેને લયબદ્ધ શ્વસન ક્રિયા કહે છે. સમસ્ત બ્રહ્માંડનો એક લય હોય છે જેની સાથે શ્વાસને જોડવાની આ ક્રિયા છે. ‘3 સ્ટેપ રિધમીક બ્રિધીંગ’થી શ્વાસની ક્રિયા એક લય પ્રમાણે ચાલે છે. બાળક સાવ નાનું હોય ત્યારે તેની શ્વસન ક્રિયાનો જે લય હોય છે તે પ્રમાણે ફરી લય ગોઠવાય છે.

બાળક જન્મ્યા પછી નવ મહિના સુધી કુદરતી રિધમ પ્રમાણે પણ એક મિનિટના 36 શ્વાસ લેતું હોય છે. પછીના નવ મહિનામાં એ દર ઘટીને મિનિટના 18 શ્વાસનો થાય છે અને પછીના નવ મહિનામાં એ મિનિટના 12 શ્વાસ જેટલો થઈ જાય છે. દરેક માનવી આ લય સાથે જન્મે છે. બાળક મોટું થાય છે, સમજદાર થાય છે. તેના પર કોઈ ગુસ્સો કરે કે ધમકાવે, શાળામાં કોઈ ડરાવે તો એની લાગણીઓ ઘવાય છે. તેના ઇમોશન્સ તૂટે છે અને તેના શ્વાસની રિધમમાં ફરક પડે છે. આ અડચણો વધતી જાય છે અને તેના શ્વાસ બગડતા જાય છે. બસ આ બગડેલી સિસ્ટમને બદલીને ફરી મૂળ રિધમ બેસાડવાની છે.

3SRB એ શ્વાસ લેવાની સાચી પદ્ધતિ છે. 3SRBમાં 1,2,3,5,6નું સંગીત વાગે છે અને એ પ્રમાણે શ્વાસ લેવાનો-છોડવાનો હોય છે. 1,2,3માં શ્વાસ લેવાનો અને 5,6માં છોડવાનો. સવાર-સાંજ એનો અભ્યાસ કરી શકાય તો ઉત્તમ પણ રાત્રે સૂતી વખતે એ સંગીત સાંભળતા સાંભળતા સૂવાની આદત પાડવી જેથી ધીમે ધીમે શ્વાસમાં એ લય વણાઈ જાય. રાત્રે સૂતી વખતે જે મનમાં રહે એ સબકોન્સીયસ માઈન્ડમાં ઉતરતું જાય અને પછી એ આદત બની જાય. 3SRBમાં મિનિટના બાર શ્વાસ જ લેવાય છે, કેમ ? આપણું સૂક્ષ્મ શરીર મિનિટના બાર વખત પ્રાણ અંદર લે છે. જો સ્થૂળ શરીર પણ આ જ લયમાં શ્વાસ લે તો બંને વચ્ચે સંવાદ રચાય. જો ચોવીસ કલાક શ્વાસનો આ લય બેસી જાય તો અંદરનું એનર્જી લેવલ ધોધની જેમ વધી જાય. ખોરાક અને ઊંઘની જરૂરિયાત ઘટી જાય અને શરીર-મન અખંડ સ્ફૂર્તિ અનુભવે.     

માનવીનો તેના મન પર કોઈ કાબુ હોતો નથી. લયબદ્ધ શ્વસનથી તેના પર કાબુ મેળવી શકાય છે. પરિણામે  વિચારો પર નિયંત્રણ આવે છે. મન શાંત થાય છે જેથી રુધિરાભિસરણ લયબદ્ધ થાય છે અને નાડીના ધબકારા ઘટે છે. આ ક્રિયાઓ શારીરિક અને માનસિક, ટોટલ હેલ્થ, સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે છે. આ ક્રિયાઓ એવી રીતે રચાયેલી છે કે આપણું સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બંને સંવાદિતામાં આવી જાય.

બ્રહમાંડમાં જે સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો, ગ્રહો છે એ એક ડિવાઇન માઇન્ડમાં ઘુમી રહ્યા છે. ધી માઇન્ડ ઓફ ગોડ. આ જ ડિવાઇન માઇન્ડ ઓફ ગોડ આપણાં મગજમાંથી પણ પસાર થાય છે. આ ટોટલ શક્તિ હર પળે આપણામાંથી પસાર થાય છે અને વહી જાય છે. આપણા શરીર અને મગજમાં બોંતેર શટલ પોઈન્ટ છે. આ ક્રિયાઓથી આ બોંતેર પોઈન્ટસને જાગૃત કરવાના છે. 3SRB અને છ રિફાઈનીંગ ક્રિયાઓથી મગજના બોંતેર પોઇંટ્સ અને શરીરના બોંતેર પોઇંટ્સનો સંવાદ શરૂ થશે અને ત્યારે દિવ્ય ચેતનાનો અનુભવ થશે.    

હવે આપણે રિફાઈનીંગ કસરતો વિશે જાણીએ. છ રિફાઈનીંગ કસરતો અને છેલ્લી ગોલ્ડ નગેટ એમ સાત મિનિટની કુલ સાત કસરતોથી શ્વસન ક્રિયા અને વાણી સુધરે છે. તાકાત અને સ્વસ્થતા વધે છે. રક્તભ્રમણ અને પાચનતંત્ર વ્યવસ્થિત થાય છે. સ્ટ્રેસ દૂર થાય છે. સાંધાઓનો દુખાવો જાય છે. અંત:સ્રાવી ગ્રંથિઓ નિયમિત બને છે. આપણા શરીરમાં આવેગોને કારણે જ ગ્રંથિઓ બંધાય છે અને પીડા ઊભી કરે છે. રિફાઈનીંગ ક્રિયાઓ આ ગ્રંથિઓને ઓગાળવાનું કામ કરે છે અને દરરોજ કરવાથી નવી ગ્રંથિઓ બંધાતી નથી.

છ રિફાઈનીંગ ક્રિયાઓ માર્ગદર્શક પાસેથી શીખીને જ કરવી જોઈએ. જેથી એ કેવી રીતે કરવી એ વિશે અહીં વધુ નહીં લખું. લેખના અંતે એનું સરનામું આપું છું. આ કસરતો એકસાથે કરવી. વચ્ચે આરામ લેવો નહીં. સાત મિનિટની તો વાત છે ! પહેલી ત્રણ ક્રિયાઓ રિવર્સમાં પણ કરવામાં આવે તો ઉત્તમ. એમ થાય તો કુલ મળીને સમય જોઈએ માત્ર દસ મિનિટ ! આ ક્રિયાઓ ગજબનો લાભ આપે છે પણ એનો નિયમ એ છે કે 7-1=0 અર્થાત એક દિવસ ન થઈ તો એની અસર ઝીરો. વર્ષના 365 દિવસ આ ક્રિયાઓ કરવી જ કરવી. પોતાના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે દિવસની દસ મિનિટ, બને તો સવાર સાંજ, કાઢી જ શકાય. આ કસરતો નીચે પલાંઠી વાળીને કરી શકાય કે ખુરશીમાં બેસીને કરી શકાય. એના માટે કોઈ ચોક્કસ આસનમાં બેસવું જરૂરી નથી. ઓછામાં ઓછા સમયમાં સંપૂર્ણ શારીરિક માનસિક સ્વાસ્થ્ય આપતી આના જેવી બીજી કોઈ યોગ પદ્ધતિ નથી.

આ યૌગિક સાધનાનો ક્રમ આ રીતે રાખવો. 1. 3SRB બેસીને પાંચ મિનિટ  2. રીફાઈનીંગ ક્રિયાઓ અને ગોલ્ડ નગેટ સાત મિનિટ  3.  3SRB સૂઈને પાંચ મિનિટ અને રાત્રે સૂતી વખતે એ એ સંગીત સાંભળતા સાંભળતા સૂઈ જવાનું.

3SRB અને રિફાઈનીંગ ક્રિયાઓ ભારતમાં મોટાભાગના શહેરોમાં માન્ય યોગશિક્ષકો વિનામૂલ્યે શીખવે છે. અમદાવાદમાં આ શિબિર નિયમિત રીતે ચાલે છે. સમય અને સ્થળ :  દર મહિનાના પહેલા રવિવારે સવારે 7 થી 9 દરમિયાન, માનવ પરિવાર હૉલ, 19 રાવપુરા સોસાયટી, મેમનગર ફાયર સ્ટેશન પાછળ, નવરંગપુરા. મિત્રો, આનો લાભ ચૂકવા જેવો નથી.     

 

 

 

 

Advertisements

Responses

  1. ચોક્કસ. અત્યારથી જ નોંધી લીધું છે. સરસ સમજણ સાથે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: