Posted by: readsetu | જૂન 23, 2016

Ujas – Manohar Trivedi

ઉજાસ > 5 >  જૂન 2016 > લતા હિરાણી (મૂળ લેખ)

કોઇ જાતું હળવે હળવે કોઇ ઘાએ ઘા
તું તારી રીતે જા
તને ગમે તો આ પાર જાજે અથવા પેલે પાર
તું તારી રીતે જા

બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી
દોટ મૂકજે બજાર વચ્ચે દેહ ઉઘાડો મેલી
ને ફરીફરીને ન્હા

હોય અજાણ્યાં કે જાણીતાં : છતાંય મલકે હોઠ
રોજ ધુળેટી ઊજવીએ માગી નજરુંની ગોઠ
હળ્યાંમળ્યાં તો ઘેર ઊતરશે અવસરની કૈં પોઠ
રે ઉતાવળો કાં થા ?

કોઇ બાળકે ફૂલ ચીતરતાં મ્હોરી ઊઠી ભીંત
પતંગિયાને કોણ શીખવે છે ઊડવાની રીત ?
કોયલને ક્યાં કહ્યું હતું કે ગા ફાગણનું ગીત ?
તું મન ફાવે તે ગા

તું તારી રીતે જા……………….. મનોહર ત્રિવેદી(

ભગવાન કૃષ્ણની વાંસળીનું માધુર્ય અજબ છે, એની મોહિનીનો જોટો નથી. આખું ગોકુળ ભાન ભૂલીને એની પાછળ દોડતું હતું. માનવી તો શું, પશુ, પંખી, વૃક્ષ, વેલી, નદી, સરોવર પણ એના સૂરે ડોલતા હતા પણ કૃષ્ણે વાંસળીવાદનની ક્યાંય તાલીમ નહોતી લીધી કે યુવાનોને આપવાય કોશિષ નહોતી કરી. એ વાદન સ્વયંભુ હતું. સુદર્શનધારી શ્રીકૃષ્ણ, જે ધારે તો પળમાં પૃથ્વીને પાતાળે ચાંપી શકે, એમણે એના પ્રિય શિષ્ય અર્જુનને ઉપદેશ એ જ આપ્યો કે હું માત્ર તારો રથ યુદ્ધના મેદાનમાં લઈ જઈશ. તારી લડાઈ તારે લડવાની છે.

આજના યુવાનને આ ખપતું નથી. ચારેકોર પર્સનાલિટી ડેવલપમેન્ટના અને બીજા કેટલાય ક્લાસ ભરવા ફર્યા કરે છે. ક્યાંકથી શોર્ટકટ મળી જાય, કોઈની ટિપ્સ વાંચીને તરત પ્રથમ પંક્તિમાં આવી જવાય કે પછી કોઈના ઉપદેશથી મહાનતાના શિખર સર થઈ જાય એનું ગાંડપણ એને વળગેલું છે. કિશોરોના, યુવાનોના આપઘાતના કિસ્સાઓ ભયાનક હદે વધતા જાય છે એની પાછળના કારણોમાં મહદ અંશે આ ઘેલછા કારણભૂત હોય શકે !

પતંગિયુ બીજાના રંગ પહેરતું નથી. કોયલ પોતાનો જ ટહૂકો આલાપે છે. નાનકડું ઘાસનું ફૂલ ગુલાબ સામે આનંદથી જોશે કે હવામાં ઊડતી જૂઈની સુગંધને માણશે પણ લહેરાશે તો માત્ર પોતાની નાનકડી સીમામાં જ. રણની રેતી ને દરિયાની રેતી ક્યારેય સ્પર્ધામાં ઉતરતા નથી. પહાડનું ઊંચું શિખર ને તળેટીમાં પડેલો નાનકડો પથ્થર બસ એકબીજાને જોઇ રાજી થાય છે. દરેકને પોતાની સ્થિતિ છે, પોતાની ગતિ છે, પોતાનું સૌંદર્ય છે ને પોતાની સુવાસ છે. એ ક્યારેય ક્યાંય એકસરખા નથી.        

સૌરાષ્ટ્રમાં એક કહેવત છે, ‘લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં પણ માંદો થાય’. આમાં ‘જવું’ એટલે ‘વાદ કરવા’. ‘વાદ કરવા’ એય નકરો કાઠિયાવાડી શબ્દ. હવે આ ‘નકરો’ શબ્દ તો તમે સમજી જ જશો. કાગડો હંસની ચાલે ચાલવા જાય તો પકડાઈ જાય. ન ચાલે. દરેકે પોતાની શક્તિ ઓળખવી જોઈએ અને પોતાની મર્યાદાય પારખવી જોઈએ. દરેક માણસ ધીરુભાઈ અંબાણી કે ટાટા-બિરલા ન થઈ શકે. દરેક ચા વેચનારો નરેન્દ્ર મોદી ન થઈ શકે. તકલીફ એ છે કે પોતાના અધૂરા સપનાં પૂરા કરવા સંતાનની પાછળ લાકડી લઈને પડેલા માબાપો અને વ્યક્તિત્વ વિકાસની ધમધોકાર ચાલતી દુકાનો લઈને બેઠેલા વેપારીઓ આ ઉદાહરણો જ દોહરાવ્યા કરે છે જે તદ્દ્ન અવાસ્તવિક છે.

મહાન લોકો એક દીવાદાંડીરૂપ આદર્શ ગણાય એ વાતનો આપણે નતમસ્તકે સ્વીકાર કરીએ. એમના ચરિત્રો આપણને પ્રેરણા પૂરી પાડે એય સો ટકા સાચું પણ પોતાનું કૌવત પોતે જાણવું પડે. એ પ્રમાણે જ ચલાય. આદર્શો નજર સામે રાખીને ચાલીયે તો આગલા વધવું સહેલું પડે પણ પહોંચાય એટલે જ જેટલી આપણી તાકાત. આ વાત જેટલી જલ્દી સમજી લઈએ એટલું સારું નહીંતર સાયકોલોજીસ્ટો ને સાયકીયાટિસ્ટો પાસે ડિપ્રેશનના દરદીઓની પંગત લંબાય. બસ એટલું થાય.

આદર્શ આવકાર્ય છે, ચોપડીઓ વાંચીને કે લેકચર સાંભળીને ઊપડતી ઘેલછા આવકાર્ય નથી. સફર આદરવાની છે પણ પોતાના પગલાની તાકાત પ્રમાણે. બંધ આંખે કોઈની પાછળ મૂકાતી દોટ મંજૂર નથી. યુવાને બંધિયાર તળાવ નહી, ભલે નાનું પણ મુક્ત ઝરણું બનવાનું છે. પોતાની દશા અને દિશા જાતે નક્કી કરવાની છે. પોતાનો નકશો જાતે ચીતરવાનો છે.

આપણે ગોખાવી દઈએ છીએ કે કપડાં વગર ન ફરાય. મા સાવ નાના બાળકને નવડાવવા એના કપડાં ઉતારી નાખે ત્યારે અનુભવજો કે વસ્ત્રવિહીનતાનો આનંદ એ કેવો માણે છે ! એ મુક્ત સ્થિતિમાં છે. એણે માત્ર આનંદ ઓઢયો છે, પવન પહેર્યો છે. સ્વયં કુદરત એના હોઠ પર મલકે છે. પછી શું ? બાળકનું બાળપણ પૂરું થાય એ પહેલા આપણે એને ઉતારવાની મનાઈ સાથે ચકડોળમાં બેસાડી દઈએ છીએ અને પાછા સામે ચાંદ તારાના આદર્શો ખડકી દઈએ છીએ !

ચાલો, આજથી જાતને ઓળખવાનું શરૂ કરી દઈએ. સેલ્ફ એસેસમેન્ટ બહુ જરૂરી છે. દિવસ આખો ભલે જે કરવાનું હોય એ કર્યા કરીએ પણ રાત પડે ઘડીક વિચારીએ કે આજે શું કર્યું ! અંદરનું જે સત્વ છે, પોતાનું જે તત્વ છે, એને પ્રગટાવવા બે-ચાર ડગલાં ભર્યા તો બસ, બહુ થયું ! કોઈની પાસે દરિયો છે તો બહુ સરસ.. હું મારી ગાગર છલકાવીશ. કોઈએ ભલે એવરેસ્ટ આંબ્યું, મને મારી તળેટી મુબારક. મારે તો શ્રાવણની હેલી ને ઉઘાડી ડેલીની મજા માણવાની છે. ઘરની ભીંત પર પતંગિયા દોરી ઊડવાના જલસા કરવા છે….

બોલો, મસ્ત છે ને આ ગીત ?            

Advertisements

Responses

  1. બસ આ જ તો છે – જીવન જીવવાની કળા.

  2. મજાનું મસ્ત-મસ્ત છે…..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: